પ્લેનનું નહિ, પૃથ્વી ગ્રહનું બ્લેક બોક્સ!
જ્યારે કોઈ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થાય છે, ત્યારે તપાસકર્તાઓ સૌથી પહેલા તેનો કાટમાળ ફેંદીને એક નાનકડું ‘બ્લેક બોક્સ’ (Flight Data Recorder) શોધે છે. આ બોક્સ વિમાનની અંતિમ ક્ષણોનો તમામ ડેટા અને પાયલોટની વાતચીત સુરક્ષિત રાખે છે, જેથી જાણી શકાય કે દુર્ઘટના શાના કારણે થઈ હતી. હવે કલ્પના કરો કે આપણી આખી પૃથ્વી જ એક દુર્ઘટનાગ્રસ્ત થવા જઈ રહેલું વિમાન છે!
ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ અને પર્યાવરણીય વિનાશને કારણે વૈજ્ઞાનિકો માની રહ્યા છે કે માનવજાત પોતાના વિનાશ તરફ ઝડપથી આગળ વધી રહી છે. આ ભયાનક વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને, ઓસ્ટ્રેલિયાના તાસ્માનિયા ટાપુ પર એક વિશાળ અને ક્યારેય નષ્ટ ન થાય તેવું ‘અર્થ બ્લેક બોક્સ’ બનાવવામાં આવી રહ્યું છે. આ બ્લેક બોક્સ ૩૨ ફૂટ લાંબુ છે. તેને ૩ ઈંચ જાડા સ્ટીલના કવચથી બનાવવામાં આવ્યું છે, જેથી તે ભૂકંપ, ભયાનક વાવાઝોડા, બોમ્બ ધડાકા કે તાપમાનના ચરમ ફેરફારોમાં પણ અકબંધ રહી શકે.
આ બોક્સની અંદર વિશાળ સ્ટોરેજ ડ્રાઈવ્સ ગોઠવવામાં આવી છે. આખી સિસ્ટમ સૌર ઊર્જા અને બેટરી બેકઅપથી ચાલે છે, એટલે કે જો પૃથ્વી પરની તમામ વીજળી કે પાવર ગ્રીડ ફેલ થઈ જાય, તો પણ આ બ્લેક બોક્સ કામ કરતું રહેશે. તેને ઓસ્ટ્રેલિયાના તાસ્માનિયામાં એટલા માટે રાખવામાં આવ્યું છે કારણ કે ભૌગોલિક અને રાજકીય દ્રષ્ટિએ આ વિસ્તાર સૌથી સુરક્ષિત ગણાય છે.
આ બ્લેક બોક્સ કોઈ ટાઈમ કેપ્સ્યુલ જેવું નથી જેમાં જૂની વસ્તુઓ દાટી દેવામાં આવે. આ એક ઇન્ટરનેટથી જોડાયેલું અત્યાધુનિક મશીન છે, જે સતત ડેટા ખેંચી રહ્યું છે.
તેમાં બે પ્રકારના ડેટા નોંધાઈ રહ્યા છે. પહેલો છે ભૌતિક ડેટા: હવામાં કાર્બન ડાયોક્સાઇડ (CO2) નું પ્રમાણ કેટલું છે, દરિયાની સપાટી કેટલી વધી રહી છે, કયા પ્રાણીઓની પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ છે અને પૃથ્વીનું સરેરાશ તાપમાન કેટલું વધ્યું છે. બીજો અને સૌથી મહત્વનો ડેટા છે—રાજકીય નિર્ણયો. આ બોક્સનું અલ્ગોરિધમ દુનિયાભરના સમાચારો, ક્લાઈમેટ કોન્ફરન્સ (જેમ કે COP સમિટ) અને દેશોના વડાઓએ લીધેલા નિર્ણયો કે કરેલી બેદરકારીને રેકોર્ડ કરે છે. જો આવતીકાલે દુનિયા નાશ પામે, તો ભવિષ્યના એલિયન્સ કે નવી સભ્યતાને ખબર પડશે કે કયા નેતાઓએ ક્લાઈમેટ ચેન્જની ચેતવણીઓને ગંભીરતાથી નહોતી લીધી.
આ પ્રોજેક્ટ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ભવિષ્ય માટે ઇતિહાસ સાચવવાનો નથી, પણ આજના નેતાઓ અને કોર્પોરેટ જગતને સાવધાન કરવાનો છે. વિજ્ઞાનીઓ સ્પષ્ટ કહે છે કે, “આ બોક્સ પૃથ્વીવાસીઓને જવાબદાર ઠેરવવા માટે છે.” જ્યારે કોઈ રાજકારણી પર્યાવરણના ભોગે કોઈ ફેક્ટરીને મંજૂરી આપે છે, કે કોઈ દેશ કાર્બન ઉત્સર્જન ઘટાડવાના કરારમાંથી પાછો હટી જાય છે, ત્યારે આ બ્લેક બોક્સ તે કાયમ માટે નોંધી લે છે. આ એક મનોવૈજ્ઞાનિક દબાણ છે. તે આજના સમાજને અરીસો બતાવે છે કે આપણી પ્રત્યેક ભૂલ એવા ‘અમર દસ્તાવેજ’ માં નોંધાઈ રહી છે, જેને કોઈ સેન્સરશિપ કે સત્તા ભૂંસી શકશે નહીં.
પૃથ્વીનું આ બ્લેક બોક્સ માનવજાતની બુદ્ધિશાળી હોવાની નિશાની છે, અને સાથે જ આપણી સૌથી મોટી મૂર્ખામીનું પ્રતીક પણ છે. આપણે એટલા લાચાર થઈ ગયા છીએ કે પર્યાવરણને બચાવવાને બદલે આપણે આપણા જ વિનાશને રેકોર્ડ કરવાનું મશીન બનાવી રહ્યા છીએ!
