યુદ્ધની અસર: LPG બાદ દેશમાં દવાઓ મોંઘી થવાનો ખતરો, ઉદ્યોગ જગતના અગ્રણીઓએ આપી ચેતવણી, દવાઓની અછત ઊભી થવાનું જોખમ
પશ્ચિમ એશિયામાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની અસર હવે સીધી ભારતીયોના ખિસ્સા પર પડવાની તૈયારીમાં છે. અમેરિકી અને ઈઝરાયલી હુમલા બાદ સર્જાયેલી યુદ્ધની સ્થિતિને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. જેની ગંભીર અસર દેશના દવા ઉદ્યોગ પર જોવા મળી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, દવા બનાવવા માટે વપરાતા કાચા માલની કિંમતોમાં તોતિંગ વધારો થયો છે. હવે દવા મોંઘી થઈ શકે છે. સાથે દવાઓની અછત પણ ઊભી થવાનું જોખમ છે.
ફાર્મા ઉદ્યોગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દવા બનાવવા માટે અનિવાર્ય એવા ‘કી સ્ટાર્ટિંગ મટિરિયલ’ અને ‘એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ’ના ભાવમાં છેલ્લા એક અઠવાડિયામાં 5%થી લઈને 100% સુધીનો ઉછાળો આવ્યો છે. વૈશ્વિક અસ્થિરતા અને ડૉલરના ભાવમાં વધઘટને કારણે આયાત કરવી મોંઘી બની રહી છે.
ફાર્મા ઉદ્યોગમાં કાચા માલનો વેપાર ડૉલરમાં થાય છે. યુદ્ધની સ્થિતિમાં ડૉલર મજબૂત થતાં આયાત પાછળનો ખર્ચ વધી ગયો છે. આટલું ઓછું હોય તેમ મુખ્ય દરિયાઈ રસ્તાઓ યુદ્ધને કારણે બંધ અથવા જોખમી બન્યા છે. જહાજો અને કન્ટેનરો સમયસર બંદરો પર પહોંચી રહ્યા નથી, જેના કારણે લોજિસ્ટિક્સ ખર્ચમાં પણ 20થી 25 ટકાનો વધારો થયો છે. ભારત તેની જરૂરિયાતનું 65થી 70 ટકા એપીઆઈ અને ઇન્ટરમીડિએટ્સ ચીનથી મંગાવે છે, પરંતુ વૈશ્વિક પરિવહન ઠપ્પ થતાં આ સપ્લાય ખોરવાયો છે.
ઉદ્યોગ જગતના અગ્રણીઓએ ચેતવણી આપી છે કે, જો યુદ્ધ લાંબુ ચાલશે તો બજારમાં જીવનરક્ષક દવાઓની અછત સર્જાઈ શકે છે. હાલમાં નાના વેપારીઓ અને સપ્લાયરો પાસે સ્ટોક હોવા છતાં તેઓ યુદ્ધની સ્થિતિનો ફાયદો ઉઠાવી કિંમતો વધારી રહ્યા છે. અનેક ટ્રેડરોએ નવા ઑર્ડર લેવાનું પણ બંધ કરી દીધું છે. જો સ્થિતિ જલ્દી કાબૂમાં નહીં આવે, તો સામાન્ય માણસ માટે તાવ, શરદીથી લઈને ગંભીર બીમારીઓની દવાઓ ખરીદવી મોંઘી સાબિત થશે.
