રાજકોટ TRP કાંડ મામલે 6 અધિકારીઓને સજા, ફાયર-TPOના મોટા અધિકારીઓ નોકરીમાંથી બરતરફ
રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે હાઈકોર્ટના કડક વલણ બાદ રાજ્ય સરકારે ઐતિહાસિક કાર્યવાહી કરી છે. 28 નિર્દોષ લોકોનો ભોગ લેનાર આ દુર્ઘટના માટે જવાબદાર 6 સરકારી અધિકારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી ડિસમિસ કરી દેવામાં આવ્યા છે. આમાં મ્યુનિસિપલ ફાયર ઓફિસર રોહિત વિગોરા અને ટાઉન પ્લાનિંગ અધિકારી ગૌતમ જોશીનો સમાવેશ થાય છે. જ્યારે કેસના મુખ્ય આરોપી પૂર્વ ચીફ TPO મનસુખ સાગઠીયાને માત્ર પ્રોવિઝનલ પેન્શન જ આપવાનો નિર્ણય લેવાયો છે. હાઈકોર્ટની સુઓમોટો પિટિશન બાદ લેવાયેલા આ નિર્ણયથી સમગ્ર વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે.
કયા 5 અધિકારીઓ થયા બરતરફ?
TRP ગેમઝોન અગ્નિકાંડમાં બેદરકારી અને ગેરકાયદેસર મંજૂરીઓ આપવાના આરોપસર સરકારે 5 અધિકારીઓને નોકરીમાંથી ડિસમિસ કર્યા છે. તેમના નામ આ પ્રમાણે છે:
1. રોહિત વિગોરા – મ્યુનિસિપલ ફાયર સ્ટેશન ઓફિસર
2. ગૌતમ જોશી – ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી
3. મુકેશ મકવાણા – કર્મચારી
4. જયદીપ ચૌધરી – કર્મચારી
5. રાજેશ મકવાણા – કર્મચારી
6. ઈલેશ ખેર -ચીફ ફાયર ઓફિસર
આ તમામ પર ગેરકાયદેસર બાંધકામને મંજૂરી આપવા અને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરાવવાનો આરોપ હતો.
આ પણ વાંચો: દિલ્લી પબ્લિક સ્કૂલ બસની ટક્કરથી યુવકનું ઘટનાસ્થળે જ મોત: બસ મૂકીને ડ્રાઈવર ભાગ્યો
મનસુખ સાગઠીયા સામે મોટી કાર્યવાહી
અગ્નિકાંડના મુખ્ય આરોપીઓમાંથી એક અને પૂર્વ ચીફ TPO મનસુખ સાગઠીયા પહેલાથી જ વયમર્યાદાના કારણે નિવૃત્ત થઈ ચૂક્યા છે. પરંતુ તેમની સામે ચાલી રહેલી તપાસને ધ્યાનમાં રાખીને સરકારે મોટો નિર્ણય લીધો છે.
હવે સાગઠીયાને ફક્ત પ્રોવિઝનલ પેન્શન જ મળશે. તેમની અન્ય તમામ નિવૃત્તિ સહાય, ગ્રેચ્યુઈટી અને લાભો પર તાત્કાલિક રોક લગાવી દેવામાં આવી છે.
હાઈકોર્ટની સુઓમોટો પિટિશન બાદ એક્શન
રાજકોટના આ બહુચર્ચિત TRP ગેમઝોન અગ્નિકાંડમાં 28 લોકોના મોત થયા હતા. આ મામલે હાઈકોર્ટે સુઓમોટો પિટિશન લઈને તંત્રની બેદરકારી અંગે સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટના કડક વલણ બાદ સરકારે આ ઐતિહાસિક પગલું ભર્યું છે.
તંત્રનો કડક સંદેશ
સરકારના આ નિર્ણયથી સ્પષ્ટ સંદેશ ગયો છે કે જનતાના જીવ સાથે ચેડા કરનાર કોઈપણ અધિકારીને છોડવામાં આવશે નહીં. કાનૂની નિષ્ણાતોના મતે આ પ્રકારની કડક સજા ભવિષ્યમાં અન્ય અધિકારીઓ માટે એક મોટો દાખલો બેસાડશે અને ભ્રષ્ટાચાર પર અંકુશ લાવશે.
TRP કાંડ બાદ સરકારે ગેમઝોન અને કોમર્શિયલ એકમોની ફાયર સેફ્ટી તપાસ પણ તેજ કરી છે. હવે નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે આવી જ કડક કાર્યવાહી થશે તેવું તંત્રનું કહેવું છે.
