એક તરફ વ્યસન મુક્તિનાં સુત્રોચ્ચાર અને બીજી તરફ BRTS ઉપર ગુટખાની જાહેરાત
-જાહેર આરોગ્યના ભોગે ચાલતો સરોગેટ નૈતિકતાનો વેપાર
ગુજરાતની સંસ્કારી નગરી અને રંગીલા તરીકે ઓળખાતા રાજકોટ શહેરના રસ્તાઓ પર સવારે સૂર્યનારાયણ ઉગે ત્યારે વહીવટી તંત્રના બે જુદા-જુદા ચહેરા એકસાથે રસ્તા પર દોડતા જોવા મળે છે. એક તરફ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા સરકારી શાળાના નિર્દોષ બાળકોને એકઠા કરીને, હાથમાં પ્લાસ્ટિકના બેનરો પકડાવીને ‘વ્યસન મુક્તિ’ના સૂત્રોચ્ચાર કરાવવામાં આવતા હોય છે, જ્યારે બીજી જ ક્ષણે એ જ માર્ગ પરથી કોર્પોરેશનની કરોડો રૂપિયાની સ્માર્ટ બીઆરટીએસ બસ પસાર થાય છે, જેના આખા શરીર પર દેશના કહેવાતા મહાનાયકો સોનાના વરખવાળી સોપારી હવામાં ઉછાળતા ‘બોલો જુબાં કેસરી’નો સાક્ષાત્કાર કરાવતા હોય છે. આ દ્રશ્ય માત્ર એક સામાન્ય વિરોધાભાસ નથી, પરંતુ સરકારી વહીવટી તંત્રની નૈતિક નાદારી, કાયદાની છટકબારીઓનો ક્રૂર ઉપયોગ અને લોકસ્વાસ્થ્યના ભોગે તિજોરી ભરવાની આંધળી દોડનો જીવતો જાગતો દસ્તાવેજ છે. એક જ હાથથી સમાજને અમૃત પીવાની સલાહ આપવી અને બીજા હાથે ઝેર વેચતી બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર બનીને જાહેર પરિવહનને ફરતા હોર્ડિંગ્સ બનાવી દેવા, તે શાસન વ્યવસ્થાની કથની અને કરની વચ્ચે રહેલી હજારો કિલોમીટર લાંબી ખાઈ દર્શાવે છે.
આ સમગ્ર ખેલને સમજવા માટે કાયદાના ચશ્મા પહેરીને વહીવટી તંત્રના ચહેરાને બારીકાઈથી જોવો પડે તેમ છે. ભારતમાં તમાકુ, સિગારેટ અને અન્ય નિકોટિનયુક્ત પદાર્થોની જાહેરાતો પર પ્રતિબંધ મૂકવા માટે વર્ષ ૨૦૦૩માં ‘સિગારેટ્સ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ’ એટલે કે કોટપા (COTPA) કાયદો બનાવવામાં આવ્યો હતો. આ કાયદાની કલમ-૫ સ્પષ્ટપણે કહે છે કે કોઈપણ નશાકારક પદાર્થની પ્રત્યક્ષ કે પરોક્ષ જાહેરાત કરી શકાશે નહીં. પરંતુ, કાયદો બનાવનારાઓ કરતાં કાયદાની છટકબારીઓ શોધનારાઓ હંમેશા ચાર ડગલાં આગળ ચાલતા હોય છે. મલ્ટિ-નેશનલ પાન-મસાલા કંપનીઓએ કાયદાના આ ગળે ટૂંપો આપવા માટે એક નવો વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક રસ્તો શોધી કાઢ્યો, જેને વ્યાપારી ભાષામાં ‘સરોગેટ એડવર્ટાઇઝિંગ’ અથવા ‘પરોક્ષ જાહેરાત’ કહેવામાં આવે છે. કંપનીઓ ટેલિવિઝન, અખબારો અને હવે મ્યુનિસિપલ કોર્પોરેશનની સરકારી બસો પર જે પ્રોડક્ટની જાહેરાત કરે છે, તે કાગળ પર ‘માઉથ ફ્રેશનર’ એટલે કે એલચી અથવા સાદી સોપારી હોય છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે એ એલચીના પેકેટનું નામ, તેનો રંગ, તેની ડિઝાઇન, તેની બ્રાન્ડ વેલ્યુ અને તેનું સ્લોગન બિલકુલ એ જ હોય છે જે બજારમાં વેચાતા કેન્સરજનક તમાકુ-યુક્ત ગુટખાનું હોય છે. જ્યારે કોઈ આઠ વર્ષનું બાળક બીઆરટીએસ બસ પર ‘બોલો જુબાં કેસરી’ વાંચે છે, ત્યારે તેનું મગજ એ બસની અંદર કાયદાની કઈ કલમ હેઠળ આ જાહેરાત મંજૂર થઈ છે તે જોવા નથી જતું, પણ તેના અર્ધજાગ્રત મનમાં એ બ્રાન્ડની છાપ કાયમી ધોરણે અંકિત થઈ જાય છે. પાન-મસાલાની કંપનીઓ બસો પર એલચી વેચવા માટે કરોડો રૂપિયાનો ધુમાડો નથી કરતી, તેઓ એ એલચીના ઓથા હેઠળ પોતાના અસલી કાળી કમાણી કરાવી આપતા તમાકુના સામ્રાજ્યનું માર્કેટિંગ કરે છે, અને આપણું સ્માર્ટ કોર્પોરેશન આ માર્કેટિંગનું સૌથી મોટું વાહક બને છે.
આ પણ વાંચો: અક્ષય કુમાર હવે ભોજપુરી ફિલ્મોમાં હાથ અજમાવશે
આ કાયદાકીય વિરોધાભાસની સૌથી મોટી વિડંબના એ છે કે જ્યારે બંધારણની કલમ-૪૭ હેઠળ રાજ્યની એ પ્રાથમિક ફરજ ગણવામાં આવી છે કે તે નાગરિકોના પોષણનું સ્તર અને જીવનધોરણ ઊંચું લાવે તેમજ જાહેર આરોગ્ય સુધારવા માટે પ્રયાસો કરે, ખાસ કરીને સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા નશાકારક પીણાં અને પદાર્થોના વપરાશ પર પ્રતિબંધ મૂકે. આ બંધારણીય નિર્દેશ હોવા છતાં, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જ્યારે બસોના કોન્ટ્રાક્ટ આપે છે ત્યારે નૈતિકતાના તમામ નિયમોને નેવે મૂકી દે છે. જ્યારે કોર્પોરેશનના સત્તાધીશોને આ બાબતે પૂછવામાં આવે ત્યારે તેમનો રેકોર્ડેડ જવાબ એવો હોય છે કે બીઆરટીએસ અને સિટી બસ સેવાઓ ભારે ખોટમાં ચાલી રહી છે, બસોના ડીઝલ-ઇલેક્ટ્રિસિટીના ખર્ચ, ડ્રાઇવર-કંડક્ટરના પગાર અને મેઇન્ટેનન્સના નાણાં પૂરા કરવા માટે અમારે જાહેરાતની આવક (રેવન્યુ) પર નિર્ભર રહેવું પડે છે. આ દલીલ જ વહીવટી તંત્રની સંવેદનશીલતા પર સૌથી મોટો પ્રહાર છે. શું કોઈ સરકારી તંત્ર પોતાના નાગરિકોના કેન્સરના ભોગે પોતાની તિજોરીની ખોટ સરભર કરી શકે? જો આવતીકાલે કોઈ દારૂ બનાવતી કંપની કે અન્ય કોઈ અસામાજિક તત્વો માત્ર ‘સોડા’ કે ‘પાણી’ ના નામે કરોડો રૂપિયાની બોલી લગાવશે, તો શું કોર્પોરેશન પોતાની આર્થિક ખોટ પૂરી કરવા માટે આખા શહેરની બસોને દારૂની બ્રાન્ડના રંગે રંગી દેશે? આ પ્રશ્ન માત્ર આર્થિક નથી, પણ વહીવટી તંત્રની નૈતિકતા અને સામાજિક જવાબદારીનો છે.
બીજી તરફ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે ‘વર્લ્ડ નો ટોબેકો ડે’ ઉજવાય છે. સેમિનારો થાય છે, ડૉક્ટરો લાંબા-લાંબા ભાષણો આપે છે કે તમાકુ ખાવાથી મોઢાનું કેન્સર થાય છે, આંતરડા સડી જાય છે અને આખું કુટુંબ બરબાદ થઈ જાય છે. આ ભાષણ સાંભળીને જ્યારે કોઈ નાગરિક હોલની બહાર નીકળે છે, ત્યારે બરાબર હોલની સામે જ ઊભેલી કોર્પોરેશનની બસ તેના મોઢા પર ‘જુબાં કેસરી’ નો કલર લગાવીને પસાર થઈ જાય છે. આનાથી મોટો કટાક્ષ બીજો કયો હોઈ શકે? એક બાજુ તમે કહો છો કે નશો નાશનું મૂળ છે, અને બીજી બાજુ એ જ નશાના પ્રચારકોને તમારા સરકારી વાહનો પર સ્પેસ આપીને તેમને સન્માનિત કરો છો. આ તો એવી વાત થઈ કે એક ડૉક્ટર દર્દીને ડાયાબિટીસની દવા પ્રિસ્ક્રિપ્શનમાં લખી આપે અને સાથે-સાથે તેના પ્રિસ્ક્રિપ્શન પેડની પાછળ ગુલાબજાંબુની દુકાનની મોટી જાહેરાત છાપીને આપે. તંત્રની આ બેવડી નીતિ સમાજમાં એક અત્યંત નકારાત્મક સંદેશો વહેતો કરે છે. સામાન્ય નાગરિકના મનમાં એવો વિચાર આવે છે કે જો આ પદાર્થો ખરેખર એટલા જ ખરાબ હોત, તો સરકારી તંત્ર ક્યારેય તેની જાહેરાત પોતાના વાહનો પર ન કરવા દેત. સરકાર પોતે જ જે વસ્તુનો પ્રચાર કરતી હોય, તે વસ્તુ ખરાબ કેવી રીતે હોઈ શકે? આ માનસિકતા ખાસ કરીને કિશોરાવસ્થાના બાળકોમાં બહુ વહેલી ઘર કરી જાય છે.
ગ્રાહક સુરક્ષા કાયદા અને એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ASCI) ના નિયમો પણ કહે છે કે જાહેરાતો ભ્રામક અને સમાજને ગેરમાર્ગે દોરનારી ન હોવી જોઈએ. પરંતુ જ્યારે કરોડો રૂપિયાના રેવન્યુના કરારો થાય છે, ત્યારે આ તમામ નિયમો ફાઈલોના પોટલામાં બંધ થઈ જાય છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના નામે જે એજન્સીઓને જાહેરાતના હકો આપવામાં આવે છે, તેમની શરતોમાં કોર્પોરેશન ક્યારેય એવો કડક ક્લોઝ કેમ નથી ઉમેરતું કે કોઈપણ પ્રકારની સરોગેટ પ્રોડક્ટ, પાન-મસાલા, ગુટખા કે નશાને પ્રેરિત કરતી બ્રાન્ડ્સની જાહેરાતો સ્વીકારવામાં આવશે નહીં? કારણ સ્પષ્ટ છે, જો આવી શરતો મૂકવામાં આવે તો જાહેરાતના કોન્ટ્રાક્ટના ભાવો ઘટી જાય, અને વહીવટી તંત્રને નાગરિકોના સ્વાસ્થ્ય કરતાં પોતાના હિસાબના ચોપડા સરભર કરવામાં વધુ રસ છે. રાજકોટ જેવા શહેરમાં જ્યાં હજારો યુવાનો દર વર્ષે મોઢાના કેન્સર અને સબમ્યુકસ ફાઇબ્રોસિસ જેવી ગંભીર બીમારીઓનો ભોગ બને છે, જ્યાં સિવિલ હોસ્પિટલના ઓન્કોલોજી વિભાગો દર્દીઓથી ઉભરાય છે, ત્યાં જનતાના ટેક્સના પૈસે ચાલતી બસો જ વ્યસનનું આડકતરું આમંત્રણ આપતી ફરે તે લોકશાહીનું સૌથી કદરૂપું ચિત્ર છે.
જો આ બાબતમાં થોડી નૈતિક હિંમત અને સામાજિક નિષ્ઠા દાખવવામાં આવે, તો કાયદાકીય રીતે આ જાહેરાતોને રોકવી બિલકુલ અશક્ય નથી. ભારતના જ કેટલાક રાજ્યો અને મ્યુનિસિપલ કોર્પોરેશનોએ જનહિતમાં આવા પ્રશંસનીય નિર્ણયો લીધા છે, જ્યાં તેમણે સરોગેટ જાહેરાતો પર પણ પોતાના જાહેર પરિવહનના સાધનો પર પ્રતિબંધ મૂકી દીધો છે. બંધારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સ્વાયત્તતા આપી છે, તેઓ પોતાની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને આવી નૈતિક આચારસંહિતા લાગુ કરી જ શકે છે. પરંતુ આ માટે ‘જુબાં કેસરી’ ના અવાજ પાછળ દબાઈ ગયેલા અંતરાત્માને જગાડવો પડે. એક બાજુ સ્માર્ટ સિટીના દાવા કરવા, ડિજિટલ ગવર્નન્સની વાતો કરવી, સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર વન આવવા માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરવો, અને બીજી બાજુ આખા શહેરની દીવાલો અને બસોને પાન-મસાલાના થૂંક અને જાહેરાતોથી રંગાયેલી રાખવી, તે સ્માર્ટનેસ નથી પણ વહીવટી દંભ છે.
આ લેખના માધ્યમથી વહીવટી તંત્રના આંધળા કાયદા અને બહેરા કાન સુધી એ પ્રશ્ન પહોંચાડવો જરૂરી છે કે, જ્યારે તમે આગામી વખતે કોઈ શાળામાં જઈને ‘વ્યસન મુક્તિ’ નું નાટક ભજવો, ત્યારે બારીની બહાર જરા નજર કરજો કે તમારી જ કોઈ બસ કોઈ યુવાનને નશાના માર્ગે ધકેલવા માટે ‘કેસરી’ રંગ ધારણ કરીને રાહ જોઈ રહી હશે. કાયદાની કલમો પાછળ છુપાઈને સરોગેટ એડવર્ટાઇઝિંગના નામે વસુલાતો ટેક્સ એ ટેક્સ નથી, પણ આવનારી પેઢીના સ્વાસ્થ્યનું લોહી છે. વહીવટી તંત્રએ હવે એ નક્કી કરવું પડશે કે તેને રાજકોટના નાગરિકોના મોઢા પર કેન્સરની લાલી જોવી છે કે પછી સાચા અર્થમાં સ્વસ્થ અને વ્યસનમુક્ત સમાજની સ્મિત જોવી છે. કાયદાના રક્ષકો જ જ્યારે ભક્ષકોના પ્રચારક બની જાય, ત્યારે જનતાએ જ જાગૃત થઈને આ દ્વિમુખી શાસનના ચહેરા પરથી નૈતિકતાનો મહોરો ખેંચી લેવો પડે છે. ‘બોલો જુબાં કેસરી’ નું સ્લોગન એ માત્ર એક જાહેરાત નથી, પણ આપણી વહીવટી નપુંસકતા અને સામાજિક પતનની સળગતી વાસ્તવિકતા છે, જેને સત્વરે ડામી દેવી એ જ સાચું નગર-કલ્યાણ છે.
