પ્રથમ વખત 18 હાથીઓ પર લાગશે CCTV, ડેસિબલ મીટરથી ઘોંઘાટ પર પણ તંત્રની તીક્ષ્ણ નજર
અમદાવાદની વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે. આ વર્ષે તંત્રએ સુરક્ષા વ્યવસ્થામાં એક મોટો ઐતિહાસિક નિર્ણય લીધો છે. પ્રથમ વખત રથયાત્રામાં સામેલ થનારા 18 ગજરાજ પર ખાસ કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરા ભીડ પર નજર રાખશે અને સાથે જ ડેસિબલ મીટર દ્વારા ઘોંઘાટને પણ કંટ્રોલ કરવામાં આવશે. ગયા વર્ષની ઘટનાઓમાંથી બોધપાઠ લઈને વહીવટી તંત્રએ આ વખતે રથયાત્રાને વધુ સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવવા માટે ટેક્નોલોજીનો સહારો લીધો છે.
ગજરાજ હવે ‘મૂવિંગ CCTV’, ભીડ પર રહેશે સત નજર
146મી અમદાવાદ જગન્નાથ રથયાત્રામાં આ વખતે 18 ગજરાજ ભાગ લેશે. પરંતુ આ વખતે આ ગજરાજ માત્ર શોભા નહીં વધારે, પરંતુ સુરક્ષાના ‘લાઈવ આઈ’ તરીકે પણ કામ કરશે.
તંત્રના જણાવ્યા મુજબ દરેક ગજરાજ પર ખાસ પ્રકારના કેમેરા ફીટ કરવામાં આવશે. આ કેમેરા દ્વારા યાત્રા રૂટની ભીડની હિલચાલ, સંભવિત અવરોધ અને સુરક્ષા સંબંધિત સ્થિતિનું રિયલ ટાઈમ મોનિટરિંગ થશે. કંટ્રોલ રૂમમાં બેઠેલા અધિકારીઓને તાત્કાલિક માહિતી મળતા કોઈપણ પરિસ્થિતિમાં ઝડપી નિર્ણય લઈ શકાશે.
અધિકારીઓનું કહેવું છે કે લાખોની ભીડને કંટ્રોલ કરવા માટે આ ટેક્નિક સૌથી અસરકારક સાબિત થશે.
ગજરાજની સુરક્ષા પણ પ્રાથમિકતા, કનડગત કરનાર પર કાર્યવાહી
માત્ર ભીડ પર નજર રાખવા ઉપરાંત આ વખતે ગજરાજની સુરક્ષાને પણ ટોપ પ્રાયોરિટી આપવામાં આવી છે. રથયાત્રા દરમિયાન કોઈપણ વ્યક્તિ ગજરાજને પરેશાન ન કરે, તેમને ખોરાક આપીને ઉશ્કેરે નહીં તેના માટે ખાસ પોલીસ ટીમ તૈનાત રહેશે.
ગજરાજની આસપાસ બેરિકેડિંગ અને વધારાનો બંદોબસ્ત રાખવામાં આવશે જેથી તેઓ શાંતિપૂર્ણ રીતે યાત્રામાં ભાગ લઈ શકે.
ડેસિબલ મીટરથી ઘોંઘાટ પર કંટ્રોલ, DJ-લાઉડસ્પીકર પર નજર
ગયા વર્ષે વધુ અવાજના કારણે કેટલાક ગજરાજ અસ્વસ્થ થયા હતા. તે ઘટનામાંથી શીખ લઈને આ વખતે પ્રથમ વખત ડેસિબલ મીટરનો ઉપયોગ કરવામાં આવશે.
યાત્રા રૂટ પર જુદા-જુદા પોઈન્ટ પર ડેસિબલ મીટર લગાવાશે. નક્કી કરેલી મર્યાદાથી વધુ અવાજ થશે તો તરત જ સંબંધિત વિસ્તારના DJ, લાઉડસ્પીકર અને અન્ય ઘોંઘાટ કરતા સાધનો સામે કાર્યવાહી કરવામાં આવશે.
તંત્રનો ઉદ્દેશ એક જ છે – ગજરાજને શાંત અને તણાવમુક્ત વાતાવરણ મળે અને રથયાત્રા સુરક્ષિત રીતે સંપન્ન થાય.
કેમ લેવાયો આ નિર્ણય?
વહીવટી તંત્રના સૂત્રો અનુસાર ગયા વર્ષે ભીડના વ્યવસ્થાપન અને ઘોંઘાટને લઈને સામે આવેલી કેટલીક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આ નવા ફેરફારો કરવામાં આવ્યા છે. આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી માત્ર સુરક્ષા જ નહીં પરંતુ ભક્તોને પણ વધુ સારો અનુભવ મળશે.
અમદાવાદની આ રથયાત્રા દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. આ વખતે ટેક્નોલોજી અને પરંપરાનો સમન્વય થતા આ યાત્રા વધુ યાદગાર બનવાની આશા છે.
