રાજકોટના હરિહર ચોકમાં વોંકળો પાક્કો કરવાનું કામ હજુ દોઢ મહિનો ચાલશે
જૂલાઈના અંત સુધીમાં રસ્તો શરૂ થઈ જશે: સાત મહિનાનું કામ દસ મહિને પૂરું થશે
ગત વર્ષે ૨૦ સપ્ટેમ્બરથી બંધ પડેલા હરિહર ચોકના વોંકળાને પાક્કો કરવાનું કામ હજુ દોઢ મહિનો ચાલનાર હોવાથી વાહનચાલકોએ હેરાન થવું પડશે. મહાપાલિકા દ્વારા શહેરના હાર્દસમાન હરિહર ચોકમાં બોક્સ કલ્વર્ટ તેમજ વોંકળા ફરતે રિટેઈનિંગ વોલ બનાવવાનું એટલે કે વોંકળો પાક્કો કરવાનું કામ ચાલી રહ્યું હોય જૂલાઈના અંત સુધીમાં તે પૂર્ણ થયા બાદ અહીંથી વાહનો દોડતાં થઈ જશે. જ્યારે આ કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે સાત મહિનામાં પૂર્ણ થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હવે કામ દસ મહિને પૂર્ણ થાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો: બે નકલી પોલીસ 50 હજારનો તોડ કરતા પકડાયા
હવે વરસાદ શરૂ થનાર હોવાથી કામ ધીમું પડે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા વરસાદ પહેલાં જ મહત્તમ કામ પૂર્ણ કરી લેવાની દિશામાં દોડધામ ચાલી રહી છે. જૂલાઈના અંત સુધીમાં રસ્તો થઈ જવાને કારણે જન્માષ્ટમીમાં અહીંથી વાહનો સરળતાથી પસાર થઈ શકશે. એકંદરે છેલ્લા દસ મહિનાથી રસ્તો બંધ હોવાને કારણે અનેક વાહનચાલકોએ ફરી ફરીને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવું પડી રહ્યું હોય હવે તેમની ધીરજ પણ ખૂટી રહી છે.
