રાજકોટના સ્થાપત્ય ગ્રીનસીટીમાં કરોડોનું મેઈન્ટેનન્સ કૌભાંડ: બિલ્ડર અને વહીવટકર્તાઓએ ફ્લેટ ધારકોની ડિપોઝીટ ડુબાડી
રાજકોટના કાંગસીયાળી વિસ્તારમાં આવેલા `સ્થાપત્ય ગ્રીનસીટી’ રહેણાંક પ્રોજેક્ટમાં ફ્લેટ ધારકોની લોહી-પસીનાની કમાણીના નાણાંમાં બિલ્ડરો અને વહીવટકર્તાઓએ મસમોટો ગેરવહીવટ કર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બિલ્ડરોએ રેરાના નિયમોને નેવે મૂકીને ફ્લેટ ધારકોની સંમતિ વગર મેઈન્ટેનન્સ ડિપોઝીટના કરોડો રૂપિયા મળતીયાઓના ખાતામાં ટ્રાન્સફર કરી દેતા આખરે મામલો ગોંડલ કોર્ટમાં પહોંચ્યો છે.
આ અંગેની વિગતો મુજબ, કાંગસીયાળી ખાતે સર્વે નં. 26/1 પર `શુભમ બિલ્ડકોન’ પેઢી દ્વારા સ્થાપત્ય ગ્રીનસીટી પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. બિલ્ડરોએ ફ્લેટ ધારકો પાસેથી 2-BHK માટે 1 લાખ અને 3-BHK માટે 1.50 લાખ મેઈન્ટેનન્સ ડિપોઝીટ તરીકે ઉઘરાવ્યા હતા. રેરાના નિયમ મુજબ આ રકમનો વહીવટ પારદર્શક રીતે કરવાનો હોય છે, પરંતુ બિલ્ડરે કોઈપણ મીિંટગ બોલાવ્યા વગર કે ઓડિટ કરાવ્યા વગર પોતાના મળતીયા એવા જીજ્ઞેશ વઘાસીયા અને કેતન અદોદરીયા જેવા વ્યક્તિઓને વહીવટ સોંપી દીધો હતો.બિલ્ડરોની મિલીભગતથી ફ્લેટ ધારકોની મંજૂરી વગર 1,77,00,000 (એક કરોડ સત્યોતેર લાખ) જેટલી માતબર રકમ નવા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ રકમ વહીવટકર્તા જીજ્ઞેશ વઘાસીયા અંગત ઉપયોગમાં વાપરી ગયો હોવાનું સામે આવ્યું છે.
જ્યારે આ કૌભાંડ ખુલ્લું પડ્યું ત્યારે બિલ્ડરે પોતાનોકોઇ રોલ ન હોય તેવું બતાવવા જીજ્ઞેશ વિરુદ્ધ શાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે, ફ્લેટ ધારકોનો આક્ષેપ છે કે આ માત્ર `મિલાપીપણું’ હતું, જેના કારણે આરોપીસહેલાઈથી જામીન પર મુક્ત થઈ ગયો છે.બિલ્ડરોની આ ગેરરીતિને કારણે છેલ્લા ત્રણ વર્ષથી ફ્લેટ ધારકોએ ડિપોઝીટ આપવા છતાં ઘરના પૈસે મેઈન્ટેનન્સ ભોગવવું પડી રહ્યું છે. જ્યારે બિલ્ડરને નોટિસ આપવામાં આવી ત્યારે તેઓએ જવાબદારી સ્વીકારવાને બદલે અસ્પષ્ટ અને ગૂંચવણભર્યા જવાબો આપી હાથ ઊંચા કરી દીધા હતા.
આ અન્યાય સામે લડત આપવા માટે સ્થાપત્ય ગ્રીનસીટીના 54 ફ્લેટ ધારકોએ ગોંડલ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. અને બિલ્ડર અને વહીવટકર્તાઓ પાસેથી 1.08 કરોડ વસૂલવા દાવો કર્યો છે. તેમજ બાકી રહેલા વણવેચાયેલા ફ્લેટના વેચાણ પર મનાઈ હુકમ (Stay Order) માંગ્યો છે. આ કેસમાં ફ્લેટ ધારકો વતી એડવોકેટ વિકાસ કે. શેઠ, અલ્પા શેઠ અને નેહલ ખીલોસીયા કાયદાકીય પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
