માંગરોળ પાણીમાં ગરક: 5 ફૂટ સુધી ભરાયા ઘર, હોડી વડે થઈ રહી છે અવરજવર
જુનાગઢના માંગરોળમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સાગર સોસાયટીના રહેણાંક વિસ્તારોમાં 5 ફૂટ સુધી વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ઘરમાંથી બહાર નીકળવા માટે હોડીનો સહારો લેવો પડી રહ્યો છે. પાણી ઘરોમાં ઘૂસતા અનાજ, કપડા અને ઘરવખરીને ભારે નુકસાન થયું છે અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ડેપ્યુટી કલેક્ટર અને ધારાસભ્યએ મુલાકાત લીધી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. જોકે વહીવટી તંત્રનું કહેવું છે કે ગણતરીના કલાકોમાં સમગ્ર સિઝન જેટલો વરસાદ પડી જવાથી આવી સ્થિતિ સર્જાઈ છે અને થોડા જ કલાકોમાં પાણી ઓસરી જશે.
