શિવકુમારના નારા લગાવતા કાર્યકરોને મલ્લિકાર્જુન ખડગેએ ‘નકામાં’ કહ્યા
વિડીયો ફૂટેજ જોઈને પગલાં લેવાની ચીમકી
કર્ણાટક કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ બી.કે. હરિપ્રસાદના શપથગ્રહણ સમારોહ દરમિયાન મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારના સમર્થનમાં કાર્યકરો દ્વારા સતત “ડીકે-ડીકે”ના નારા લગાવતા કાર્યકરોને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જાહેરમાં ખખડાવી નાખ્યા હતા. કાર્યક્રમમાં વારંવાર વિક્ષેપ પડતા ખડગેએ કાર્યકરોને તેમણે “નકામાં લોકો” ગણાવ્યા હતા.
ખડગેએ કહ્યું હતું કે આ કોંગ્રેસ પક્ષનો કાર્યક્રમ છે, કોઈ એક વ્યક્તિનો નહીં. પક્ષને મજબૂત અને એકજૂટ બનાવવા માટે સૌ અહીં ભેગા થયા છે. જો દરેક વ્યક્તિ અલગ-અલગ નેતાના નામના નારા લગાવશે તો કાર્યક્રમનો હેતુ જ નષ્ટ થઈ જશે. તેમણે કાર્યકરોને પક્ષની શિસ્તનું મહત્વ સમજાવતાં ચેતવણી આપી હતી કે કાર્યક્રમના વિડિયો ફૂટેજની સમીક્ષા કર્યા બાદ જવાબદાર લોકો સામે શિસ્તભંગની કાર્યવાહી પણ કરવામાં આવશે.
આ પણ વાંચો: તંગ વાતાવરણમાં ઈરાન-અમેરિકા વચ્ચે શાંતિ વાર્તાલાપ આગળ ધપાવવા સંમતિ
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ડી.કે. શિવકુમાર પણ કાર્યકરોને શાંત રહેવા અપીલ કરતા જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે 2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમાર વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. શરૂઆતમાં કોંગ્રેસ હાઈકમાન્ડે સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવ્યા હતા અને શિવકુમારને ઉપમુખ્યમંત્રી પદ સોંપ્યું હતું. બાદમાં કહેવાતી ‘રોટેશન ફોર્મ્યુલા’ મુજબ જૂન 2026માં સિદ્ધારમૈયાના રાજીનામા પછી શિવકુમારે મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. પક્ષ હવે 2028ની કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલાં આંતરિક જૂથબાજી પાછળ મૂકી સંગઠનને મજબૂત બનાવવાના પ્રયાસોમાં છે.
