GSFC દ્વારા જૂની રિક્ષાઓને અપાયો શહેરના ઐતિહાસિક વારસાનો ‘ન્યૂ લુક’
રાજ્ય સરકાર દ્વારા વડનગરના સર્વાંગી વિકાસ માટે હાથ ધરાયેલી વિવિધ યોજનાઓને બળ પૂરું પાડતી GSFCની અનોખી પહેલ
પ્રવાસન અને વાહનવ્યવહાર વિભાગના સક્રિય લોજિસ્ટિક સપોર્ટથી પ્રોજેક્ટ કાર્યરત
પ્રતિ રિક્ષા ₹૫૦ હજારથી વધુના ખર્ચે રિક્ષાનું રિટ્રોફિટમેન્ટ: પ્રથમ તબક્કામાં ૨૧ રિક્ષાઓ તૈયાર
ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર ધરાવતા વડનગર શહેરને વિશ્વસ્તરીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સતત વિવિધ કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. સરકારના આ ભગીરથ પ્રયાસોમાં હવે રાજ્યના જાહેર સાહસો પણ સક્રિયપણે જોડાતાં પ્રવાસન ક્ષેત્રને નવો વેગ મળી રહ્યો છે.
આ જ શ્રેણી અંતર્ગત, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની (GSFC) દ્વારા તેના CSR ફંડમાંથી વડનગરની જૂની ઑટો રિક્ષાઓને શહેરના સમૃદ્ધ ઇતિહાસ અને ઐતિહાસિક ધરોહરની ઝાંખી કરાવતો નવો આકર્ષક લુક આપવાની એક વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે. વડનગર હેરિટેજ ઑટો પ્રોજેક્ટમાં રાજ્યના પ્રવાસન વિભાગ અને વાહનવ્યવહાર વિભાગ દ્વારા જરૂરી લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: સુપ્રિયા સુલેની પુત્રીના રિસેપ્શનમાં મોદી-પવારથી લઈને રાહુલ-અમિત શાહ એક મંચ પર
દર વર્ષે વડનગરમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે. આ પ્રવાસીઓ સમક્ષ શહેરની ‘યુનિક આઇડેન્ટિટી’ ઊભી થાય અને તેમને સ્થાનિક ઐતિહાસિક સ્થળોની સરળતાથી ઝાંખી મળે તે હેતુથી આ માળખાકીય પરિવર્તન કરાઈ રહ્યું છે. વડનગરમાં હાલ ૩૦૦થી વધુ રિક્ષાઓ નોંધાયેલી છે. પ્રવાસીઓને આકર્ષવા અને સ્થાનિક રિક્ષાચાલકોની રોજીરોટીમાં વધારો કરવાના આશયથી એક રિક્ષાના રિટ્રોફિટમેન્ટ પાછળ ₹૫૦ હજારથી વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. યોજનાના પ્રથમ તબક્કામાં ૨૧ રિક્ષાચાલકોએ પોતાની દાવેદારી નોંધાવી હતી, જેમના વાહનોનું નવીનીકરણ સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
સરકાર અને રાજ્યના જાહેર સાહસના આ સંયુક્ત પ્રયાસનો લાભ વધુમાં વધુ રિક્ષાચાલકો લઈ શકે તે માટે હજુ પણ નોંધણી પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે. જે રિક્ષાચાલકો પોતાની રિક્ષાને વડનગરના વારસાને દર્શાવતો નવો ઐતિહાસિક લુક આપવા માંગતા હોય, તેઓ વડનગર એસ.ટી. ડેપો ખાતે GSFCના પ્રતિનિધિનો સંપર્ક કરીને આ યોજનાનો લાભ મેળવી શકે છે.
સરકારના પ્રવાસન પ્રોત્સાહન કાર્યો સાથે સ્ટેટ PSUના આ જોડાણથી વડનગર આવતા સહેલાણીઓને શહેરની સંસ્કૃતિનો અનોખો અનુભવ મળશે અને સાથે સાથે સ્થાનિક રોજગારીને પણ મોટું પ્રોત્સાહન મળશે.
