રાજકોટના જંગલેશ્વરના ડિમોલિશનનો THE END: આજે રસ્તો થશે ‘ક્લિયર’: કાટમાળ ઉઠાવવાનું યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાયું
રાજકોટના વોર્ડ નં. 16માં આવેલા જંગલેશ્વર વિસ્તારમાં ઐતિહાસિક ‘તોડફોડ’ એટલે કે મહાપાલિકા દ્વારા ડિમોલિશન કરી 1509 ગેરકાયદેસર મિલકતો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. સોમવારે સવારે 7:30 વાગ્યાથી શરૂ થયેલું ડિમોલિશન મંગળવારે સાંજે 7:30 વાગ્યે પૂર્ણ જાહેર કરાયા બાદ યુદ્ધના ધોરણે વિસ્તારમાંથી લાખો કિલો કાટમાળ ઉઠાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે અને આજે બુધવારે સાંજ સુધીમાં રસ્તો પણ ‘ક્લિયર’ કરી નાખવાનો દાવો નાયબ મ્યુનિસિપલ કમિશનર મહેશ જાની દ્વારા કરવામાં આવ્યો હતો.
પત્રકારોને સંબોધતા તેમણે જણાવ્યું કે સોમવારની તુલનાએ મંગળવારે ડિમોલિશનની કાર્યવાહી થોડી ધીમી રહી હતી. પ્રથમ દિવસે 1119 દબાણ દૂર કર્યા બાદ બીજા દિવસે એટલે કે મંગળવારે 609 દબાણ દૂર કરવાના હતા, પરંતુ આ મકાનો ખૂબ મોટા અને ઊંચા હોવાથી તેને તોડવામાં વધુ સમય લાગ્યો હતો. ઉપરાંત પાર્ટ ડિમોલિશન એટલે કે કોઈનું 10 ફૂટનું મકાન કે દુકાન હોય તો તેમાંથી 7 ફૂટ જ તોડવાનું નક્કી કરવામાં આવ્યું હોય, વધારાનું બાંધકામ તૂટી ન જાય તેનું ધ્યાન પણ રાખવામાં આવ્યું હતું. ખાસ કરીને મંગળવારે ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત બે માળના મકાન તોડવા માટે હિટાચી મશીન અપૂરતા હોવાથી વધારાના 5 મશીન મંગાવીને આવા ઊંચા મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું કે કુલ 42 બ્લોકમાંથી 35 બ્લોકનું કામ મંગળવારે બપોર સુધીમાં પૂર્ણ થઈ ગયું હતું, જ્યારે 1 બ્લોકનો કાટમાળ પણ મંગળવારે બપોર સુધીમાં જ ક્લિયર કરી નાખવામાં આવ્યો હતો. હવે આજે બુધવારે આખો દિવસ કાટમાળને કોઠારિયાની ખાણમાં નાખવાનું કામ કરાશે, જે સાંજ સુધી ચાલશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ આજે સાંજે જ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રોડ પહોળો કરવાના પ્લાનિંગને આખરી ઓપ આપવામાં આવશે. એકંદરે ગુરુવારથી સોમવાર સુધીના કોઈ પણ દિવસે રોડ પહોળો કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે અને 10 દિવસમાં રોડ પહોળો કરી દેવામાં આવશે.
એક સમય હતો જ્યારે એક સાથે બે રિક્ષા પણ નીકળી શકતી ન હતી, આજે ટ્રક પસાર થવા લાગ્યા!
જંગલેશ્વરમાં ટાઉન પ્લાનિંગ રોડ ઉપર એટલા ગેરકાયદેસર દબાણ ઉભા થઈ ગયા હતા કે એક સાથે બે રિક્ષા પણ પસાર થઈ શકતી ન હતી. ડિમોલિશન બાદ રસ્તો પહોળો થઈ જતા હવે ટ્રક પણ પસાર થવા લાગ્યા છે. મહાપાલિકાના ટ્રક, જેસીબી સહિતના વાહનો હવે આ રસ્તેથી પસાર થઈ રહ્યા છે. રસ્તો સંપૂર્ણ તૈયાર થયા બાદ અહીં લોકોનું આવાગમન વધુ સરળ બની જશે.
