મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સર્જાયેલ લો-પ્રેશરના કારણે વરસાદની સિસ્ટમ મજબૂત બની ગુજરાત તરફ ફંટાતા ત્રણ દિવસ ગુજરાત-સૌરાષ્ટ્રને મેઘરાજાએ ધમરોળી નાખ્યા બાદ સિસ્ટમ પાકિસ્તાન તરફ ફંટાઈ ગઈ છે ત્યાં વધુ એક વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્રના સાગરકાંઠે જોવા મળી છે જે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
નૈઋત્ય ચોમાસુ મોડું બેઠા બાદ સૌરાષ્ટ્ર-કચ્છના અમુક તાલુકામાં હજુ દુષ્કાળ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે નવી સક્રિય બનેલી વરસાદી સિસ્ટમમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારને સૌથી વધુ લાભ મળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલ લો-પ્રેશરે ત્રણ દિવસ સુધી ગુજરાત-સૌરાષ્ટ્ર અને કચ્છને ધમરોળી નાખ્યા બાદ વરસાદી સિસ્ટમ નબળી પડતા સમગ્ર રાજ્યમાં વરાપ નીકળ્યો છે ત્યારે વધુ બે વરસાદી સિસ્ટમ સક્રિય બની છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નવી બે વરસાદી સિસ્ટમ આગામી 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર-ગુજરાતને ધમરોળશે જેમાં કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
જ્યારે ઉત્તર ગુજરાતમાં હળવા ઝાપટા તેમજ મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસુ સક્રિય થયા બાદ અત્યાર સુધીમાં સિઝનનો 84.74 ટકા વરસાદ નોંધાયો છે જેમાં દ્વારકા જિલ્લામાં સૌથી ઓછો 10.54 ટકા, પોરબંદરમાં 24.76 ટકા અને જામનગર જિલ્લામાં સરેરાશ 36.27 ટકા વરસાદ નોંધાયો છે.
