મોહમ્મદ પયગંબર અંગેની ટિપ્પણી મામલે PIL સ્વીકારવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર
‘સંવેદનશીલ બાબતોને સનસનાટીભરી ન બનાવો, પહેલા નીચલી અદાલત અને પોલીસ પાસે જાઓ’
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ભાજપ માઇનોરિટી મોરચાના પૂર્વ નેતા નાઝિયા ઇલાહી ખાન દ્વારા
મોહમ્મદ પયગંબર વિરૂદ્ધ કરવામાં આવેલી કથિત વિવાદાસ્પદ ટિપ્પણીના મામલામાં કોર્ટે સીધો હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. અદાલતે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવા પર ભાર મૂકતા જણાવ્યું કે, કોઈપણ બાબતમાં સીધા સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવીને પ્રક્રિયાને ‘શોર્ટ-સર્કિટ’ કરી શકાય નહીં.
જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ શીલ નાગૂની વેકેશન બેન્ચે એક મૌખિક અરજીની સુનાવણી દરમિયાન વકીલો અને અરજદારોને આકરા શબ્દોમાં ટોક્યા હતા. અદાલતે સવાલ કર્યો હતો કે, “શું તમે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે? તમને આપણી કાયદાકીય વ્યવસ્થા પર ભરોસો કેમ નથી?”
કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે ન્યાયિક પ્રક્રિયાની સર્વોચ્ચ સંસ્થા છે અને તેનું કામ વ્યવસ્થાનું ધ્યાન રાખવાનું છે, શરૂઆતથી જ દરેક ફરિયાદની સુનાવણી કરવાનું નહીં.
સુપ્રીમ કોર્ટે વકીલોને કાયદાની મર્યાદા સમજાવીને અરજીને નકારી કાઢી હતી અને કાયદેસરની પોલીસ ફરિયાદ દ્વારા જ આગળ વધવા સૂચન કર્યું હતું.
અદાલતની મહત્વની ટિપ્પણીઓ
વ્યવસ્થા ખોરવાઈ જશે: જો દરેક નાગરિક નીચલી અદાલતો કે પોલીસને છોડીને સીધા સુપ્રીમ કોર્ટમાં આવશે, તો આખી ન્યાયિક વહેંચણીનું માળખું ખોરવાઈ જશે.
સનસનાટી ન ફેલાવો: દેશની સાંપ્રદાયિક શાંતિ અને સંવેદનશીલ મુદ્દાઓનો ઉપયોગ માત્ર સનસનાટી (ફેલાવવા માટે ન થવો જોઈએ.
શું છે સમગ્ર વિવાદ?
ઇન્સ્ટાગ્રામ પર જૂન મહિનામાં અપલોડ થયેલા એક પોડકાસ્ટ વીડિયોમાં નાઝિયા ઇલાહી ખાને મોહમ્મદ પયગંબર અને તેમના પરિવાર વિશે કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ મુસ્લિમ સમુદાયમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને મહારાષ્ટ્રના ભિવંડી, મુંબઈ તેમજ ઉત્તર પ્રદેશ સહિત દેશના અલગ-અલગ રાજ્યોમાં ખાન વિરૂદ્ધ બહુવિધ FIR પણ નોંધાઈ ચૂકી છે.
