રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન કરાયું તે રસ્તે 1 કરોડથી વધુના ખર્ચે બનશે સ્લેબ કલ્વર્ટ: આવતી કાલથી રોડ બનાવવાનું શરૂ
રાજકોટ જ નહીં બલ્કે આખા ગુજરાતમાં ચર્ચાની એરણે ચડેલા વોર્ડ નં.16ના જંગલેશ્વર વિસ્તારમાં 1500થી વધુ ગેરકાયદેસર મકાનો-દુકાનો સહિતના દબાણ ઉપર બૂલડોઝર ફેરવી દઈ સવા કિલોમીટર સુધીનો રસ્તો ખુલ્લો કરાવ્યા બાદ હવે આવતીકાલે શનિવારથી અહીં પાક્કો રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે. આ કામનું ખાતુમહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાશે. આ સાથે જ જ્યાં ડિમોલિશન કરાયું ત્યાં વોંકળો પણ પસાર થઈ રહ્યો હોય હવે ત્યાં સ્લેબ કલ્વર્ટ બનાવવાનું ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે.
મહાપાલિકા દ્વારા બાપૂનગર સ્મશાનથી શરૂ કરી નાડોદાનગર વિસ્તારમાં વર્ષોથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણ તોડી પાડ્યાને એક મહિના કરતા વધુ સમય પસાર થઈ ગયો હોવા છતાં હજુ સુધી રસ્તો બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું ન હોય રોષ ફેલાઈ રહ્યો હતો. જો કે આવતીકાલે શનિવારે મુખ્યમંત્રી રાજકોટ આવી રહ્યા હોય તેમના હસ્તે આ રોડ બનાવવાના કામનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આ ઉપરાંત અત્યાર સુધી અહીં રસ્તો ન હોવાને કારણે પાણી ભરાયેલા રહેતા હતા. જો કે રસ્તો ખુલ્લો થઈ જવાથી હવે અહીં પાણી સરળતાથી પસાર થઈ શકે તે માટે ઉપર રસ્તો અને નીચે પાણીનું વહેણ યથાવત રહે તે પ્રકારે સ્લેબ કલ્વર્ટ બનાવવામાં આવશે. આ માટે મહાપાલિકા દ્વારા એક કરોડથી વધુના ખર્ચનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
