દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર બસ-ટ્રેલરની ટક્કર બાદ બસ ખાઈમાં ખાબકી
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ફરી એકવાર લોહીથી લાલ થયો. બુધવારે વહેલી સવારે રાજસ્થાનના દૌસા પાસે હરિદ્વારથી ઈન્દોર જઈ રહેલી ખાનગી સ્લીપર બસ ટ્રેલર સાથે અથડાતા જોરદાર અકસ્માત સર્જાયો. ટક્કર એટલી ભયંકર હતી કે બસ બેકાબૂ બની ખાઈમાં પડી ગઈ અને પાછળથી આગ લાગતાં 8 મુસાફરોના મોત થયા, જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા. મોટાભાગના મુસાફરો નિંદ્રામાં હતા ત્યારે જ કાળે તરાપ મારી.
ક્યાં અને ક્યારે સર્જાઈ દુર્ઘટના?
રાજસ્થાનના દૌસા જિલ્લાના કોલવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર આવેલા રેસ્ટ એરિયા પાસે બુધવાર, 1 જુલાઈના રોજ વહેલી સવારે અંદાજે 2થી 3 વાગ્યાની વચ્ચે આ ગમખ્વાર અકસ્માત થયો. હરિદ્વારથી ઈન્દોર તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ એક ટ્રેલર સાથે જોરદાર રીતે અથડાઈ હતી.
કેવી રીતે થયો અકસ્માત?
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ટક્કર એટલી પ્રચંડ હતી કે બસનું સંતુલન ખોરવાયું અને તે એક્સપ્રેસવે પરથી નીચે ખાઈમાં પડી ગઈ. અથડામણના કારણે ઉપરની બર્થ પર સૂતા મુસાફરો નીચે પટકાયા. અકસ્માત બાદ બસના પાછળના ભાગમાં આગ ભભૂકી ઉઠી, જેનાથી મુસાફરોમાં નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ. મોટાભાગના લોકો ઊંઘમાં હોવાથી તેમને બચવાનો મોકો જ ન મળ્યો.
આ પણ વાંચો:દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં મોડીરાતે મેઘરાજાની પધરામણી
8ના મોત, 25 ઘાયલ: રાહત-બચાવ કામગીરી
આ દુર્ઘટનામાં 8 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયાના અહેવાલ છે. અંદાજે 20થી 25 ઘાયલોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે દૌસા જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઘાયલોમાં મહિલાઓ અને બાળકોની સંખ્યા પણ નોંધપાત્ર છે. ગંભીર ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ ઉચ્ચ સ્તરની હોસ્પિટલમાં રિફર કરાયા છે. સમયસર બચાવ કામગીરીના કારણે મોટાભાગના મુસાફરોને સુરક્ષિત બહાર કાઢી શકાયા, નહીંતર આગના કારણે મૃત્યુઆંક વધી શક્યો હોત.
ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા
ઘટનાની જાણ થતાં જ કોલવા પોલીસ, રાહત ટીમો અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ. વધારાના પોલીસ અધિક્ષક યોગેન્દ્ર ફૌજદાર, પોલીસ ઉપાધીક્ષક ધર્મેન્દ્ર કુમાર, ઉપખંડ અધિકારી સંજુ મીના અને તહસીલદાર ગજાનન મીના જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા. દૌસા જિલ્લા કલેક્ટર ડૉ. સૌમ્યા ઝા અને પોલીસ અધિક્ષક પીયૂષ દીક્ષિતે પણ હોસ્પિટલની મુલાકાત લઈ ઘાયલોની સારવારની સમીક્ષા કરી અને ડૉક્ટરોને શ્રેષ્ઠ સારવારના નિર્દેશ આપ્યા.
તપાસ શરૂ, ટ્રાફિક પ્રભાવિત
જિલ્લા કલેક્ટર ડૉ. સૌમ્યા ઝાએ 24થી 25 લોકો ઘાયલ અને 7થી 8 લોકોના મોતની પુષ્ટિ કરી છે. કોલવા પોલીસે બસ અને ટ્રેલર કબજે લઈ અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ટ્રેલર સાથે ટક્કર બાદ બસ બેકાબૂ બની ખાઈમાં પડી હોવાનું સામે આવ્યું છે. અકસ્માતના કારણે એક્સપ્રેસવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર પણ પ્રભાવિત રહ્યો હતો.
