બાંગ્લાદેશમાં રામની સૌથી મોટી પ્રતિમાનું નિર્માણ અટકતાં ઢાકામાં ઉગ્ર વિરોધ પ્રદર્શ
રામની પ્રતિમાનું અપમાન કર્યાનો આક્ષેપ: 72 કલાકમા પગલાં ન લેવાય તો રાષ્ટ્રવ્યાપી આંદોલનની ચેતવણી
બાંગ્લાદેશમાં ભગવાન રામની પ્રતિમાના કથિત અપમાન અને ઉત્તર બાંગ્લાદેશના પલાશબારી ખાતે નિર્માણાધીન 81 ફૂટ ઊંચી રામ પ્રતિમાના કામને અટકાવવાના મુદ્દે હિન્દુ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. શુક્રવારે હજારો હિન્દુઓએ ઢાકામાં મશાલ સરઘસ કાઢી ‘જય શ્રી રામ’ના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ આરોપ મૂક્યો હતો કે ઇસ્લામવાદી તત્ત્વોએ રામની તસવીરનું અપમાન કર્યું હોવા છતાં સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી.
હિન્દુ મહાજોટના આહ્વાન પર મોટી સંખ્યામાં લોકો શાહબાગ વિસ્તારમાં એકત્ર થયા હતા અને ત્યાંથી નેશનલ પ્રેસ ક્લબ સુધી રેલી કાઢી હતી. પ્રદર્શનકારીઓએ દોષિતોની તાત્કાલિક ધરપકડની માંગ સાથે સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. માંગ સ્વીકારવામાં નહીં આવે તો દેશવ્યાપી આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
બીજી તરફ, ગાઈબાંધા જિલ્લાના પલાશબારી ખાતે નિર્માણાધીન 81 ફૂટ ઊંચી ભગવાન રામની પ્રતિમાનું કામ હાલ સ્થગિત કરવામાં આવ્યું છે. મંદિર સમિતિના જણાવ્યા મુજબ કેટલાક ઇસ્લામવાદી સંગઠનો તરફથી ધમકીઓ મળતા અને સામાજિક તણાવ વધવાની ભીતિ વચ્ચે આ નિર્ણય લેવાયો છે. અંદાજે 22 કરોડ બાંગ્લાદેશી ટાકાના આ પ્રોજેક્ટમાં ભગવાન કૃષ્ણની 50 ફૂટની અને ભગવાન શિવની 30 ફૂટ ઊંચી પ્રતિમાઓ પણ સામેલ છે, જેમાં લગભગ 80 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.
પ્રધાનમંત્રી તારિક રહેમાને દેશમાં દરેકને પોતાના ધર્મનું પાલન કરવાનો અધિકાર હોવાનું અનેક વખત જણાવ્યું છે, છતાં આ વર્ષે માત્ર પ્રથમ ત્રણ મહિનામાં જ સાંપ્રદાયિક હિંસાની 133થી વધુ ઘટનાઓ નોંધાતા લઘુમતી હિન્દુ સમુદાયમાં અસુરક્ષાની લાગણી વધી રહી છે.
આ પણ વાંચો: નવી EV પોલિસીમાં ઇલેક્ટ્રિક વાહનો ખરીદનારા ગ્રાહકોને વધુ આકર્ષક લાભો આપવાની યોજના
હિન્દુઓને રસ્તા પર કેમ ઉતરવું પડ્યું?
ગાઈબાંધા જિલ્લામાં થયેલા એક વિરોધ પ્રદર્શન દરમિયાન ભગવાન રામની તસવીર પર ચંપલ મૂકીને તેનું અપમાન કરાયું હોવાનો હિન્દુ સંગઠનોનો આરોપ છે. ઘટનાને લઈને ફરિયાદ નોંધાઈ હોવા છતાં અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. બીજી તરફ, પલાશબારી ખાતે નિર્માણાધીન રામ પ્રતિમાનું કામ પણ ધમકીઓના કારણે અટકાવવામાં આવ્યું છે. આ બંને મુદ્દાઓને લઈને હિન્દુ સમાજમાં ભારે નારાજગી ફેલાઈ છે અને સરકાર પર નિષ્ક્રિયતાનો આરોપ લગાવી દેશવ્યાપી વિરોધ શરૂ કરવામાં આવ્યો છે.
‘રામ પ્રતિમા નહીં બને તો 64 જિલ્લાઓમાં રામ મંદિર બનાવીશું’
હિન્દુ મહાજોટે ચેતવણી આપી છે કે જો પલાશબારી ખાતે ભગવાન રામની પ્રતિમાનું નિર્માણ ફરી શરૂ કરવાની મંજૂરી નહીં મળે તો બાંગ્લાદેશના તમામ 64 જિલ્લાઓમાં એક પછી એક રામ મંદિરોનું નિર્માણ કરવામાં આવશે. સંગઠનના નેતાઓએ કહ્યું કે સનાતન ધર્મના પ્રતીકો સામે વિરોધ અને ધમકીઓ સ્વીકારવામાં નહીં આવે અને ધાર્મિક અધિકારોની રક્ષા માટે આંદોલન વધુ વ્યાપક બનાવવામાં આવશે.
બુલડોઝરથી પ્રતિમા તોડવાની ધમકી મળ્યા બાદ કામ ઠપ્પ
પલાશબારી ખાતે નિર્માણાધીન ભગવાન રામની પ્રતિમાના કામને સ્થગિત કરવાના નિર્ણય પાછળ ભયનું વાતાવરણ જવાબદાર હોવાનું મંદિર સમિતિના પ્રમુખ હરિદાસ ચરણ દાસે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે કેટલાક ઇસ્લામવાદી જૂથો તરફથી સતત ધમકીઓ મળી રહી છે અને એક કટ્ટરપંથી ધર્મપ્રચારકે તો પ્રતિમાને બુલડોઝરથી તોડી પાડવાની ખુલ્લી ધમકી પણ આપી હતી. “અમે ડરેલા છીએ અને આ ભયના કારણે જ કામ અટકાવવાની ફરજ પડી છે,” એમ દાસે જણાવ્યું હતું. તેમણે પ્રધાનમંત્રી તારિક રહેમાનને હસ્તક્ષેપ કરવાની અપીલ કરતાં કહ્યું કે રામ પ્રતિમા સનાતન ધર્મની આસ્થા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતિક છે. મંદિર સમિતિએ પણ સ્પષ્ટ કર્યું છે કે સામાજિક શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હાલ કામ રોકવામાં આવ્યું છે.
