LPGની અછત વચ્ચે રાજકોટ નજીક ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું: શાપર પોલીસનું કાર્યવાહી, 116 બાટલા જપ્ત
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને લઈને ભારતમાં એલપીજીની અછત સર્જાય છે જેને લઈને અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ઘરેલુ અને કોમર્શિયલ ગેસના બાટલા માટે લોકોની લાંબી રાહ જોવી પડી રહી છે ત્યારે રાજકોટના શાપરમાંથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે.

શું છે સમગ્ર મામલો?
રાજકોટ ગ્રામ્યના લોધિકા તાલુકાના પારડી ગામે ગેરકાયદે ગેસ રીફિલિંગ કરતા શાપર-વેરાવળ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ચૂલા રિપેરિંગની આડમાં ગેસ સિલિન્ડરનું રીફિલિંગ કરતા તત્વોને પકડી 116 ગેસ સિલિન્ડર સહિત રૂ.80,600નો મુદ્દામાલ કબજે કર્યો છે અને બે આરોપીઓ સામે ગુનો નોંધી તેમને ઝડપી લીધા છે.

પોલીસને મળેલી બાતમીના આધારે પારડી ગામે શીતળા માતાજી મંદિર ચોક નજીક આવેલી “સોનુ ગેસ એજન્સી એન્ડ રિપેરિંગ” નામની દુકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. દુકાનમાં ગેસ એજન્સી અને રિપેરિંગનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું, પરંતુ અંદર ગેરકાયદેસર રીતે કોઈપણ લાઇસન્સ વગર ગેસ સિલિન્ડર રીફિલિંગનું કામ ચાલતું હોવાનું સામે આવ્યું હતું.

તપાસ દરમિયાન દુકાનના સંચાલકો રવિરંજન કમલકિશોર બિંદ અને રાજીવ કમલકિશોર બિંદ (મૂળ બિહાર, હાલ કોટડાસાંગાણી તાલુકા નિવાસી) પાસે કોઈ માન્ય લાઇસન્સ ન મળતાં પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે દુકાનમાંથી 15 કિ.ગ્રા.ના 6 ભરેલા સિલિન્ડર, 4 કિ.ગ્રા.ના 7 સિલિન્ડર, 3 કિ.ગ્રા.ના 34 સિલિન્ડર, 7 ખાલી સિલિન્ડર, 34 ખાલી નાના સિલિન્ડર, ઈલેક્ટ્રિક વજનકાંટો, ગેસ રિપેરિંગ માટેની નળી અને રેગ્યુલેટર સહિતનો સામાન જપ્ત કર્યો હતો.
આ ઉપરાંત નજીકની બીજી દુકાનમાંથી પણ 15 કિ.ગ્રા.ના 9 સિલિન્ડર, 12 કિ.ગ્રા.ના 3 સિલિન્ડર, 19 કિ.ગ્રા.નો 1 સિલિન્ડર, 4 કિ.ગ્રા.ના 6 ભરેલા સિલિન્ડર અને 5 કિ.ગ્રા.ના 9 ખાલી સિલિન્ડર મળી આવ્યા હતા. આ રીતે કુલ 116 જેટલા ભરેલા અને ખાલી સિલિન્ડર કબજે કરાયા હતા.
