અયોધ્યામાં રામજન્મભૂમિ ડોનેશન ચોરી મામલામાં શું થયું ? જુઓ
અયોધ્યા : રામ મંદિર ડોનેશનની ચોરી મામલામાં 1 ની ધરપકડ
આરોપીના ઘરેથી રૂપિયા 10 લાખ છાણના જથ્થા નીચેથી મળ્યા; 3 સભ્યોની સીટની રચના; ગણતરી કરનાર કર્મી જ ચોર નીકળ્યો
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની નજર હેઠળ અયોધ્યા રામ મંદિરમાં આવતા અબજો રૂપિયાના દાનની ગણતરીમાં મોટી ગેરરીતિ અને ચોરી થઈ હોવાની આશંકા સાચી સાબિત થઈ રહી છે. ગત થોડા મહિનાઓથી મંદિરના ગર્ભગૃહ અને દાનપેટીમાંથી રોકડ રકમ ગાયબ થવાની ફરિયાદો બાદ ટ્રસ્ટના સત્તાવાર અનુરોધ પર ઉત્તર પ્રદેશ સરકારે કડક વલણ અપનાવ્યું છે. તપાસ દરમિયાન આરોપીના ઘરમાંથી રૂપિયા 10 લાખની રકમ મળી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા અને કૌભાંડીઓ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. 3 સભ્યોની સીટની રચના કરાઇ છે.
આ પણ વાંચો: ભારત સ્ટાર્ટઅપમાં દુનિયાનું ત્રીજું સૌથી મોટું કેન્દ્ર: મોદી
આ કૌભાંડની કડીઓ ત્યારે મજબૂત થઈ જ્યારે એસઓજી અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમે રામ મંદિરમાં દાનની રકમ ગણવાનું મુખ્ય કામ કરતા કર્મચારી લવકુશ મિશ્રાના ઘર પર દરોડો પાડ્યો હતો. લવકુશ રુદૌલીના શુજાગંજ વિસ્તારના મીનાપુર ફગૌલી ગામનો વતની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ ટીમને લવકુશના ઘરેથી આશરે 10 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી છે.
ચોંકાવનારી બાબત એ છે કે આ રકમ માત્ર ઘરની તિજોરી કે અલમારીમાં જ નહીં, પરંતુ તપાસ એજન્સીઓને ભટકાવવા માટે ઘરની પાછળ આવેલા ગોબરના ઢગલાની અંદર પ્લાસ્ટિકમાં લપેટીને દબાવી રાખવામાં આવી હતી. આ ઉપરાંત, અન્ય એક શંકાસ્પદ કર્મચારીની પણ અટકાયત કરવામાં આવી છે જે પણ કેશ કાઉન્ટિંગના કામ સાથે સીધો જોડાયેલો હતો.
ખેતરની જમીન ગીરવે મૂકી તેના નાણા હોવાનો બચાવ
બીજી તરફ, લવકુશ મિશ્રાના પિતા બચ્ચુલાલે મીડિયા સમક્ષ પોતાના પુત્રનો બચાવ કર્યો છે અને તેને સંપૂર્ણપણે નિર્દોષ ગણાવ્યો છે. તેમણે સ્વીકાર્યું હતું કે તપાસ ટીમમાં 6 સભ્યો આવ્યા હતા અને ઘરમાંથી 10 લાખ રૂપિયા જપ્ત કર્યા છે. જો કે, તેમણે દાવો કર્યો છે કે ફેઝાબાદમાં બની રહેલા નવા મકાન સાથે તેમના પુત્રના બેનામી નાણાંનો કોઈ સંબંધ નથી. મકાન બનાવવા માટે તેમણે પોતાની માલિકીની કૃષિ ભૂમિ (ખેતીની જમીન) ગીરો મૂકીને આ નાણાં મેળવ્યા હતા.
