ઈરાનના 80 લક્ષ્યો પર અમેરિકાના પ્રચંડ હુમલા : ઈરાની ઓઇલ પર ફરી પ્રતિબંધ
હોર્મુઝમાં યુદ્ધના વાદળ ઘેરાયા; ખામનેઇની અંતિમ યાત્રા દરમિયાન જ અમેરિકાની કાર્યવાહીથી શાંતિ સમજૂતી ઘોંચમાં
હોર્મુઝ જળમાર્ગમાં વેપારી ઓઈલ ટેન્કરો પર થયેલા હુમલાના જોરદાર જવાબરૂપે અમેરિકાએ ઈરાનના 80થી વધુ લશ્કરી લક્ષ્યો પર પ્રચંડ હવાઈ હુમલા કરતાં ફરી એક વખત બન્ને દેશ સામસામે આવી ગયા છે.ઈરાનના પૂર્વ સર્વોચ્ચ દિવંગત નેતા ખામેનેઇની અંતિમ યાત્રા ચાલુ છે ત્યારે જ થયેલી આ અથડામણને કારણે હોર્મુઝ જળમાર્ગ પરના પરિવહન સામે નવો ખતરો સર્જાતા વિશ્વભરમાં ચિંતાનો માહોલ છવાયો છે.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ)ના જણાવ્યા મુજબ આ કાર્યવાહી જૂનના અંતમાં કરાયેલા હુમલાની સરખામણીએ ચારથી પાંચ ગણી વધુ વ્યાપક અને શક્તિશાળી હતી. અમેરિકાનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય વેપારી જહાજો પર સતત હુમલા કરીને ઈરાને વૈશ્વિક દરિયાઈ વેપારને જોખમમાં મૂકતાં કડક જવાબ આપવો જરૂરી બન્યો હતો. સાથે જ અમેરિકાએ ઈરાની તેલ પર આપવામાં આવેલી અસ્થાયી પ્રતિબંધ-મુક્તિ પણ પાછી ખેંચી લીધી છે, જેના કારણે તેહરાન પર આર્થિક દબાણ વધુ વધ્યું છે.
હુમલા બાદ બંદર અબ્બાસ, સિરિક અને કેશ્મ ટાપુ વિસ્તારમાં અનેક વિસ્ફોટોના અહેવાલો સામે આવ્યા હતા. બીજી તરફ, પૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામનેઇની અંતિમ યાત્રા દરમિયાન થયેલી આ કાર્યવાહીથી સમગ્ર પશ્ચિમ એશિયામાં તણાવ વધુ ઘેરો બન્યો છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન અંતિમવિધિના કાર્યક્રમમાંથી તેહરાન પરત ફરી રહ્યા હોવાનું સરકારી મીડિયાએ જણાવ્યું છે.
આ પણ વાંચો: પૂજારીના વેશમાં આવેલા 70 વર્ષીય વૃદ્ધે સગીરા પર આચર્યું દુષ્કર્મ
ઈરાને અમેરિકાની કાર્યવાહીને શાંતિ સમજૂતીનો ખુલ્લો ભંગ ગણાવી કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે અને તેના ગંભીર પરિણામોની ચેતવણી આપી છે. પરિણામે તાજેતરમાં શરૂ થયેલી અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા પણ અનિશ્ચિતતામાં મુકાઈ ગઈ છે. વિશ્વના લગભગ પાંચમા ભાગના તેલ અને ગેસના વેપાર માટે અત્યંત મહત્વના હોર્મુઝ જળમાર્ગમાં વધેલા તણાવને કારણે વૈશ્વિક ઊર્જા બજાર અને આંતરરાષ્ટ્રીય વેપાર પર પણ ગંભીર અસર થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
અમેરિકાએ શાંતિ સમજૂતીનો ભંગ કર્યો : ઈરાનનો આક્ષેપ
અમેરિકી હુમલા બાદ ઈરાને આરોપ લગાવ્યો કે વોશિંગ્ટને બંને દેશો વચ્ચે થયેલી સમજૂતીનો ખુલ્લેઆમ ભંગ કર્યો છે. ઈરાની સૈન્યએ અમેરિકી કાર્યવાહીને “ખુલ્લી આક્રમકતા” ગણાવી ચેતવણી આપી કે તેનો કડક અને નિર્ણાયક જવાબ આપવામાં આવશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકાએ પોતાની પ્રતિબદ્ધતાનો ભંગ કર્યો હોવાથી તેના તમામ પરિણામોની જવાબદારી હવે અમેરિકાની રહેશે. ઈરાને ફરી સ્પષ્ટ કર્યું કે હોર્મુઝ જળમાર્ગની સુરક્ષા અને સંચાલન અંગે કોઈ બાહ્ય દખલગીરી સ્વીકારવામાં આવશે નહીં.
પાંચ ગણા વધુ પ્રચંડ હુમલા’ 80થી વધુ લશ્કરી ઠેકાણા ધ્વસ્ત
અમેરિકી અધિકારીઓના જણાવ્યા મુજબ આ ઓપરેશન અગાઉના પ્રતિહુમલાની સરખામણીએ ચારથી પાંચ ગણી વધુ તાકાત અને વ્યાપ ધરાવતું હતું. કુલ 80થી વધુ લશ્કરી લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ, કમાન્ડ સેન્ટરો, કોસ્ટલ રડાર, એન્ટી-શિપ મિસાઈલ મથકો, ડ્રોન લોન્ચ સાઇટો અને ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની 60થી વધુ ઝડપી બોટોનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ઈરાનની હોર્મુઝ જળમાર્ગમાં હુમલા કરવાની ક્ષમતા ખોરવી આંતરરાષ્ટ્રીય વેપારી જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હોવાનો અમેરિકાએ દાવો કર્યો હતો.
