રી-ટેસ્ટ પહેલાં નીટ ઉમેદવાર યુવતીએ જીવન ટૂંકાવી નાખ્યું
નીટની અનિશ્ચિતતા વધુ એક જીવ લઈ ગઈ
‘આઈ લવ યુ પાપા, મને માફ કરજો…’ લખી 24 વર્ષની રિયા કુમારીએ આત્મહત્યા કરી: 12માં ધોરણમાં ટોપર હતી
નીટ પરીક્ષાના પેપર લીક કૌભાંડ અને તેના કારણે સર્જાયેલી અનિશ્ચિતતા વચ્ચે વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દેહરાદૂનમાં 24 વર્ષની નીટ ઉમેદવાર રિયા કુમારીએ રી-ટેસ્ટના માત્ર થોડા દિવસો પહેલાં આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાસ્થળેથી, તેણે પોતાના પિતાને સંબોધીને ‘આઈ લવ યુ પાપા, મને માફ કરજો’ લખેલી સુસાઈડ નોટ મળી આવતાં સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
દેહરાદૂનના પટેલનગર વિસ્તારમાં રહેતી રિયા કુમારી 21 જૂને યોજાનારી નીટ રી-ટેસ્ટની તૈયારી કરી રહી હતી. તેના પિતા નિવૃત્ત સૈનિક છે.
મંગળવારે સવારે રિયા લાંબા સમય સુધી રૂમમાંથી બહાર ન આવતાં માતાને શંકા ગઈ હતી. રૂમ અંદરથી બંધ હોવાથી પરિવારજનોએ દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો ત્યારે રિયા પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી.
પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ નોટમાં રિયાએ લખ્યું હતું કે, “આઈ લવ યુ પાપા, મને માફ કરજો. આ માટે કોઈ જવાબદાર નથી, મારી અસમર્થતા જવાબદાર છે.”
આ પણ વાંચો: મેલોનીએ મોદીને કહ્યું, ” હા, ઈન્સ્ટાગ્રામપર આપણે સૌથી વધારે પ્રખ્યાત કપલ”
પોલીસના જણાવ્યા અનુસાર રિયા છેલ્લા કેટલાક સમયથી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં વ્યસ્ત હતી અને કલાકો સુધી રૂમમાં એકલી રહી અભ્યાસ કરતી હતી. પ્રાથમિક તપાસમાં પરીક્ષા અને પરિણામને લઈને તે ભારે માનસિક દબાણમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.નોંધનીય છે કે રિયા 12 માં ધોરણમાં 97 ટકા માર્ક્સ મેળવી સ્કૂલ ફર્સ્ટ આવી હતી.
એક પરીક્ષા, અનેક જિંદગીઓ પર ભાર
નીટ પેપર લીક વિવાદ અને ત્યારબાદની અનિશ્ચિતતાએ દેશભરના લાખો વિદ્યાર્થીઓને માનસિક રીતે તોડી નાખ્યા છે. વર્ષો સુધી મહેનત કરનારા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની વિશ્વસનીયતા પર ઊભા થયેલા સવાલો અને ફરી પરીક્ષા આપવાની ફરજ ભારે તણાવનું કારણ બની રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા જેટલું જ વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય પણ મહત્વનું છે. રિયાની ઘટના ફરી એક વખત યાદ અપાવે છે કે ગુણ અને રેન્ક કરતાં પણ વધુ કિંમતી એક યુવાનનું જીવન છે.
