કાળા રંગની ‘નતાશા ડોલ’નો ટ્રેન્ડ શું છે?
સોશિયલ મીડિયાના અલ્ગોરિધમ રોજ કોઈ ને કોઈ નવો ટ્રેન્ડ પેદા કરે છે, પણ તાજેતરમાં જે ટ્રેન્ડે દુનિયાભરના સમાજશાસ્ત્રીઓ અને મનોચિકિત્સકોની ઊંઘ હરામ કરી દીધી છે, તે છે ‘નતાશા ડોલ’ નો વિવાદ.
આ કોઈ હોરર ફિલ્મની વાર્તા નથી, પણ વાસ્તવિકતા છે. ‘નતાશા ડોલ’ એ એક ડાર્ક-સ્કીન (કાળા રંગની ચામડી ધરાવતી) બેબી ડોલ છે. સામાન્ય રીતે બાળકો આવી ઢીંગલીઓ સાથે રમતા હોય છે, પણ અત્યારે સોશિયલ મીડિયા પર (ખાસ કરીને પશ્ચિમી દેશોમાં) યુવાનો અને બાળકો આ કાળા રંગની ઢીંગલીને મારતા, તેને ફેંકી દેતા અને તેની સાથે હિંસક તથા અપમાનજનક વર્તન કરતા વિડીયો બનાવી રહ્યા છે. આ વિડીયો પર લાખો વ્યૂઝ અને હજારો કમેન્ટ્સ આવી રહી છે. એક સામાન્ય વાચક તરીકે આપણને પ્રશ્ન થાય કે એક નિર્જીવ ઢીંગલી સાથે આવું વર્તન કરવામાં લોકોને શું મજા આવતી હશે? આની પાછળનું અર્થશાસ્ત્ર અને મનોવિજ્ઞાન અત્યંત ડરામણું છે.
આ હિંસા અચાનક નથી જન્મી. મનોવિજ્ઞાન કહે છે કે કોઈ પણ બાળક જન્મથી ‘રેસિસ્ટ’ (રંગભેદી) હોતું નથી; તે સમાજ, માતા-પિતા અને આસપાસના વાતાવરણમાંથી નફરત કરતા શીખે છે. જ્યારે કોઈ બાળક ગોરા રંગની ઢીંગલીને પ્રેમ કરે છે અને કાળા રંગની ‘નતાશા ડોલ’ ને મારે છે, ત્યારે તે અજાણતા જ પોતાના ઘરમાં કે સમાજમાં ચાલતી વિચારધારાનું પ્રતિબિંબ પાડે છે.
આ ઘટના સમજવા માટે આપણે ૧૯૪૦ ના દાયકામાં થયેલા એક ઐતિહાસિક મનોવૈજ્ઞાનિક પ્રયોગ — ‘ક્લાર્ક ડોલ ટેસ્ટ’ (Clark Doll Test) ને યાદ કરવો પડે. મનોવિજ્ઞાની કેનેથ અને મેમી ક્લાર્કે બાળકોની સામે બે ઢીંગલીઓ મૂકી હતી — એક ગોરી અને એક કાળી. તેમણે બાળકોને પૂછ્યું કે “આમાંથી સારી ઢીંગલી કઈ છે?” મોટાભાગના બાળકો (અશ્વેત બાળકોએ પણ) ગોરી ઢીંગલી તરફ આંગળી ચીંધી અને કાળી ઢીંગલીને ‘ખરાબ’ કે ‘કદરૂપી’ કહી! ૮૦ વર્ષ પછી આજે આ ‘નતાશા ડોલ’ વિવાદ સાબિત કરે છે કે દુનિયા ચાંદ પર પહોંચી ગઈ, પણ આપણી માનસિકતા હજુ એ ૧૯૪૦ વાળા પ્રયોગમાંથી બહાર નથી આવી. આપણે હજુ પણ ‘ગોરો રંગ એટલે સુંદર અને કાળો રંગ એટલે ખરાબ’ ના ભ્રમમાં જ જીવી રહ્યા છીએ.
આ ઢીંગલીઓ પર અત્યાચારના વિડીયો રાતોરાત કેમ વાયરલ થાય છે? આની પાછળ ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક જેવા પ્લેટફોર્મ્સનું અલ્ગોરિધમ જવાબદાર છે. સોશિયલ મીડિયાને સારા કે ખરાબ સાથે કોઈ લેવાદેવા નથી, તેને માત્ર ‘એન્ગેજમેન્ટ’ (વ્યૂઝ અને કમેન્ટ્સ) થી મતલબ છે. (
આપણે પશ્ચિમના દેશોને રંગભેદ માટે ગાળો આપી શકીએ નહીં, કારણ કે આપણો પોતાનો સમાજ પણ રંગભેદની માનસિકતામાં ગળાડૂબ છે. ભારતમાં ભલે નતાશા ડોલના વિડીયો ન બનતા હોય, પણ આપણે ત્યાં દીકરીના લગ્ન માટે જાહેરાત આપીએ ત્યારે ‘ગોરી અને રૂપાળી કન્યા જોઈએ છે’ એવું ગર્વથી લખીએ છીએ. ભારતનું ‘ફેરનેસ ક્રીમ’ (ગોરા થવાની ક્રીમ) નું માર્કેટ અબજો રૂપિયાનું છે. આપણે બાળપણથી જ કાળા રંગને નિમ્ન કક્ષાનો માની લીધો છે. જ્યારે આપણે કોઈના શ્યામ વર્ણની મજાક ઉડાવીએ છીએ, ત્યારે આપણે પણ અજાણતા જ પેલા ‘નતાશા ડોલ’ ને મારતા વિકૃત લોકોની હરોળમાં જ ઊભા હોઈએ છીએ.
