તંગ વાતાવરણમાં ઈરાન-અમેરિકા વચ્ચે શાંતિ વાર્તાલાપ આગળ ધપાવવા સંમતિ
ટ્રમ્પ દ્વારા હોર્મુઝ મુદે ઈરાન માટે અપશબ્દોનો ઉપયોગ, કહ્યું, “હોર્મુઝ બંધ કરશો તો તમારો દેશ નહિ હોય”
ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ વચ્ચે સ્વિટ્ઝર્લેન્ડમાં બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલા પ્રથમ તબક્કાના શાંતિ વાર્તાલાપમાં મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે. મધ્યસ્થી દેશો પાકિસ્તાન અને કતારે જણાવ્યું કે બંને પક્ષો હોર્મુઝની સામુદ્રધુનીમાં વેપારી જહાજોની સુરક્ષિત અવરજવર જાળવી રાખવા માટે સીધી સંચાર વ્યવસ્થા સ્થાપિત કરવા સંમત થયા છે. લગભગ ૮૦ મિનિટ ચાલેલી બેઠકમાં પ્રતિબંધોમાં રાહત, ઈરાનના જપ્ત ભંડોળની મુક્તિ તથા અગાઉ થયેલા કરારોના અમલ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
અમેરિકી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ઉપપ્રમુખ જેડી વાન્સે કર્યું હતું, જ્યારે ઈરાન તરફથી મોહમ્મદ બાકેર ગાલિબાફે ભાગ લીધો હતો. બંને દેશો વચ્ચે ગયા સપ્તાહે થયેલા પ્રાથમિક કરાર હેઠળ આગામી બે મહિના સુધી ચર્ચાનો દોર ચાલુ રહેશે. ઈરાને સ્પષ્ટ કર્યું કે તેની મુખ્ય પ્રાથમિકતા અમેરિકાએ અગાઉ થયેલી સમજૂતીઓનું પાલન કરે તેની ખાતરી મેળવવાની છે.
આ પણ વાંચો: ભારત પાણી રોકે તો યુદ્ધ કરવાની “નાપાક” રક્ષા મંત્રીની લુખ્ખી ધમકી
આ દરમિયાન લેબનોનમાં ચાલી રહેલા સંઘર્ષ અને હોર્મુઝની સામુદ્રધુનીને લઈને પરિસ્થિતિ વધુ સંવેદનશીલ બની છે. ઈરાને ઇઝરાયેલી હુમલાઓના વિરોધમાં હોર્મુઝ બંધ કરવાની ચેતવણી આપી હતી, જ્યારે અમેરિકાએ આ જળમાર્ગ ખુલ્લો રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. વૈશ્વિક તેલ પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી આ સામુદ્રધુનીમાં કોઈપણ અવરોધ વિશ્વભરના તેલ બજારો અને અર્થતંત્રને અસર કરી શકે છે.
ટ્રમ્પની ધમકીઓ
વાર્તાલાપ ચાલી રહ્યો હોવા છતાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે આક્રમક વલણ યથાવત રાખ્યું છે. ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું કે જો ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીમાં અવરોધ ઉભો કરશે તો “તમારો દેશ જ નહીં બચે.” ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે ઈરાની અધિકારીઓને સીધી ચેતવણી આપી છે કે જળમાર્ગ બંધ કરવાનો પ્રયાસ ગંભીર પરિણામો લાવશે. એક તબક્કે તો તેમણે ઈરાન માટે અપશબ્દોનો ઉપયોગ પણ કર્યો હતો. ટ્રુથ સોશિયલ પર પણ તેમણે ઈરાનને લેબનોનમાં હિઝબુલ્લાહને કાબૂમાં રાખવા જણાવ્યું અને ચેતવણી આપી કે જો સ્થિતિ નહીં બદલાય તો અમેરિકા અગાઉ કરતાં વધુ કડક કાર્યવાહી કરશે.
હોર્મુઝ અંગે સમજૂતી
પ્રથમ તબક્કાની ચર્ચાના અંતે પાકિસ્તાન અને કતારે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે હોર્મુઝની સામુદ્રધુનીમાં ગેરસમજ અને અથડામણો ટાળવા માટે બંને પક્ષો વચ્ચે સીધી “કોમ્યુનિકેશન લાઇન” સ્થાપિત કરવામાં આવી છે. આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ વેપારી જહાજોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવાનો છે. હોર્મુઝમાંથી વિશ્વના મોટા ભાગના તેલનો પરિવહન થતો હોવાથી અહીં સ્થિરતા જાળવવી વૈશ્વિક અર્થતંત્ર અને ઊર્જા બજાર માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
