ઓથોરાઇઝડ ડીલર પાસે જ એવરેજ ચકાસાવવાની સલાહ; E-20થી માઇલેજ ઘટવાની ફરિયાદો વચ્ચે સરકારના ખુલાસા પર સવાલ
પત્રકાર: મારી કારમાં એવરેજ ઘટી ગઈ
ગડકરી: તમે માપ્યું એ સાવ સાચું નહીં!
દેશભરમાં E-20 પેટ્રોલ ફરજિયાત અમલમાં આવ્યા બાદ વાહનોનું એવરેજ ઘટી જવાની ફરિયાદો સતત વધી રહી છે. આ મુદ્દે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે સામાન્ય વાહનચાલક પોતાની કારનું સાચું એવરેજ જાતે માપી શકતો નથી અને તેની ચોક્કસ ચકાસણી માત્ર કંપનીના ઓથોરાઇઝ્ડ ડીલર પાસે જ થઈ શકે છે.
એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં એક પત્રકારે તેની 2023માં ખરીદેલી E-20 અનુકૂળ કારની શહેરમાં એવરેજ અગાઉ 11 કિમી પ્રતિ લિટરથી ઘટીને 7 કિમી પ્રતિ લિટર થઈ ગઈ હોવાની ફરિયાદ કરી હતી. તેના જવાબમાં ગડકરીએ પૂછ્યું કે આ એવરેજ કેવી રીતે માપવામાં આવી હતી ? પત્રકારે કારના ડિસ્પ્લેના આધારે આ આંકડો જણાવ્યાનું કહેતા ગડકરીએ આવી રીતે મળતી માહિતી સંપૂર્ણપણે વિશ્વસનીય ગણાવી શકાય નહીં તેવો જવાબ આપ્યો હતો.
નોંધનીય છે કે સરકારે E-20ને આયાતી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવા અને પ્રદૂષણ ઓછું કરવા માટે જરૂરી ગણાવ્યું છે, પરંતુ બીજી તરફ વાહનચાલકોમાં એવરેજ ઘટવાની ફરિયાદો યથાવત રહેતા આ મુદ્દે સરકારના ખુલાસા હજુ પણ અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યા છે.
“પ્રશ્ન જવાબ” ડોક્યુમેન્ટમાં પણ સ્પષ્ટાનો અભાવ
E-20 પેટ્રોલને લઈને ઉઠેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે તાજેતરમાં જાહેર કરેલા “પ્રશ્ન-જવાબ” દસ્તાવેજમાં સ્વીકાર્યું છે કે કેટલાક વાહનોમાં 3થી 5 ટકા સુધી ફ્યુઅલ ઇકોનોમી ઘટી શકે છે. જોકે આ ઘટાડાનું ચોક્કસ કારણ શું છે, તેનો અસરકારક ઉપાય શું છે અથવા ગ્રાહકોની ફરિયાદો અંગે શું વ્યવસ્થા કરવામાં આવશે તે અંગે કોઈ સંતોષકારક સ્પષ્ટતા કરવામાં આવી નથી.
