સૌરાષ્ટ્રમાં રોકાણ કરવાનો આ શ્રેષ્ઠ સમય: વડાપ્રધાન મોદીએ કહ્યું- રોકાણ કરવામાં મોડું થઈ જાય તો મને દોષ ન આપતા
દેશના ટોચના ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, કરણ અદાણી, બાલકૃષ્ણ ગોએન્કા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતનાની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ-2026નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્યોગપતિઓની નોંધપાત્ર હાજરી વચ્ચે મુકેશભાઈ અંબાણી, કરણ અદાણી, બાલકૃષ્ણ ગોએન્કા સહિતનાએ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વાઈબ્રન્ટ સમિટને સંબોધિત કરતા ભારત સહિત આખા વિશ્વને ઈજન આપતાં કહ્યું હતું કે સૌરાષ્ટ્રમાં રોકાણ માટેનો આ જ શ્રેષ્ઠ સમય છે.

નરેન્દ્રભાઈ મોદીએ સંબોધનમાં ઉમેર્યું કે હું ઉપસ્થિત સૌ લોકોને અત્યારથી જ કહું છું કે અત્યારે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં રોકાણ કરી દો, જો મોડું થઈ જાય તો પછી મને દોષ ન આપતા કેમ કે તમે રોકેલો એક-એક પૈસો ઉમદા વળતર અપાવશે. આ પાછળના કારણ જણાવતાં વડાપ્રધાને કહ્યું કે ગુજરાતમાં ઑસ્ટ્રેલિયાની બે ટોચની યુનિવર્સિટી કાર્યરત થઈ ચૂકી છે. અહીં એજ્યુકેશન અને સ્કીલ ડેવલપમેન્ટની ઈકોસિસ્ટમ છે. ગતિશક્તિ યુનિવર્સિટી, રોડ, રેલવે સહિતના ક્ષેત્રો માટે મેનપાવર તૈયાર કરે છે. રોકાણની સાથે સાથે અહીં પ્રતિભાની પાઈપલાઈન પણ તૈયાર છે.

ગુજરાતમાં રોડ હોય, રેલવે હોય કે પ્રવાસન હોય દરેક ક્ષેત્રમાં આ રાજ્ય હરણફાળ ભરી રહ્યું છે. અહીં નેચર, એડવેન્ચર અને હેરિટેજ છે. લોથલમાં દુનિયાનું સૌથી મોટું પ્રાચીન માનવ નિર્મિત ડોકયાર્ડ મળ્યું છે જે સમુદ્રી વારસાનું પ્રતીક છે. નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્સ પણ અહીં તૈયાર થઈ રહ્યું છે. કચ્છમાં રણ ઉત્સવ ચાલી રહ્યો છે. ગીરના જંગલમાં સિંહને વિહરતા જોવા માટે દર વર્ષે નવ લાખ પર્યટકો આવે છે. શિવરાજપુર બીચ, માંડવી, સોમનાથ, દ્વારકાના બીચ તેમજ દિવ પણ વોટર ગેમ્સનું ઉમદા સ્થળ બની રહ્યું છે.

વડાપ્રધાને આગળ જણાવ્યું કે હું પહેલાં દિવસથી વાઈબ્રન્ટ સમિટ સાથે જોડાયેલો છું. 2026નું વર્ષ શરૂ થયા બાદ ગુજરાતમાં મારો આ પ્રથમ પ્રવાસ છે જે સુખદ રહ્યો છે કેમ કે સોમનાથ દાદાનાં ચરણોમાં મે શિશ ઝુકાવી ધન્યતા અનુભવી છે તો રાજકોટમાં આયોજિત આ કાર્યક્રમમાં સહભાગી થઈ વિકાસ અને વિરાસત બન્ને જાળવી રાખ્યાનો મંત્ર પણ ચારેય દિશામાં ગુંજી રહ્યો છે.
વિશ્વમાં અસ્થિરતા, ભારતમાં સ્થિરતા

વડાપ્રધાને કાર્યક્રમને સંબોધન કરતા એમ પણ જણાવ્યું કે વિશ્વમાં આજે અનિશ્ચિતતાઓ પ્રવર્તી રહી છે જે વાતનો કોઈ ઈનકાર ન કરી શકે પરંતુ ભારતીય રાજકીય સ્થિરતા જોવા મળી રહી છે. આ પાસાએ ભારતમાં અસંખ્ય સંભાવનાઓ હોવાની સ્થિતિનું નિર્માણ કર્યું છે. ખાસ કરીને મધ્યમ વર્ગની ખરીદશક્તિમાં વધારો થઈ રહ્યાનું પણ તેમણે ટાંક્યું હતું. ભારત દુનિયાની ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બનવા જઈ રહ્યું છે તેમાં ગુજરાતનો પણ સિંહફાળો રહ્યો છે.
