કચ્છના નેશનલ હાઈવેને 650 કરોડના ખર્ચે ચકાચક કરાશે: પ્રવાસીઓ માટે ‘લાઈફલાઈન’ સમાન સાબિત થશે, સરહદી વિસ્તારમાં કનેક્ટિવિટી વધશે
કેન્દ્ર સરકારે કચ્છ જિલ્લાના રાષ્ટ્રીય રાજમાર્ગ ઉપરના આશરે 165.58 કિલોમીટર વિસ્તારને પેવ્ડ શોલ્ડર સાથે બે લેનમાં સુધારવાની મંજૂરી આપી છે. આ માટે કુલ 650.42 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હોવાની જાહેરાત કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કરી છે. આ નિર્ણયથી સરહદી વિસ્તારમાં જોડાણ વધશે અને રણોત્સવ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આવતા પ્રવાસીઓ માટે આ માર્ગ જીવનદોરી સમાન સાબિત થશે.
નીતિન ગડકરીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે સરકારે રાષ્ટ્રીય રાજમાર્ગ 754K પર લખપત-ગડુલી-ઝારા-હાજીપીર-ખાવડા-કંદવાન-ધોળાવીરા માર્ગખંડને પેવ્ડ શોલ્ડર સાથે બે લેનમાં સુધારવાની મંજૂરી આપી છે. આ વિસ્તારોને રાજમાર્ગ સાથે વધુ સારી જોડાણ મળશે.
આ પણ વાંચો :ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં તાપમાન 41 ડિગ્રીને પાર, હવામાન વિભાગ દ્વારા હીટવેવ એલર્ટ જારી
આ નવા માર્ગખંડથી કચ્છના સરહદી વિસ્તારોની જોડાણ સુવિધા સુધરશે અને પ્રવાસન સ્થળોએ પહોંચવું વધુ સરળ બનશે. રાજમાર્ગના સુધારાથી કચ્છના મીઠા અને ખનિજ ઉદ્યોગોના પરિવહનને પણ મોટો વેગ મળશે, જે પ્રાદેશિક આર્થિક વિકાસમાં મદદરૂપ થશે.
કચ્છમાં દર વર્ષે અનેક તહેવારો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે, જેની પહોંચ આ માર્ગખંડ પર નિર્ભર કરે છે. આ રાજમાર્ગ કચ્છમાં પ્રમુખ ખનિજ અને મીઠા ઉદ્યોગના માલના આવનજાવનને વધુ સુગમ બનાવશે, જેના કારણે ક્ષેત્રીય આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે.
કચ્છમાં હાલ રસ્તાઓ પર ભીડભાડ અને અકસ્માતોનું પ્રમાણ વધુ છે. તેથી પેવ્ડ શોલ્ડર સાથે બે લેન સુધારવાથી અકસ્માતોનું પ્રમાણ ઘટશે, માર્ગ સુરક્ષામાં સુધારો આવશે અને વાહન સંચાલનમાં જાળવણી ખર્ચ પણ ઘટશે. પરિણામે પેટ્રોલ-ડીઝલની બચત પણ થશે.
