તબીબી આલમને કલંકિત કરતી ઘટના: સરકારી ડૉક્ટરે લાંચના બાકી પૈસા ન મળતા દિવ્યાંગ બાળકીનો પગ ફરી તોડી નાખ્યો!
માનવતા મરી પરવારી હોય અને તબીબી વ્યવસાયને કલંકિત કરતો એક અત્યંત ચોંકાવનારો અને કંપારી છૂટી જાય તેવો કિસ્સો ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાંથી સામે આવ્યો છે. અહીંની જિલ્લા હોસ્પિટલના એક ડૉક્ટરે ઓપરેશન પેટે મંગાયેલી ગેરકાયદેસર રકમના બાકીના પૈસા ન મળતા, ૧૪ વર્ષની માનસિક રીતે અસ્વસ્થ બાળકીનો પગ જબરદસ્તીથી વાળીને ફરીથી તોડી નાખ્યો હોવાનો સળગતો આક્ષેપ થયો છે. ન્યાય માટે ભટકતી લાચાર વિધવા માતા પોતાની માસૂમ દીકરીને લઈને કલેક્ટર કચેરીએ પહોંચતા સમગ્ર વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
કલેક્ટરના મફત સારવારના આદેશને પણ ઘોળીને પી ગયા!
પીડિત વિધવા માતા રેશમાના જણાવ્યા અનુસાર, આશરે દોઢ મહિના પહેલાં તેની ૧૪ વર્ષની માનસિક રીતે અસ્વસ્થ દીકરીના જમણા પગના હાડકાનું ઓપરેશન કરવાનું હતું. હોસ્પિટલના સ્ટાફે આ માટે ₹૨૫,૦૦૦ની લાંચ માંગી હતી. ગરીબ માતાએ પોતાની લાચારી વ્યક્ત કરી તો સારવારની ના પાડી દેવાઈ. આખરે મહિલાએ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (ડીએમ) સમક્ષ ગુહાર લગાવતા, તેમણે ચીફ મેડિકલ ઓફિસર (સીએમઓ)ને મફત સારવાર કરવાનો કડક આદેશ આપ્યો હતો. આમ છતાં, હોસ્પિટલના ભ્રષ્ટ કર્મચારીઓએ કલેક્ટરના આદેશને ઘોળીને પી જઈ મહિલા પાસેથી ગેરકાયદેસર રીતે ૮,૦૦૦ પડાવી લીધા હતા અને બાકીના પૈસા પછીથી આપવાની શરતે ઓપરેશન કર્યું હતું.
ચેકઅપના બહાને બોલાવી ઘૂંટણ જબરદસ્તીથી વાળ્યું, હાડકું તૂટવાનો અવાજ આવ્યો
આ હૃદયદ્રાવક ઘટનાની વિગત આપતા રેશમાએ જણાવ્યું કે, ઓપરેશનના થોડા દિવસો બાદ ડૉક્ટરે દીકરીનો પગ વાળવાના બહાને ચેકઅપ માટે બોલાવી હતી. ડૉ. ચતુર્વેદીએ બાકીના પૈસાની ઉઘરાણી કરી, પરંતુ રકમ ન મળતા તેમણે ગુસ્સામાં આવીને બાળકીના પગનું ઘૂંટણ અત્યંત જબરદસ્તીથી વાળી દીધું. માસૂમ બાળકી દર્દથી ચીસ પાડી ઉઠી અને તેના પગમાંથી હાડકું તૂટવાનો સ્પષ્ટ અવાજ આવ્યો હતો. આ ક્રૂરતા આચર્યા બાદ ડૉક્ટરોએ પીડિત પરિવારને હોસ્પિટલમાંથી ભગાડી મૂક્યો હતો. બાદમાં બહારથી કરાવેલા એક્સ-રે રિપોર્ટમાં બાળકીના પગનું હાડકું ફરીથી તૂટી ગયું હોવાનું સત્તાવાર રીતે બહાર આવ્યું છે.
ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ન્યાયની ગુહાર: તપાસના આદેશ
લાચાર માતાએ આ ગંભીર ભ્રષ્ટાચાર અને અમાનવીય કૃત્ય અંગે હોસ્પિટલના વરિષ્ઠ ડૉક્ટરોને રજૂઆત કરી હતી, પરંતુ કોઈએ તેની વાત સાંભળી નહોતી. આખરે મામલો મીડિયા અને ઉચ્ચ વહીવટી સ્તરે પહોંચતા તંત્ર સળવળ્યું છે.
બીજા પક્ષને સાંભળ્યા વગર કંઈ કહેવું ઉતાવળ ગણાશે, પણ તપાસ કડક થશે: સીએમઓ
આ ચકચારી મામલે મુઝફ્ફરનગરના ચીફ મેડિકલ ઓફિસર (સીએમઓ) સુનિલ તેવતિયાએ જણાવ્યું છે કે, આ એક અત્યંત ગંભીર પ્રકરણ છે. અત્યારે બીજા પક્ષ (ડૉક્ટર)ની દલીલ સાંભળ્યા વિના કોઈ આખરી નિષ્કર્ષ પર આવવું વહેલું ગણાશે. જોકે, તેમણે ખાતરી આપી છે કે આ મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જો તપાસમાં હોસ્પિટલના કર્મચારીઓ કે સંબંધિત ડૉક્ટર દોષિત સાબિત થશે, તો તેમની સામે આકરી કાનૂની અને ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે.
એક તરફ સરકાર ગરીબોને મફત અને ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓ આપવાના દાવા કરે છે, ત્યારે બીજી તરફ કલેક્ટરના આદેશ બાદ પણ બનેલી આ ઘટનાએ સમગ્ર સરકારી આરોગ્ય તંત્રની સંવેદનશીલતા પર મોટા સવાલો ઊભા કર્યા છે.
