પોતાના પૂર્વજો હિંદુ હોવાનું માનતો હતો, સમાજે અવગણના કરતાં નાસ્તિક બની ગયો
મુંબઈના ભાયખળા ખાતે મોહરમના જુલૂસ દરમિયાન ઝેરી કેપ્સ્યુલ વહેંચવાના આરોપમાં ઝડપાયેલા ફૈયાઝ પ્રેમજી વિશે તપાસમાં નવા ખુલાસા થયા છે. ચાર વર્ષ જૂના એક પોડકાસ્ટમાં તેણે પોતાને ‘પૂર્વ શિયા’ ગણાવી પોતાના જ શિયા સમાજ અને તેની ધાર્મિક માન્યતાઓ સામે કડક નિવેદનો આપ્યા હતા. તેણે દાવો કર્યો હતો કે શિયા સમાજમાં સુધારા લાવવાના પોતાના પ્રયાસોને સતત અવગણવામાં આવ્યા હતા, જેના કારણે તે ધીમે ધીમે નાસ્તિક બની ગયો હતો.
ફૈયાઝે પોડકાસ્ટમાં પોતાનો વ્યવસાય ઈરાન સાથે જોડાયેલો હોવાનું જણાવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે વર્ષ 2015થી 2019 દરમિયાન તેણે ઈરાન અને ઈરાકની કુલ 19 મુલાકાતો કરી હતી અને થોડો સમય ઈરાનમાં કામ પણ કર્યું હતું. તેણે શિયા-સુન્ની મતભેદોનો ઉલ્લેખ કરતાં ધાર્મિક અંધશ્રદ્ધા અને કટ્ટરપંથી વિચારધારાનો વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, તેણે પોતાના પૂર્વજો હિંદુ હોવાનું અને આજે પણ તેમના સમાજમાં કેટલાક હિંદુ રિવાજો અનુસરાતા હોવાનો દાવો પણ કર્યો હતો.
આ પણ વાંચો: SBI એ ‘ શંકાસ્પદ સ્ટાફને ‘હટાવવાની કરેલી ભલામણ કોઈએ સાંભળી નહિ
પોલીસ તપાસ મુજબ ફૈયાઝ પાસેથી આશરે 15 હજાર ઝેરી કેપ્સ્યુલ મળી આવી છે. તેણે 30 હજાર ખાલી કેપ્સ્યુલ અને 50 કિલો ઝેર પણ મંગાવ્યું હોવાનું સામે આવ્યું છે. પૂછપરછ દરમિયાન તેણે 15 હજાર લોકોને મારવાનો ઇરાદો હોવાનું કબૂલ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જોકે મોહરમના જુલૂસમાં ફરજ પર રહેલી ત્રણ મહિલા સ્વયંસેવિકાઓની સતર્કતાને કારણે તેની યોજના નિષ્ફળ રહી હતી.
વિચારશીલ લોકો પર મોતનું જોખમ હોવાનો દાવો
પોડકાસ્ટમાં ફૈયાઝ પ્રેમજીએ દાવો કર્યો હતો કે ધર્મ અંગે તર્કસંગત પ્રશ્નો ઉઠાવનારા, અંધશ્રદ્ધાનો વિરોધ કરનારા અને સુધારાની વાત કરનારા લોકોને પોતાના જ સમાજમાં ભારે વિરોધનો સામનો કરવો પડે છે. આવા લોકો સામે સામાજિક બહિષ્કારથી લઈને જાનથી મારી નાખવાની ધમકીઓ સુધીની પરિસ્થિતિ ઊભી થતી હોવાનું તેણે કહ્યું હતું. તેના મતે આ કારણોસર જ તે પોતાના સમાજથી સંપૂર્ણપણે દૂર થઈ ગયો હતો.
પત્નીએ તરછોડી દેતા આખો સમાજ દુશ્મન લાગવા લાગ્યો
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી જણાવ્યા મુજબ, તેની પત્ની તેને તરછોડીને ચાલી ગઈ તેનો બદલો લેવા માટે તેણે મોહરમ દરમિયાન આ કાવતરું ઘડ્યું હતું.તે આખા સમાજે તેની સમજે ષડયંત્ર રચ્યું હોવાનું તે માનતો હતો.તેના પડોશીઓના જણાવ્યા મુજબ પત્ની ચાલી ગયા પછી તે માનસિક રીતે અસ્વસ્થ હતો.પોલીસે પણ એવી જ શંકા વ્યક્ત કરી છે અને ફૈયાઝ મનોરોગની સારવાર લેતો હતો કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.
