કાળા ઉનાળે તો આમેયે મચ્છરો ઓછા થઇ જાય છતાં મનપાની ઓનપેપર મજબૂત કામગીરી
મચ્છરોને ડામવા એક સપ્તાહમાં ૨૩૦૭૮ ઘરોમાં પોરાનાશક કામ કર્યું: શહેરમાં એક જ માણસને મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયા ચોપડે ગાયબ
રાજકોટ મહાપાલિકા દ્વારા મચ્છર ભગાવો અભિયાન ચાલુ જ રહે છે. શિયાળા, ચોમાસામાં મચ્છરોનો અસહ્ય ઉપદ્રવ હોય છે. કાળા ઉનાળે આકરાં તાપમાનો આમેય મચ્છરો ઓછા જ થઈ જાય આમ છતાં મનપા દ્વારા મચ્છરો નિયંત્રિત કરવા ઓનપેપર મજબૂત કામગીરી કરાઈ કે બતાવાઈ છે.
આ પણ વાંચો: બાળ સંરક્ષણ ગૃહમાં હજુ ચાર બાળકો લાપત્તા
મનપાની આરોગ્ય શાખાના સાપ્તાહિક રિપોર્ટમાં તા.૮થી તા.૧૪ સુધી શહેરમાં ૨૩૦૭૮ ઘરોમાં પોરાનાશક કામગીરી કરાઈ, ૧૩૯ ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું. આ ઉપરાંત મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વ્હિકલ માઉન્ટેન ફોગીંગ કામગીરી તથા સોસાયટી, જાહેર માર્ગો તથા જ્યાં જનસમૂદાય વધુ એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારોમાં ફોગીંગ કામગીરી કરાઈનો દાવો કરાયો છે. આ ઉપરાંત જ્યાં મચ્છરો મળ્યા તેવા ૫૫૮ વ્યવસાયિક એકમોમાં ૧૦૭ રહેણાંકો તથા ૩૭૧ કોમર્શિયલ જગ્યાઓમાં નોટિસ અપાઈ.
મહાપાલિકાના ચોપડે સપ્તાહમાં મેલેરિયાનો શહેરમાં માત્ર એક જ દર્દી જ્યારે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા તો સાવ છે જ નહીં. શરદી-ઉધરસના ૪૪૨, સામાન્ય તાવના ૫૩૯, ઝાડા-ઉલ્ટીના ૨૧૩ કેસ તો ટાઈફોઈડ, કોલેરા, મરડાનો કોઈ મરીઝ શહેરમાં છે જ નહીં. એક વ્યક્તિને કમળો થયાનું નોંધાયું છે. પાણીજન્ય રોગ અટકાવવા ૨૦૫૬ ક્લોરીન ટેસ્ટ કરાયા છે.
