Zomatoએ આપ્યો ઝટકો: હવે ઓનલાઇન ખાવાનું ઓર્ડર કરવું મોંઘું પડશે, કંપનીએ પ્લેટફોર્મ ફીમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
હાલનાં સમયમાં લોકોને ઓનલાઈન જમવાનું મંગાવવું વધારે પસંદ હોય છે. ત્યારેફૂડ ડિલિવરી કરતી કંપની ઝોમેટોએ તેના ગ્રાહકોને એક ઝટકો આપ્યો છે. કંપનીએ પ્લેટફોર્મ ફીમાં પ્રતિ ઓર્ડર રૂ.2.40નો વધારો કર્યો છે. જેની માહિતી એપ પર અપડેટ કરી દેવામાં આવી છે. આ વધારા સાથે હવે GST પહેલાની પ્લેટફોર્મ ફી રૂ.12.50 થી વધીને રૂ.14.90 થઈ ગઈ છે. જેના કારણે હવે ગ્રાહકોને પ્લેટફોર્મ ફીમાં પ્રતિ ઓર્ડર 19.2 ટકા રૂપિયા વધારે ચુકવવા પડશે. અહી ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2025માં જ ભાવ વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ટૂંકા ગાળામાં ફરી એકવાર ભાવ વધારો કરવામાં આવ્યો છે.
ઝોમેટોની મુખ્ય હરીફ કંપની સ્વિગી પણ પાછળ નથી. હાલમાં સ્વિગી તમામ કરવેરા (GST) સાથે પ્રતિ ઓર્ડર રૂ.14.99ની પ્લેટફોર્મ ફી વસૂલ કરી રહી છે. સામાન્ય રીતે આ બંને કંપનીઓ બજારમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે ચાર્જની બાબતમાં સમાનતા રાખતી હોય છે. આ ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને ડિલિવરી કામગીરીના વધતા ખર્ચને માનવામાં આવી રહ્યું છે.
રેપિડોની એન્ટ્રીથી સ્પર્ધા વધી..!!
એક તરફ જ્યારે કંપનીઓ ફી વધારી રહી છે, ત્યારે શહેરી ગતિશીલતા સ્ટાર્ટઅપ રેપિડોએ બેંગલુરુમાં તેની નવી ફૂડ ડિલિવરી સેવા ‘ઓનલી’ (Only) શરૂ છે. રેપિડોએ જાહેરાત કરી છે કે તેઓ ગ્રાહકો કે રેસ્ટોરન્ટ્સ પાસેથી સ્ટાન્ડર્ડ ડિલિવરી ચાર્જ સિવાય કોઈ વધારાની પ્લેટફોર્મ ફી વસૂલશે નહીં. રેપિડોનું આ પગલું ઝોમેટો અને સ્વિગી જેવી કંપનીઓ પર દબાણ વધારી શકે છે.
ગ્રાહકોના ખિસ્સા પર સીધી અસર
ડિલિવરી પ્લેટફોર્મ પર સતત વધતા જતા વિવિધ ચાર્જીસને કારણે ગ્રાહકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. પ્લેટફોર્મ ફી, ડિલિવરી ફી અને GST જેવા વધારાના ખર્ચને કારણે ઓર્ડરનું કુલ બિલ સતત વધી રહ્યું છે. આગામી સમયમાં જો અન્ય શહેરોમાં પણ રેપિડો જેવી સેવાઓ વિસ્તરશે, તો ગ્રાહકો પાસે સસ્તા વિકલ્પો ઉપલબ્ધ થશે, પરંતુ હાલના તબક્કે તો ફૂડ પ્રેમીઓએ પોતાના મનગમતા ભોજન માટે વધુ કિંમત ચૂકવવી પડશે.
