દેશમાં ટૂંક સમયમાં આવશે પ્લાસ્ટિકની નોટ, RBI ગવર્નરે કરી જાહેરાત
દેશભરમાં છેલ્લા ઘણા સમયથી કાગળની નોટોને બદલે પ્લાસ્ટિક એટલે કે પોલિમર કરન્સી (Polymer Currency) લાવવાની ચર્ચાઓ ચાલી રહી હતી, જેને લઈને હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા મોટું અપડેટ સામે આવ્યું છે. મોનિટરિંગ પોલિસી કમિટી (MPC)ની બેઠકમાં RBI ગવર્નર દ્વારા આ અંગેની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.
વર્ષ 2028 સુધીમાં હાથમાં આવશે પ્લાસ્ટિકની નોટ
RBIના જણાવ્યા અનુસાર, બેંક આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર ખૂબ જ ઝડપથી કામ કરી રહી છે. રિઝર્વ બેંકનું મુખ્ય લક્ષ્ય આગામી 2 વર્ષમાં તમામ પ્રિન્ટિંગ અને ટેકનિકલ પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવાનું છે, જેથી વર્ષ 2028 સુધીમાં આ નવી નોટો સામાન્ય જનતાના હાથમાં સત્તાવાર રીતે પહોંચાડી શકાય.
આ પણ વાંચો: ‘કોહલીની આસ્થા સામે આંગળી ચીંધવાનો કોઈને હક નથી’: શમી
શું કાગળની નોટો બંધ થઈ જશે?
પ્લાસ્ટિકની નોટો આવવાના સમાચાર બાદ સામાન્ય લોકોમાં કાગળની નોટો બંધ થવાનો ડર ફેલાયો હતો. જોકે, RBIએ આ અંગે સ્પષ્ટતા કરી છે કે હાલની કાગળની નોટો બંધ કરવામાં નહીં આવે. આયોજન મુજબ, શરૂઆતના તબક્કામાં કાગળ અને પ્લાસ્ટિક બંને પ્રકારની નોટો બજારમાં એકસાથે ચલણમાં રહેશે.
પ્લાસ્ટિક (પોલિમર) નોટોની મુખ્ય વિશેષતાઓ:
અત્યંત ટકાઉ અને મજબૂત: આ નોટો ખાસ ‘સિન્થેટિક પોલિમર’ મટિરિયલમાંથી બનાવવામાં આવે છે, જે સામાન્ય કાગળની સરખામણીએ અનેક ગણી વધારે મજબૂત હોય છે. વારંવાર વાપરવાથી કે ખિસ્સામાં રાખવાથી તે કાગળની જેમ સરળતાથી ફાટતી કે ઘસાતી નથી.
સંપૂર્ણપણે વોટરપ્રૂફ: આ કરન્સી વોટરપ્રૂફ હોય છે, જેથી જો ભૂલથી પાણીમાં પલળી જાય કે ધોવાઈ જાય તો પણ તેને કોઈ નુકસાન થતું નથી.
લાંબા સમય સુધી સ્વચ્છ: કાગળની નોટોની સરખામણીએ આના પર ધૂળ કે મેલ ઝડપથી ચોંટતો નથી, જેના કારણે તે લાંબા સમય સુધી ગંદી થયા વગર સ્વચ્છ રહે છે.
નકલી નોટો પર અંકુશ: પોલિમર નોટો આવ્યા બાદ નકલી નોટો (Fake Currency) બનાવવી લગભગ અશક્ય બની જશે. તેમાં પારદર્શક હોલોગ્રામ અને અત્યાધુનિક સિક્યોરિટી ફીચર્સ ઉમેરવામાં આવે છે, જેની નકલ કરવી અસામાજિક તત્વો માટે ખૂબ જ મુશ્કેલ છે.
