મોદી કેબિનેટમાં કેટલાક અકલ્પ્ય ફેરફારોની રાજધાનીમાં ભારે ચર્ચા
અમિત શાહ નાયબ વડાપ્રધાન બનશે ? સ્મૃતિ ઈરાનીને ફરી એન્ટ્રી મળી શકે છે, રાજનાથ, ગડકરીને નવી જવાબદારી સોંપાઈ શકે તેવી અટકળો
કેન્દ્રની મોદી સરકારની કેબિનેટમાં ટૂંક સમયમાં મોટો ફેરબદલ થવાન અટકળોએ ફરીથી જોર પકડ્યું છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને લઈને ચર્ચાઓ ચાલી રહી છે કે તેમને મંત્રી પદેથી હટાવીને સંગઠનમાં નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે અથવા તેઓ પદ પર યથાવત રહેશે. બીજી તરફ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને લઈને પણ મોટી ચર્ચા છે કે વડાપ્રધાન મોદી તેમને સરકારમાં કોઈ નવી અને મોટી જવાબદારી આપી શકે છે. એવું જ રાજનાથ સિંહ વિષે પણ સંભળાય છે. જો કે સૌથી વધુ ચર્ચા એવી છે કે સ્મૃતિ ઈરાની ફરીવાર કેબિનેટમાં આવી શકે છે.
એવા અહેવાલો પણ તરતા મુકાયા છે કે ગૃહમંત્રી અમિત શાહને પણ પ્રમોશન મળી શકે છે અને એમને નાયબ વડાપ્રધાન તરીકેની જવાબદારી સોંપાય તેવી શક્યતા છે. આ ઉપરાંત અનુરાગ ઠાકુરનું નામ ચર્ચામાં રહ્યું છે. આમ અત્યાર સુધીમાં અનેક નામો અંગે અટકળો વહેતી થઈ છે.
આ પણ વાંચો: માતા, પિતાએ જ કરી હતી યુવાન પુત્રની હત્યા, બન્નેની ધરપકડ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નીતિન ગડકરીને એક કરતાં વધુ મંત્રાલયોની જવાબદારી સોંપવામાં આવી શકે છે. હાલમાં તેઓ છેલ્લા 12 વર્ષથી રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય સંભાળી રહ્યા છે. કેબિનેટમાં આ ફેરફાર ક્યારે થશે તે અંગે સત્તાવાર જાહેરાત નથી થઈ, પરંતુ 18 જુલાઈથી શરૂ થઈ રહેલા મોન્સૂન સત્ર (ચોમાસુ સત્ર) પહેલાં આ મોટો નિર્ણય લેવાઈ શકે છે.
આ ઉપરાંત RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસની કેબિનેટમાં એન્ટ્રી થવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે, કારણ કે વર્તમાન નાણામંત્રી નિર્મલા સીતારમણને કોઈ નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે. આ સિવાય, ‘આપ’માંથી ભાજપમાં જોડાયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને પણ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવી શકે છે. સાથે જ, તૃણમૂલ કોંગ્રેસમાંથી બળવો કરીને આવેલા સાંસદો સુખેન્દુ શેખર રે અને સંદીપ બંદોપાધ્યાયના નામો પણ ચર્ચામાં છે.
