અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ સ્ટેશનને મળશે નવી ઓળખ
પશ્ચિમ રેલવેના રાજકોટ સ્ટેશનના પુનઃવિકાસ કાર્યો અંતર્ગત ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ સ્ટેશનના દ્વિતીય પ્રવેશદ્વાર (સેકન્ડ એન્ટ્રી)ના વિકાસ કાર્યોને ગતિ આપવામાં આવી રહી છે. આ જ ક્રમમાં રાજકોટ યાર્ડમાં આવેલા લેવલ ક્રોસિંગ સંખ્યા 125 (રૂખડિયા કોલોની ફાટક ) ને નાબૂદ કરવાનું મહત્વપૂર્ણ કાર્ય મંજૂર કરવામાં આવ્યું છે. આ લેવલ ક્રોસિંગના સ્થાને સડક વાહનવ્યવહારને અવરોધરહિત, સુરક્ષિત અને સુગમ બનાવવા માટે રોડ અંડર બ્રિજ (ગરનાળા) નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: IAS,IPS અને IFS , સહીતના ઉચ્ચ અધિકારીઓ છાત્રોને શાળા પ્રવેશોત્સવ કરાવશે
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં રાજકોટ સ્ટેશન યાર્ડમાં રોડ અંડર બ્રિજનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપથી પ્રગતિ પર છે. આ પરિયોજના અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત વિકસાવવામાં આવી રહેલા રાજકોટ સ્ટેશનના સેકન્ડ એન્ટ્રી વિસ્તારનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેના પૂર્ણ થવાથી સ્ટેશન સુધી પહોંચવું વધુ સુવિધાજનક અને વ્યવસ્થિત બનશે. તાજેતરમાં જ આરસીસી બોક્સના લોન્ચિંગ દરમિયાન રેલવે પ્રશાસન દ્વારા ભારે મશીનરી અને મોટી સંખ્યામાં માનવબળ તૈનાત કરવામાં આવ્યું હતું.
કાર્યસ્થળ પર 750 મેટ્રિક ટન, 600 મેટ્રિક ટન અને 300 મેટ્રિક ટન ક્ષમતા ધરાવતી ત્રણ અત્યાધુનિક હેવી ક્રેન, ચાર હાઇધ્રોલિક એક્સ્કેવેટર, સાત ડમ્પર/ટીપર તેમજ આશરે 75 કુશળ અને અકુશળ શ્રમિકો સાથે ઇજનેરો અને સુપરવાઇઝરોની ટીમને તૈનાત કરવામાં આવી હતી. રાજકોટના ડિવિઝન રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રાજકોટ સ્ટેશનના પુનઃવિકાસ કાર્યોને તબક્કાવાર રીતે આગળ ધપાવવામાં આવી રહ્યા છે.
