આદિવાસી મહિલાઓ સાથે દુષ્કર્મ બાદ એસિડ ફેકી અંધ બનાવી હતી
મિઝોરમની એક જિલ્લા અદાલતે 9 વર્ષ જૂના એક કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અદાલતે 2017માં એક સ્થાનિક આદિવાસી મહિલા સાથે સમૂહિક દુષ્કર્મ અને એસિડ એટેકના કેસમાં BSFના બે જવાનોને કઠોર કેદની સજા સંભળાવી છે. આઈઝોલના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સિલ્વી રાલ્ટેએ બંને જવાનોને દોષી ઠેરવ્યા હતા અને બંનેને 42 વર્ષની જેલ સજા ફટકારી હતી.
આ કેસ 2017નો છે. 16 જુલાઈ, 2017ના રોજ પીડિતા પોતાની એક સહેલી સાથે ભારત-બાંગ્લાદેશ સરહદ પર સ્થિત મમિત જિલ્લામાં ગસ્કાટા નદીના ગાઢ જંગલોમાં જંગલી શાકભાજી લેવા ગઈ હતી. આ દરમિયાન સ્થાનિક બોર્ડર આઉટપોસ્ટ પર તહેનાત BSF જવાન નીલાંજન દાસ અને દિનેશ કુમારે બંને મહિલાઓને ઘેરી લીધી હતી. જવાનોએ એક મહિલા સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ પોતાની ઓળખ છુપાવવા અને પીડિતાને અંધ બનાવવાના ઈરાદાથી તેના ચહેરા પર એસિડ ફેંક્યું હતું.
આ ભયાનક હુમલામાં પીડિત મહિલા તો કોઈક રીતે જીવિત બચી ગઈ પરંતુ તેનો ચહેરો હંમેશા માટે ખરાબ થઈ ગયો અને તેની આંખોની રોશની પણ જતી રહી. ચોંકાવનારી વાત એ રહી કે, હુમલા દરમિયાન તેની સહેલી રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી.
આ પણ વાંચો: આવતાં સપ્તાહે અધિકારીઓ પાસેથી કામનો `હિસાબ’ માંગશે નગરસેવકો
ઘટનાના 11 દિવસ બાદ સ્થાનિક વિલેજ ડિફેન્સ પાર્ટી અને રાજ્ય પોલીસ દ્વારા સઘન શોધખોળ બાદ જંગલમાંથી તેનો ખરાબ રીતે સડી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. તેની હત્યા થઈ હોવાનું કોર્ટ સમક્ષ સાબિત કરવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, કોર્ટે ઠોસ પુરાવાના અભાવે હત્યાના આરોપમાંથી બંને જવાનોને નિર્દોષ જાહેર કર્યા હતા.
