ટીમ ઈન્ડિયાની જીતનો જશ્ન: વડાપ્રધાન મોદી સાથે ખેલાડીઓ કરશે મુલાકાત, મુંબઈમાં નીકળશે વિક્ટરી પરેડ, જાણો ક્યારે યોજાશે કાર્યક્રમ
ટી-20 વર્લ્ડકપમાં ઐતિહાસિક જીત બાદ ક્રિકેટપ્રેમીઓને ટીમ ઈન્ડિયાની ભવ્ય વિજય પરેડનો ઈન્તેજાર છે. જો કે BCCI દ્વારા હજુ આ અંગે સત્તાવાર કાર્યક્રમ જાહેર કરાયો નથી, પરંતુ બોર્ડના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ચેમ્પિયન ખેલાડીઓ માટે એક શાનદાર રોડ-શોની તૈયારી ચાલી રહી છે.
સૂત્રોએ જણાવ્યું કે ટીમ ઈન્ડિયાના ખેલાડી પહેલાં નવીદિલ્હી જશે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેલાડીઓને આવકારશે અને તેમને સન્માનિત કરશે. વડાપ્રધાન સાથેની મુલાકાત દરમિયાન ખેલાડી પોતાના અનુભવ વર્ણવશે અને ટ્રોફી સાથે ફોટોસેશન કરશે. દિલ્હીમાં સત્તાવાર મુલાકાત બાદ અસલ ઉજવણી મુંબઈના રસ્તાઓ ઉપર કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો :શસ્ત્રો ખરીદવામાં ભારત આગળ: વિશ્વમાં બીજો સૌથી મોટો શસ્ત્રોનો આયાતકાર દેશ બન્યો, રશિયા ઈન્ડિયાનો મુખ્ય ભાગીદાર
મુંબઈમાં આયોજિત થનારી આ પરેડ 2007 અને 2024ની યાદ તાજી કરી શકે છે. નરીમન પોઈન્ટથી લઈને વાનખેડે સ્ટેડિયમ સુધી ખુલ્લી બસમાં ખેલાડીઓને રોડ-શો કરાઈ શકે છે. પાછલી વખતે મરીન ડ્રાઈવ પર ઉમટી પડેલી ભીડ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખી આ વખતે મુંબઈ પોલીસ અને વહીવટી તંત્ર ભીડને કાબૂમાં રાખવા માટે વિશેષ સુરક્ષા યોજના તૈયાર કરી રહ્યા છે જેથી ચાહકો સુરક્ષિત માહોલમાં ઉજવણી કરી શકે. પરેડનું સમાપન વાનખેડે સ્ટેડિયમમાં થઈ શકે છે. આ માટે સંભવિત તારીખ 11 અથવા 12 માર્ચ નક્કી કરવામાં આવી રહી છે. અહીં જ ખેલાડીઓને ઈનામની રકમના ચેક આપવામાં આવશે.
