સોનમ વાંગચુકને મેદાંતા હોસ્પિટલમાં ખસેડવા હાઈકોર્ટનો આદેશ
સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય મામલે દિલ્હી હાઈકોર્ટે મોટો નિર્ણય લીધો. કોર્ટે તેમને તેમની પસંદગીની મેદાંતા હોસ્પિટલમાં ખસેડવાનો આદેશ આપ્યો છે. સાથે જ મેદાંતાને નિષ્ણાત ડોક્ટરોની પેનલ બનાવીને સત દેખરેખ રાખવાનો નિર્દેશ પણ આપ્યો. સરકારે ટ્રાન્સફરનો વિરોધ ન કર્યો, પરંતુ તબીબી સલાહ વિરુદ્ધ ડિસ્ચાર્જ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી.
હાઈકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ
દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કારિયાની બેન્ચે આ મામલે સુનાવણી કરી. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે સોનમ વાંગચુકને તાત્કાલિક મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવે.
કોર્ટે મેદાંતા હોસ્પિટલને નિષ્ણાત ડોક્ટરોની પેનલ બનાવવાનો અને વાંગચુકના તમામ મેડિકલ રિપોર્ટ્સ તે પેનલને સુપરત કરવાનો આદેશ આપ્યો. કોર્ટે એમ પણ કહ્યું કે આ મામલે સંપૂર્ણ અને વિગતવાર લેખિત આદેશ બપોરના ભોજન બાદ આપવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદ: મેકડોનાલ્ડમાં મોટી ભૂલ, વેજ બર્ગરને બદલે નોનવેજ મળતા નરોડા શાખા સીલ
સરકારની શરત: તબીબી સલાહ વિરુદ્ધ ડિસ્ચાર્જ નહીં
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલે કોર્ટને જણાવ્યું કે સરકારને વાંગચુકને મેદાંતામાં ખસેડવા સામે કોઈ વાંધો નથી. પરંતુ સરકારે એક મહત્વની શરત મૂકી.
સરકારનું કહેવું છે કે વાંગચુકને ડોક્ટરોની સલાહ વિરુદ્ધ હોસ્પિટલમાંથી રજા ન આપવી જોઈએ. સોલિસિટર જનરલે ચિંતા વ્યક્ત કરી કે વાંગચુકની આસપાસના કેટલાક લોકો તેમને હોસ્પિટલમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે પ્રશ્ન કર્યો કે “જો વાંગચુક વિરોધ સ્થળે પાછા ફરે અને તેમને કંઈ થાય તો જવાબદાર કોણ?” સરકાર આ મામલે કોઈ જોખમ લઈ શકે નહીં.
ડોક્ટરોનું મંતવ્ય: સતત દેખરેખ જરૂરી
કોર્ટે મેડિકલ રિપોર્ટ વાંચ્યા બાદ અને ડોક્ટરો સાથે ચર્ચા કર્યા બાદ નોંધ્યું કે તમામ ડોક્ટરો આ વાત પર સહમત છે કે વાંગચુકના સ્વાસ્થ્ય પર સત દેખરેખ રાખવી જરૂરી છે.
જોકે દેખરેખ ક્યાં રાખવી તે અંગે મતભેદ હતા. ડૉ. ટંડને દલીલ કરી કે હોસ્પિટલમાં જ દેખરેખ રાખવી જોઈએ જેથી જરૂર પડે તો તાત્કાલિક સારવાર મળી શકે.
આ તમામ દલીલો બાદ કોર્ટે વાંગચુકની ઈચ્છાને માન આપીને તેમને મેદાંતા હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો.
સુરક્ષા અને દેખરેખ પર પણ ચર્ચા
સુનાવણી દરમિયાન સરકાર અને વાંગચુકના પક્ષ વચ્ચે તેમની ક્યાં અને કેવી રીતે દેખરેખ રાખવી તે અંગે પણ ચર્ચા થઈ. કોર્ટે કહ્યું કે દર્દીની સલામતી સૌથી મહત્વની છે.
