વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં દુર્ઘટના: 1500°C ઉકળતું લિક્વિડ સ્ટીલ મજૂરો પર ખાબકતાં 8ના મોત, અનેક ગંભીર
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં કામ દરમિયાન એક ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં અત્યાર સુધીમાં 8 શ્રમિકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે અને અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. પ્લાન્ટના SMS-2 અને STC-3 વિભાગમાં ક્રેન દ્વારા આશરે 1,500°C તાપમાને ઉકળતા પીગળેલા લોખંડનું મોટું પાત્ર (લેડલ) ઉપર ઊંચકતી વખતે અચાનક અનિયંત્રિત થઈ ગયું હતું, જેથી આ ગરમ લાવા નીચે કામ કરી રહેલા મજૂરો પર પડ્યો હતો. આ ઘટનાને પગલે પ્લાન્ટમાં અફરાતફરી મચી ગઈ હતી. હાલ ફાયર બ્રિગેડની ટીમે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો છે અને ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
