2 કલાકમાં 4 ઈંચ! કેશોદ-માળિયા જળમગ્ન, સૌરાષ્ટ્રમાં છોતરાફાડ ચોમાસાની ધબધબાટી
જુલાઈની શરૂઆતમાં જ મેઘરાજાએ સૌરાષ્ટ્ર પર કૃપા નહીં, કહેર વરસાવ્યો છે. જૂનાગઢનું માંગરોળ માત્ર બે કલાકમાં 4 ઈંચ વરસાદથી તરબતર થઈ ગયું છે. કેશોદ, માળિયા અને સુત્રાપાડામાં પણ આભ ફાટ્યું હોય તેવો વરસાદ ખાબકતા રસ્તાઓ નદી બન્યા છે અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે.
માંગરોળમાં 2 કલાકે 4 ઈંચ, 36 કલાકમાં 9 ઈંચ
2 જુલાઈ 2026, બપોરે 2.30 વાગ્યાની સ્થિતિએ રાજ્યના 61 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. સૌથી વધુ અસર જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં જોવા મળી. અહીં સવારે 10 થી 12 વાગ્યાની વચ્ચે માત્ર બે કલાકમાં 101 મિમી એટલે કે 4 ઈંચ વરસાદ તૂટી પડ્યો. છેલ્લા 36 કલાકનો કુલ આંકડો 9 ઈંચને પાર કરી ગયો છે. શહેરના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાયા છે અને નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે.
કેશોદ-માળિયામાં પણ 9 ઈંચ, હાઈવે ગરકાવ
માંગરોળની સાથે કેશોદ અને માળિયામાં પણ ચોમાસાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. કેશોદમાં 24 કલાકમાં 9 ઈંચથી વધુ વરસાદ પડતા કેવદ્રા ગામના નદી નાળા બે કાંઠે વહ્યા. ખેડૂતોમાં વાવણીલાયક વરસાદથી આનંદ છવાયો છે. બીજી તરફ કેશોદ-માંગરોળ હાઈવે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જતા વલ્લભગઢ પાટિયા પાસે વાહન વ્યવહાર ઠપ્પ થયો છે અને કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી છે.
આ પણ વાંચો: સજા પૂરી કરી ચૂકેલા 188 ભારતીયોને તુરંત છોડવા પાકિસ્તાનને ભારતની આકરી નોટિસ
સુત્રાપાડા: 3 કલાકમાં 4 ઈંચ, ખેતરો બેટ બન્યા
ગીર સોમનાથના સુત્રાપાડામાં 12 કલાકમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. માત્ર ત્રણ કલાકમાં 4 ઈંચ વરસાદ પડતા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નીચાણવાળા ખેતરો પાણીથી છલકાઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 6 ઈંચ વરસાદના કારણે વાડી વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે અને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે.
દક્ષિણ ગુજરાતથી રાજકોટ સુધી મેઘસવારી
નવસારી જિલ્લાના ગણદેવી, ચીખલી અને વાંસદામાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થતા હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. રાજકોટના ઉપલેટા અને ભાયાવદરમાં પણ મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. જામનગરના કાલાવડ અને સુરેન્દ્રનગરના મૂળીના ભાડુકામાં પડેલા વરસાદથી કપાસના આગોતરા વાવેતરને જીવતદાન મળ્યું છે અને ગરમીમાંથી રાહત થઈ છે.
પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી
ચોમાસાના પ્રારંભે જ પડેલા ભારે વરસાદે વડોદરા અને જૂનાગઢ સહિતના શહેરોની પ્રી-મોન્સૂન કામગીરીની વાસ્તવિકતા છતી કરી દીધી છે. તૂટેલા રસ્તા અને ગટરની સમસ્યાઓના કારણે અનેક વિસ્તારો ખાડા નગરીમાં ફેરવાઈ ગયા છે. રસ્તા પરના મસમોટા ખાડાઓમાં વાહનચાલકો પટકાતા હોવાના દ્રશ્યો સામે આવતા મહાનગરપાલિકાઓની કામગીરી સામે લોકોમાં ભારે નારાજગી છે.
