રશિયન તેલ પર ફરી પ્રતિબંધોની ટ્રમ્પની ચેતવણી; ભારત માટે મોંઘા ક્રૂડનું જોખમ
ટ્રમ્પનો રશિયા પર ફરી આર્થિક પ્રહારનો સંકેત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત રશિયન ઓઇલ પર પ્રતિબંધ લગાવવાની ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે હોર્મુઝ જળમાર્ગમાં તેલની અવરજવર ફરી શરૂ થતાં હવે રશિયન ક્રૂડ ઓઇલ પરના પ્રતિબંધો ફરીથી લાગુ કરવાની સ્થિતિ ઊભી થઈ રહી છે. ઈરાન સાથે થયેલા કરાર બાદ મધ્યપૂર્વમાં તણાવ ઘટ્યો છે અને હોર્મુઝ મારફતે તેલ પુરવઠો સામાન્ય બનવા લાગ્યો છે. ટ્રમ્પે જણાવ્યું કે અગાઉ વૈશ્વિક બજારમાં તેલની અછત અને કિંમતોમાં ઉછાળો અટકાવવા માટે રશિયન તેલ પર અમુક રાહતો આપવામાં આવી હતી, પરંતુ હવે તેલનો પુરવઠો ફરી સ્થિર થતાં આ રાહતો પાછી ખેંચવાની શક્યતા વધી ગઈ છે.જો ટ્રમ્પ ફરી પ્રતિબંધ લાદે તો ભારત માટે મુશ્કેલી સર્જાઈ શકે છે તેવું માનવામાં આવે છે.
ફ્રાન્સમાં યોજાયેલી G-7 બેઠક દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધ, ઊર્જા સુરક્ષા અને મોસ્કો પર દબાણ વધારવાના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. યુરોપીય દેશો લાંબા સમયથી રશિયાની ઊર્જા આવકને નિશાન બનાવી વધુ કડક પ્રતિબંધોની માંગ કરી રહ્યા છે. ટ્રમ્પના નિવેદનથી વૈશ્વિક ઊર્જા બજારમાં ફરી અનિશ્ચિતતા વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: રી-ટેસ્ટ પહેલાં નીટ ઉમેદવાર યુવતીએ જીવન ટૂંકાવી નાખ્યું
ભારત માટે મુશ્કેલી?
ભારત પોતાની કુલ જરૂરિયાતના લગભગ 90 ટકા જેટલા ક્રૂડ ઓઇલ માટે આયાત પર નિર્ભર છે. યુક્રેન યુદ્ધ પછી રશિયાએ ડિસ્કાઉન્ટ પર તેલ આપવાનું શરૂ કરતાં ભારત વિશ્વના સૌથી મોટા ખરીદદારોમાં સામેલ બન્યું હતું. જો અમેરિકા રશિયન તેલ પરની રાહતો સમાપ્ત કરીને ફરી કડક પ્રતિબંધો અમલમાં મૂકે તો ભારતીય રિફાઇનરીઓને વધુ મોંઘું ક્રૂડ ખરીદવું પડી શકે છે. પરિણામે આયાત બિલ વધી શકે, પેટ્રોલ-ડીઝલના ભાવ પર દબાણ આવી શકે અને સરકારના નાણાકીય સમીકરણો પર પણ અસર પડી શકે છે. તાજેતરના આંકડા મુજબ ભારતના કુલ ક્રૂડ આયાતમાં રશિયન તેલનો હિસ્સો નોંધપાત્ર સ્તરે પહોંચ્યો છે. તેથી અમેરિકી કાર્યવાહી ભારત માટે ઊર્જા સુરક્ષા અને ખર્ચ બંને દૃષ્ટિએ પડકારરૂપ બની શકે છે.
હવે ફોક્સ યુક્રેન ઉપર : ટ્રમ્પ
ઈરાન સાથેનો વિવાદ સમાપ્ત થવાની દિશામાં આગળ વધતાં હવે અમેરિકાનું મુખ્ય ધ્યાન ફરી યુક્રેન યુદ્ધ તરફ રહેશે, એમ ટ્રમ્પે G-7 બેઠક દરમિયાન જણાવ્યું. “હવે આ મુદ્દો પૂર્ણ થયો છે, તેથી અમે યુક્રેન યુદ્ધના ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરીશું,” એમ તેમણે કહ્યું. બીજી તરફ, ઝેલેન્સકીએ દાવો કર્યો કે G-7ના તમામ દેશો યુક્રેનના સમર્થનમાં એકમત છે અને કીવ યુદ્ધવિરામ માટેની વાતચીત માટે તૈયાર છે. જોકે તેમણે રશિયા પર શાંતિ પ્રક્રિયા પ્રત્યે ગંભીરતા ન દાખવવાનો આરોપ પણ મૂક્યો હતો. G-7માં હવે મોસ્કો પર વધુ આર્થિક અને ઊર્જા ક્ષેત્રના દબાણ દ્વારા યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાની વ્યૂહરચના અંગે ચર્ચા તેજ બની છે.
