સેન્સેક્સ તુટ્યો, સોનુ-ચાંદી લથડ્યા, ક્રૂડે 76 ડોલરનો આંકડો તોડ્યો: રોકાણકારોની ચિંતા વધી
વૈશ્વિક મોરચે અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા તણાવે ભારત સહિત દુનિયાભરના બજારોમાં ભૂકંપ લાવી દીધો છે. શેરબજારથી લઈને કોમોડિટી સુધી દરેક જગ્યાએ વેચવાલીનો દબાણ જોવા મળ્યું. સોમવારે સેન્સેક્સ 625 પોઈન્ટ અને નિફ્ટી 191 પોઈન્ટ તૂટ્યો. બીજી તરફ રોકાણકારોના સલામત વિકલ્પ ગણાતા સોના-ચાંદીમાં પણ મોટો કડાકો નોંધાયો. ક્રૂડ ઓઈલના ભાવ 76 ડોલરને પાર જતા આવનારા દિવસોમાં મોંઘવારી વધવાનો ભય પણ સતાવી રહ્યો છે.
શેરબજારમાં ભારે વેચવાલી, રોકાણકારોના 2 લાખ કરોડ ડૂબ્યા
અમેરિકા-ઈરાન વચ્ચે સેનાને એકબીજાને નિશાન બનાવતા વૈશ્વિક બજારોમાં ગભરાટનો માહોલ સર્જાયો. તેની અસર ભારતીય શેરબજાર પર પણ સ્પષ્ટ દેખાઈ.
સપ્તાહની શરૂઆતમાં સેન્સેક્સ 77,816.45 ના સ્તરે નબળો ખુલ્યો હતો. દિવસ દરમિયાન વેચવાલી વધતા તે 77,555.52 ના તળિયે પહોંચી ગયો. આખરે 625 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો.
એ જ રીતે નિફ્ટી પણ 24,259.55 પર ખુલ્યા બાદ 24,207.20 સુધી લપસ્યો. અંતે 191 પોઈન્ટના કડાકા સાથે કારોબાર પૂરો કર્યો. બે દિવસમાં જ રોકાણકારોના પોર્ટફોલિયોમાંથી અંદાજે 2 લાખ કરોડથી વધુનું માર્કેટ કેપ ઘસાઈ ગયું છે. બેંકિંગ, IT અને ઓટો શેરોમાં સૌથી વધુ દબાણ જોવા મળ્યું.
આ પણ વાંચો: મણીપુરમાં ફરી હિંસા; પ્રચંડ વિસ્ફોટમાં 2 જવાનના મોત
સોનું-ચાંદીમાં પણ મોટો ઘટાડો, રોકાણકારો ચોંક્યા
સામાન્ય રીતે યુદ્ધ જેવા માહોલમાં સોનાની માંગ વધે છે, પરંતુ આ વખતે પ્રોફિટ બુકિંગના કારણે તેમાં પણ કડાકો આવ્યો.
MCX પર સોનું 1,182 રૂપિયા તૂટીને 1,44,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું. ગઈકાલે તે 1,45,932 પર બંધ હતું.
ચાંદીમાં પણ 1,932 રૂપિયાનો ઘટાડો નોંધાયો. ગઈકાલે 2,30,827 પર રહેલી ચાંદી આજે 2,28,925 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ. નિષ્ણાતોનું કહેવું છે કે ડોલર મજબૂત થવા અને વૈશ્વિક વેચવાલીને કારણે કિંમતી ધાતુઓ દબાયેલી છે.
ક્રૂડ 76 ડોલરને પાર, પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાનો ડર
સૌથી મોટી ચિંતા ક્રૂડ ઓઈલને લઈને છે. મધ્ય પૂર્વમાં તણાવ વધતા બ્રેન્ટ ક્રૂડના ભાવ 76.12 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા. ગયા સપ્તાહે તે 70-72 ડોલરની રેન્જમાં હતો.
ક્રૂડ મોંઘુ થવાથી ભારતમાં પેટ્રોલ-ડીઝલ, રસોઈ ગેસ અને અન્ય ચીજોના ભાવ વધવાનો ખતરો વધી ગયો છે. આનાથી RBIની મોંઘવારીને કાબૂમાં રાખવાની મહેનત પર પણ અસર પડી શકે છે.
નિષ્ણાતોનું શું કહેવું છે?
બજાર નિષ્ણાતોનું માનવું છે કે જ્યાં સુધી અમેરિકા-ઈરાનનો મામલો શાંત નહીં થાય ત્યાં સુધી બજારમાં અસ્થિરતા રહેશે. રોકાણકારોને હાલ રોકડ રાખવા અને મોટા રોકાણ ટાળવાની સલાહ આપવામાં આવી રહી છે.
હવે બધાની નજર વૈશ્વિક કૂટનીતિ અને ક્રૂડના ભાવ પર ટકેલી છે.
