ચાર દિવસ પહેલા યુવકના રહસ્યમય મોત પરથી પરદો ઊંચકાયો
રાજકોટ: ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે ચાર દિવસ પૂર્વે 30 જૂનના રોજ 23 વર્ષના યુવાન રામ બાંભવાના રહસ્યમય મોતનો ભેદ ઉકેલાયો છે. આરંભે આપઘાતની ઘટનાના દેખાતા કીસ્સ્સામાં યુવકના માતા, પિતાએ જ મળીને પુત્રની હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે. આપઘાત જણાતો કિસ્સો સગાં માતા-પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાનું ખુલ્યું. મૃતક યુવકની પત્નીની ફરિયાદના આધારે ગુન્હો નોંધી પોલીસે સાસુ-સસરાની ધરપકડ કરી છે. ઘટનાના પગલે ગુંદાળા ગામમાં ભારે ચર્ચા જાગી છે.
આપઘાતના શંકાસ્પદ મનાતા બનાવમાં પોલીસે હાથ ધરેલી તપાસ અને શક પડતા મુદ્દાઓ આધારે મૃતક યુવકના માતા, પિતાની પુછતાછ કરી હતી. પોલીસ તપાસ અનુસાર, મૃતક યુવાન રામ પિતા બાબુભાઈ ઉર્ફે અતુલ બાંભવા અને માતા મનીષાબહેન ઉર્ફે મોતીબહેન સાથે અવારનવાર ઝગડાઓ અને વિવાદ થતા રહેતા હતા. ગત તા, ૩0 જૂનના રોજ પણ ઘરમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડોમાં ક્રોધિત માતાએ પોતાના જ પુત્રને એસિડ પીવડાવી દીધું હતું, જ્યારે પિતાએ તેને બેરહેમીથી માર માર્યા બાદ ગળેટૂંપો આપીને હત્યા નીપજાવી હતી.
આ પણ વાંચો: સલમાન ખાનના ઘર પર ગોળીબાર અંગે અનમોલ બિશ્નોઈએ કોર્ટમાં આત્મસમર્પણ માટે કરી અરજી
પુત્રની હત્યા કર્યા બાદ આરોપી પિતાએ ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ઝડપથી પેનલ પોસ્ટમોર્ટમ થઈ જાય અને હત્યાનો મામલો બહાર ન આવે તે માટે લગતા વળગતા મારફતે ભલામણોના પ્રયાસો કર્યા હતા. આરોપીઓએ સમાજના કે નજીક્નાઓમાં એવી વાત ફેલાવી દીધી કે રામ દારૂ પીતો હતો અને ઘરમાં ઝઘડા કરતો હોવાથી તેણે આપઘાત કર્યો છે. જોકે, પોલીસની સઘન તપાસમાં પાપનો ભાંડો ફૂટી ગયો હતો. મૃતક રામના હજુ ચાર મહિના પહેલાં જ લગ્ન થયા હતા. પત્ની બંશીબહેન બાંભવાએ પોતાના સાસુ અને સસરા સામે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગોંડલ તાલુકા પોલીસે ફરિયાદના આધારે બન્નેની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી બાદ બંન્નેને જેલ હવાલે કરાયા છે.
