રાજકોટ સિવિલ નિંભર સત્તાધીશોના પાપે ફરી દર્દીના સગાને ભર્યું બચકું ?
અગાઉ ઉંદર પકડવા કોન્ટ્રાક્ટ ઉપર એજન્સીની નિમણૂક કરવામાં આવી હતી છતાં કામગીરી શૂન્ય, અધિકારીઓ પૈસા “કરકોલી” ગયા કે શું..!
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલ હવે દર્દીઓ માટે ‘સાજા થવાનું’ નહીં, પરંતુ ‘નવી બીમારીઓ અને ઇજાઓ લઈને જવાનું’ કેન્દ્ર બની ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે. સરકાર દર વર્ષે હોસ્પિટલની સુવિધાઓ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરે છે, પરંતુ આખી હોસ્પિટલ જાણે ઉંદરોના હવાલે કરી દેવામાં આવી હોય તેવી ભયંકર બેદરકારી સપાટી પર આવી છે. એસી ચેમ્બરોમાં બેસીને માત્ર કાગળ પર વહીવટ કરતા સિવિલના અણઘડ સત્તાધીશોની ઘોર લાપરવાહીનો ભોગ આજે વધુ એક નિર્દોષ નાગરિક બન્યો છે.
આ પણ વાંચો: ઓવરલોડ ડમ્પરનો વીડિયો ઉતારનાર યુવાન પર જીવલેણ હુમલો
પ્રાપ્ત વિગતો મુજબ, ટંકારા તાલુકાના મૂળ ગજડી ગામના વતની વિક્રમભાઈના માતા સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં સારવાર હેઠળ છે. આજે બપોરના સમયે વિક્રમભાઈ દર્દીના અન્ય સગા સાથે ટ્રોમા સેન્ટરની સામે બેઠા હતા ત્યારે કોઈ જંગલી જાનવરની જેમ એક ઉંદરે અચાનક તેમના પગમાં બચકું ભરી લીધું હતું. અચાનક થયેલા આ હુમલાથી વિક્રમભાઈ ગભરાઈ ગયા હતા અને પાછળ સેલરમાં પડતા-પડતા માંડ બચ્યા હતા. ઉંદરે એટલી ક્રૂરતાથી બચકું ભર્યું હતું કે તેમના પગની આંગળીમાંથી લોહીની ધારાઓ વહેવા લાગી હતી. આખરે પોતાના સ્વજનની સારવાર કરાવવા આવેલા યુવાને પોતે જ સારવાર લેવાની નોબત આવી હતી.
સિવિલ હોસ્પિટલમાં અગાઉ પણ ઉંદરો ખુલ્લેઆમ આંટાફેરા કરતા હોવાના અને દર્દીઓને કરડી ખાધા હોવાના વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે. તે સમયે પોતાની આબરૂ બચાવવા સત્તાધીશોએ ઉંદર પકડવા માટે એજન્સીની નિમણૂક કરી હોવાનું સામે આવ્યું હતું જોકે તેમ છતાં ઉંદરો સંદર્ભે કોઈ નક્કર કાર્યવાહી ન થતાં લોકોમાં ચર્ચા જાગી છે કે ટેન્ડર ના નામે અધિકારીઓ પૈસા કરકોલી ગયા કે શું ?બીજી બાજુ સિવિલનું નિંભર તંત્ર નહીં જાગે, તો આગામી દિવસોમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો નવાઈ નહીં. દર્દીઓના સગાઓમાં હોસ્પિટલ તંત્ર સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
