આજથી કોમર્શિયલ LPG 183 રૂ. સસ્તો, ઘરેલુ સિલિન્ડરનો ભાવ યથાવત
આજ 2026થી LPG ગ્રાહકો માટે મિશ્ર સમાચાર છે. ઓઇલ કંપનીઓએ હોટેલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ ચલાવતા વેપારીઓને મોટી રાહત આપતા 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં સીધો 183.50નો ઘટાડો કર્યો છે. જોકે ઘર વાપરતા 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં થતાં સામાન્ય પરિવારોના બજેટને કોઈ રાહત મળી નથી.
કોમર્શિયલ સિલિન્ડરમાં મોટી રાહત, શહેરોના નવા ભાવ
ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજથી 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 183.50નો ઘટાડો કર્યો છે. વર્ષ 2026માં પ્રથમ વખત કોમર્શિયલ ગેસમાં આટલી મોટી રાહત મળી છે.
નવા ભાવ મુજબ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 3,113.50થી ઘટીને 2,930.00 થયો છે. મુંબઈમાં 3,067.50થી ઘટીને 2,884.00, ચેન્નાઈમાં 3,283.00થી ઘટીને 3,099.50, હૈદરાબાદમાં 3,236.00થી ઘટીને 3,052.50 અને કોલકાતામાં 3,255.50થી ઘટીને 3,072.00 થયો છે. દરેક શહેરમાં સરખો 183.50નો ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચો: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર બસ-ટ્રેલરની ટક્કર બાદ બસ ખાઈમાં ખાબકી
ઘરેલુ ગ્રાહકોને નિરાશા, ભાવ યથાવત
14.2 કિલોના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. દિલ્હીમાં ઘરેલુ સિલિન્ડર 942.00, મુંબઈમાં 941.50, ચેન્નાઈમાં 957.50, હૈદરાબાદમાં 979.50 અને કોલકાતામાં 968.00ના ભાવે યથાવત રહેશે. એટલે કે ગૃહિણીઓના માસિક બજેટ પર હાલ કોઈ સીધી અસર નહીં પડે.
વર્ષ 2026: કોમર્શિયલ સિલિન્ડરની રોલર-કોસ્ટર સફર
વર્ષની શરૂઆતથી કોમર્શિયલ સિલિન્ડરના ભાવ સતત વધ્યા હતા. 1 ડિસેમ્બર 2025ના રોજ દિલ્હીમાં ભાવ 1,580.50 હતો, જે જાન્યુઆરી 2026માં 1,691.50, ફેબ્રુઆરીમાં 1,740.50, માર્ચમાં 1,883, એપ્રિલમાં 2,078.50 થયો. મે મહિનામાં સૌથી મોટો 993નો વધારો થતાં ભાવ 3,071.50 પહોંચ્યો. જૂન 2026માં 42 વધીને ભાવ 3,113.50ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. હવે જુલાઈમાં 183.50 ઘટીને 2,930 થયો છે.
ઘરેલુ સિલિન્ડર વર્ષમાં 89 મોંઘો થયો
વર્ષ 2026માં ઘરેલુ ગ્રાહકોને બે વખત ઝટકો લાગ્યો છે. 7 માર્ચ 2026ના રોજ 60નો વધારો થતાં ભાવ 853થી વધીને 913 થયો. ત્યારબાદ 7 જૂન 2026ના રોજ વધુ 29નો વધારો થયો. આમ વર્ષ 2026માં અત્યાર સુધી ઘરેલુ LPG સિલિન્ડર કુલ 89 મોંઘો થયો છે અને હાલ દિલ્હીમાં તેની કિંમત 942 છે.
કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થવાથી હોટેલ-રેસ્ટોરન્ટના ખર્ચમાં ઘટાડો થશે, જેની અસર બહાર જમવાના ભાવ પર પડી શકે છે. જોકે ઘરેલુ ગ્રાહકોએ હજુ રાહત માટે રાહ જોવી પડશે.
