આવતાં સપ્તાહે અધિકારીઓ પાસેથી કામનો `હિસાબ’ માંગશે નગરસેવકો
કેટલી ગ્રાન્ટ મળી, ક્યાં વપરાઈ સહિતના ચીલાચાલુ નહીં, લોકોને સીધા સ્પર્શે તેવા પ્રશ્નોનો મારો
25 જૂને નવા શાસકો-કોર્પોરેટરોનું પહેલુ જનરલ બોર્ડ મળશે: કોંગે્રસનો એક પણ પ્રશ્ન નહીં
કોમશિર્યલ કોમ્પલેક્સમાં પાર્કિંગથી લઈ રેંકડી-કેબિનના ન્યુસન્સ, માટીથી લઈ આવાસ, ભૂગર્ભ ગટર છલકાવાથી લઈ ડીઆઈ પાઈપ લાઈન સહિતના પ્રશ્નો પૂછાયા
એક કલાક નહીં, જ્યાં સુધી સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી બોર્ડ ચાલશે
મહાપાલિકામાં પાછલા થોડા વર્ષ દરમિયાન દર બે મહિને જનરલ બોર્ડની બેઠક મળે ત્યારે ભાજપના નગરસેવકો દ્વારા ગ્રાન્ટ સહિતના કંટાળાજનક પ્રશ્ન પૂછી એક કલાક વેડફી નાખવામાં આવતી હતી. એકંદરે જનરલ બોર્ડની આ કાર્યવાહીને લોકો નાટક-ફારસ સહિતના અપમાનજનક નામથી સંબોધવા લાગ્યા હતા આમ છતાં કોઈ જ સુધારો થઈ રહ્યો ન્હોતો. જો કે હવે શાસકો બદલાતાં જ જનરલ બોર્ડની `તાસીર’ પણ બદલાઈ જાય તેવું લાગી રહ્યું છે અને નગરસેવકો-નગરસેવિકાઓ દ્વારા ચીલાચાલુ નહીં પરંતુ લોકોને સીધી રીતે સ્પર્શે તેવા પ્રશ્નો પૂછી અધિકારીઓને `કઠેડા’માં મુકવાનું શરૂ કરવામાં આવ્યું હોય તેમ આવતાં ગુરૂવારે મળનારા જનરલ બોર્ડમાં એક બાદ એક અણિયાળા પ્રશ્નો પૂછયા છે !
આ પણ વાંચો: ગુનાની ફિફટી ફટકારનાર રામદેવ ડાંગર ગેંગ સામે ગુજસીટોક
25 જૂનને ગુરૂવારે નવા શાસકો અને કોર્પોરેટરોનું પ્રથમ જનરલ બોર્ડ મળશે. આ બોર્ડમાં કોંગે્રસના સાતમાંથી એકેય કોર્પોરેટરે પ્રશ્ન પૂછયો નથી. જો કે ભાજપ દ્વારા પૂછાયેલા 33 પૈકી મહત્તમ પ્રશ્નો લોકોને સ્પર્શે તેવા હોય બોર્ડની કાર્યવાહી તોફાની બની રહેવાની શક્યતા નકારી શકાતી નથી.
બોર્ડની કાર્યવાહી સવારે 11 વાગ્યાથી શરૂ થશે જેમાં પ્રથમ ક્રમે વોર્ડ નં.14ના કોર્પોરેટર કેતન પટેલનો પ્રશ્ન ચર્ચામાં આવશે. આ પ્રશ્નથી જ અધિકારીઓ ઉપર તડાપીટ બોલવાની સંભાવના છે. કેતન પટેલ દ્વારા આવાસ યોજના વિભાગે એક વર્ષ દરમિયાન કરેલી કામગીરી, એક વર્ષ સુધી આવાસના હપ્તા ન ભર્યા હોય તેવા આસામીઓ સામે શું કાર્યવાહી કરાઈ, આવાસ પર ગેરકાયદેસર કબજો કરીને બેઠેલા લોકો પર શું કાર્યવાહી કરવામાં આવી ? ટાઉન પ્લાનિંગ શાખામાં કુલ સ્ટાફ કેટલો અને તેની કામગીરીની વિગત, ફિલ્ડ સ્ટાફમાં કુલ કેટલા અધિકારીઓ-કર્મચારીઓ સમાવિષ્ટ છે અને એક વર્ષ દરમિયાન ટાઉન પ્લાનિંગ શાખાએ કરેલી કામગીરીની વિગત માંગી છે. આ ઉપરાંત અન્ય કોર્પોરેટરો દ્વારા કોમર્શિયલ કોમ્પલેક્સમાં પાર્કિંગથી લઈ રેંકડી-કેબિનના ન્યુસન્સ, ભૂગર્ભ ગટર છલકાવાથી લઈ ડીઆઈ પાઈપલાઈન સહિતના પ્રશ્નો મુકવામાં આવ્યા છે.
દર વખતે બોર્ડ એક કલાકની અંદર પૂર્ણ થઈ જતું હતું જેમાં ફેરફાર કરી હવે અમર્યાદિત સમય સુધી મતલબ કે નગરસેવકોને તેમના પ્રશ્નોના જવાબ ન મળી જાય ત્યાં સુધી ચાલશે. સાથે સાથે બે મહિનાની જગ્યાએ હવે દર મહિને જનરલ બોર્ડ મળશે.
