રાજ્યમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની તમામ બસ સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બનશે
-ST, BRTS અને AMTS ની તમામ બસ ઈવીમાં રૂપાંતરિત થશે
-ચાર્જીંગ માટેની સુવિધા વધારવા નવા પ્રોત્સાહન અપાશે
રાજ્ય સરકારે એક મહત્વના પગલામાં ડીઝલથી ચાલતી પબ્લિક ટ્રાન્સપોર્ટ બસને તબક્કાવાર બંધ કરવાનો અને તેના સ્થાને ઇલેક્ટ્રિક વાહનો મુકવાનો નિર્ણય લીધો છે. ખાસ કરીને એસ.ટી બસ અને બી.આર.ટી.એસ. બસ તેમ જ અમદાવાદમાં એ.એમ.ટી.એસ. ની હાલની બસના સ્થાને નવી ઇલેક્ટ્રિક બસ મુકવામાં આવશે. આ નિર્ણયથી ગ્રીન મોબિલીટીને પ્રોત્સાહન મળશે એટલું જ નહી કાર્બન ઉત્સર્જનને ઘટાડવામાં પણ ઉપયોગી સાબિત થશે.
આ પગલું નવી ઇલેક્ટ્રિક વાહન (EV) નીતિનો ભાગ છે, જે ટૂંક સમયમાં જાહેર થવાની અપેક્ષા છે. ગુજરાતે 2021 માં તેની પ્રથમ EV નીતિ રજૂ કરી હતી, જેમાં ઇલેક્ટ્રિક ફોર-વ્હીલર, થ્રી-વ્હીલર અને ટુ-વ્હીલરની ખરીદી માટે સબસિડી આપવામાં આવી હતી. જો કે, ચાર્જીંગ પોઈન્ટ ઓછા હોવાથી આવા ઇલેક્ટ્રિક વાહન અપનાવવામાં ગુજરાત પાછળ રહી ગયું છે.
આ પણ વાંચો: પેલેસ્ટાઇન સમર્થક વિદ્યાર્થીઓએ વોકઆઉટ કર્યું
એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, નવી નીતિ સમગ્ર ગુજરાતમાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ પર ભારે ધ્યાન કેન્દ્રિત કરશે. મોટા શહેરોમાં ચાર્જિંગ પોઈન્ટની સંખ્યા વાજબી છે, પરંતુ નાના શહેરો અને ગામડાઓમાં તેમની હાજરી હજુ પણ ઓછી છે. હાઇવે ચાર્જિંગ સુવિધાઓ પણ મર્યાદિત છે, એટલે લોકો ઇલેક્ટ્રિક વાહનો ખરીદવામાં ઓછો રસ રાખે છે.
આ અધિકારીએ કહ્યુ હતું કે, તાજેતરમાં વડાપ્રધાને ઇંધણ ઉપરની નિર્ભરતા ઘટાડવા માટે આહવાન કર્યું હતું અને તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સરકારી વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં તબદીલ કરવા તરફ આગળ વધી રહી છે. આ માટે સરકાર તેની ઈવી નીતિમાં પણ ફેરફાર કરી રહી છે. સરકાર ચાર્જીંગ સ્ટેશન શરુ કરવા માટે પણ નવા પ્રોત્સાહન આપવા માટે વિચાર કરી રહી છે.
