સેલ્યુલર થેરાપી સેન્ટર પણ ઉપલબ્ધ: નાથાલાલ પારેખ કેન્સર ઈન્સ્ટીટ્યુટ ખાતે `પ્રોજેક્ટ રક્તજ્યોતિ’નો પ્રારંભ
ગંભીર બીમારીથી પીડિત દર્દીઓએ લાખો રૂપિયા ખર્ચી મુંબઈ, સુરત કે અમદાવાદ સુધી જવું પડશે નહીં
રાજકોટ કેન્સર સોસાયટી (નાથાલાલ પારેખ કેન્સર ઈન્સ્ટીટ્યુટ) ખાતે `પ્રોજેક્ટ રક્તજ્યોતિ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ થકી બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ (બીએમટી) અને સેલ્યુલર થેરાપી (કાર-ટી થેરાપી) સાથે હેમેટોલોજી (લોહીના કેન્સરના રોગ) માટે અલાયદો વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રકારનો અલગ વિભાગ સૌરાષ્ટ્ર-કચ્છમાં એકમાત્ર રાજકોટમાં જ ઉપલબ્ધ બન્યો છે. અહીં મલ્ટીપલ માયેલોમાથી પીડિત એક વૃદ્ધ મહિલા દર્દીમાં પ્રથમ સફળ ઓટોલોગસ હેમાટોપોઈટિક સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ પણ કરવામાં આવ્યો છે અને સફળ સારવાર બાદ દર્દીને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી છે.
આ પ્રોજેક્ટ હોસ્પિટલના ગવર્નિંગ કાઉન્સીલના પ્રમુખ ગૌરાંગ સંઘવીના નેતૃત્વ હેઠળ તેમજ તમામ ટ્રસ્ટીઓ જેમાં ડૉ.જે.જે.કલારિયા, હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર અને મોઢા તેમજ ગળાના કેન્સરના નિષ્ણાત ડૉ.ખ્યાતિ વસાવડાના દૃઢ સંકલ્પ, વ્યૂહાત્મક દૃષ્ટિકોણ અને અથાગ પરિશ્રમના પરિણામે સાકાર થયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રોજેક્ટ રક્તજ્યોતિ જેમાં લોહીને લગતા રોગ તેમજ બ્લડ કેન્સરની સારવારને સુલભ બનાવવાનો આ હેતુ છે. હવે દર્દીઓને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે લાખો રૂપિયા ખર્ચીને અમદાવાદ, મુંબઈ અને સુરત જેવા શહેરોમાં જવાની બહુ ઓછી જરૂરિયાત રહેશે.
આ પણ વાંચો: Re-NEET પરીક્ષાનું પેપર સેટ કરનારા માટે લોકડાઉન જેવા પ્રતિબંધો
આ વિભાગમાં હેમેટોલોજી, હેમેટો-ઓન્કોલોજી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન અને સેલ્યુલર થેરાપીનો સમાવેશ થાય છે જેનું નૃત્વ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડૉ.નિરાલી ચંદન દ્વારા કરવામાં આવશે. તેમની ટીમમાં ડૉ.મહર્ષિ ત્રિવેદી અને ડૉ.કેવલ કાલાવડિયા સામેલ છે. આ ઉપરાંત તેમની સાથે મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડૉ.અદિતી થાનકી અને ડૉ.પૂજા તન્ના પણ જોડાયેલા રહેશે. સાથે સાથે કુશળ નર્સિંગ સ્ટાફ, ટ્રાન્સ્પલાન્ટ કો-ઓર્ડિનેટર્સ અને મેડિકલ ઓફિસર્સની નિષ્ણાત ટીમ પણ કાર્યરત રહેશે.
અલાયદા આ વિભાગમાં લોહીના વિવિધ રોગ તેમજ બ્લડ કેન્સરનું નિદાન તેમજ સારવાર ઉપલબ્ધ રહેશે જેમાં તીવ્ર અને લાંબા સમયથી લ્યુકેમિયા, હોજકિન લિમ્ફોમા, નોન-હોજકિન લિમ્ફોમા અને અન્ય લિમ્ફોમા, મલ્ટીપલ માયેલોમા, એપ્લાસ્ટિક એનિમિયા અને બોન મેરો ફેલ્યર સિન્ડ્રોમ, બાળકોમાં જોવા મળતા વિવિધ હેમેટોલોજીકલ કેન્સલ અને રક્ત સંબંધિત રોગ, માયેલોડિસ્પ્લાસ્ટિક સિન્ડ્રોમ્સ, થેલેસેમિયા અને અન્ય હિમોગ્લોબિનોપથીઝ જેમાં સિકલ સેલ ડિસીઝ અને સંબંધિત રોગની સારવાર થશે.
અહીં અદ્યતન સારવારમાં ઓટોલોગસ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન, એલોજેનિક બોન મેરો ટ્રાન્સ્પ્લાન્ટ-સમાન સિબ્લિંગ ડોનર, હેપ્લો-આઈડેન્ટિકલ ડોનર, સમાન અનરિલેટેડ ડોનર અને કોર્ડ બ્લડ ડોનર દ્વારા ટોટલ બોડી ઈરેડિએશન થેરાપી, હાઈ-ડોઝ અને ઈન્ટેન્સિવ કીમોથેરાપી પ્રોટોકોલ્સ, કાર-ટી સેલ થેરાપી સહિતની સેલ્યુલર થેરાપીઝ, ઈમ્યુનોથેરાપી અને બીઆઈટીઈ થેરાપી, ટાર્ગેટેડ થેરાપી અને પ્રિસિઝન ઓન્કોલોજી, સ્ટેમ સેલ મેનિપ્યુલેશન, વ્યાપક સપોર્ટિંગ કેર અને ક્રિકિટલ કેર સહિતની સારવાર મળી શકશે. એકંદરે એક જ હોસ્પિટલમાં કેન્સર સંબંધિત તમામ સારવાર નિષ્ણાત તબીબોના માર્ગદર્શન હેઠળ ઉપલબ્ધ રહેશે.
છ મહિનામાં એક સાથે પાંચ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે તેવી વ્યવસ્થા કરાશે: ડૉ.ખ્યાતિ વસાવડા
કેન્સર હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર તેમજ મોઢા-ગળાના કેન્સરના નિષ્ણાત ડૉ.ખ્યાતિ વસાવડાએ જણાવ્યું કે હાલ હોસ્પિટલમાં એક બોનમેરો ટ્રાન્સ્પલાન્ટ રૂમ કાર્યરત કરાયો છે. આવનારા છ મહિનામાં વધુ ચાર રૂમ તૈયાર કરવામાં આવશે જે પછી એક સાથે પાંચ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ બની જશે જેથી દર્દીઓએ લાંબો ઈન્તેજાર કરવો પડશે નહીં. આ ઉપરાંત બોનમેરો ટ્રાન્સ્પ્લાન્ટ સહિતની સારવારનો ખર્ચ પાંચેક લાખ રૂપિયા જેવો થાય છે જે દર્દીઓ વિનામૂલ્યે કરાવી શકે તે માટે આયુષ્યમાન સહિતની યોજનાઓનો લાભ પણ ઝડપથી મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે હજુ સુધી પૈસાના વાંકે દર્દીઓની સારવાર થઈ ન હોય તેવું બન્યું નથી અને બનશે પણ નહીં તેવું ડૉ.ખ્યાતિ વસાવડાએ ભારપૂર્વક જણાવ્યું હતું.
