અકસ્માત પીડિતોને રૂપિયા 1.5 લાખ સુધી કેશલેસ સારવાર: અકસ્માતો રોકવા વાહનોમાં લગાવવામાં આવશે ચિપ,ગડકરીની જાહેરાત
દેશમાં વધી રહેલા માર્ગ અકસ્માતોને રોકવા માટે કેન્દ્ર સરકાર હવે એક અત્યાધુનિક ટેકનોલોજી લાવવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે જાહેરાત કરી કે સરકાર વાહન-થી-વાહન(V2V) સંચાર માટે વાયરલેસ ટેકનોલોજી લાવવા પર કામ કરી રહી છે, જે અકસ્માતોને રોકવામાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
ગડકરીએ જાહેરાત કરી છે કે વડાપ્રધાન મોદી ટૂંક સમયમાં જ સમગ્ર ભારતમાં માર્ગ અકસ્માતના પીડિતો માટે કેશલેસ સારવાર યોજના શરૂ કરશે. આ યોજના હેઠળ, પીડિતોને અકસ્માતની તારીખથી મહત્તમ સાત દિવસના સમયગાળા માટે, પ્રતિ પીડિત પ્રતિ અકસ્માત રૂપિયા 1.5 લાખ સુધીની કેશલેસ સારવાર મેળવવાનો અધિકાર હશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સમયસર તબીબી સારવારના અભાવે થતા મૃત્યુની સંખ્યા ઘટાડવાનો છે.
દરમિયાનમાં (વ્હીકલ-ટુ-વ્હીકલ) સંચાર ટેકનોલોજીની મદદથી, રસ્તા પર ચાલતા વાહનો એકબીજા સાથે સીધો સંવાદ કરી શકશે. આનાથી ડ્રાઇવરને આસપાસના અન્ય વાહનોની ગતિ, સ્થિતિ, બ્રેક લગાવવાની માહિતી અને ખાસ કરીને અચાનક નજર ન આવતી જગ્યા(બ્લાઇન્ડ સ્પોટ) પર રહેલા વાહનો વિશે રીઅલ-ટાઇમ એલર્ટ મળશે. આ એલર્ટ મળતા જ ડ્રાઇવર સમયસર જરૂરી પગલાં લઈ શકશે, જેનાથી અકસ્માતોની આશંકા નોંધપાત્ર રીતે ઘટશે.
સિમ કાર્ડ જેવી ચિપ વાહનોમાં લાગી જશે,જે સંકેત આપશે
આ ટેકનોલોજી સિમ કાર્ડ જેવી ચિપ દ્વારા કામ કરશે, જેને વાહનોમાં લગાવવામાં આવશે. જ્યારે કોઈ વાહનની ખૂબ નજીક અન્ય કોઈ વાહન આવશે, ત્યારે તરત જ એલર્ટ મળશે. આ ટેકનોલોજી ગાઢ ધુમ્મસ દરમિયાન એકબીજા સાથે અથડાતા વાહનો અને ઉભેલા વાહનો સાથે પાછળથી થતી ટક્કરને રોકવામાં અત્યંત અસરકારક સાબિત થશે. આ ટેકનોલજી બધા આજ વાહન ચાલકો માટે ભારે ઉપકારક નીવડશે.
