ટ્રમ્પની આક્રમકતાથી શેરબજારમા ગભરાટ : સેન્સેક્સ ૧૨૩૫ પોઈન્ટ તુટ્યો
બ્રિકસ દેશો ઉપર ટેરીફ લાદવાની ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીથી સ્થાનિક શેરબજારમાં ગભરાટ ફેલાયો હતો અને તેને લીધે ઇન્ટ્રા ડે મંદી છવાયેલી રહી હતી. સેન્સેક્સ ૧૨૩૫ પોઈન્ટના ઘટાડા સાથે 75,838.36 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. એ જ રીતે નિફ્ટી પણ 320.10 પોઈન્ટ અથવા 1.37 ટકા ઘટીને 23,024.65ના સ્તરે બંધ થયો હતો.

બુધવારે આવનારા કેટલીક કંપનીઓના પરિણામ અંગે પણ અનિશ્ચિતતા હોવાને કારણે બજારમાં મંદી જોવા મળી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ નીતિઓ અને નબળા ત્રિમાસિક પરિણામોએ રોકાણકારોની ચિંતાઓમાં વધારો કર્યો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા સતત વેચવાલીથી બજાર પર વધારાનું દબાણ આવ્યું. આ ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તિમાં ₹7 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો હતો.
મંગળવારના કારોબારમાં એપોલો હોસ્પિટલ્સ, બીપીસીએલ, ટાટા કન્ઝ્યુમર, જેએસડબ્લ્યુ સ્ટીલ અને શ્રીરામ ફાઇનાન્સ મંગળવારના વેપારમાં નિફ્ટીમાં ટોપ ગેઇનર હતા. જ્યારે ટ્રેન્ટ, અદાણી પોર્ટ્સ, એનટીપીસી, આઈસીઆઈસીઆઈ બેંક અને એસબીઆઈ ટોપ લુઝર હતા.
બજારમાં ચિંતાનું બીજું કારણ HDFC બેંકના પરિણામો છે, જે બુધવારે આવવાના છે. આ ઉપરાંત, HUL અને BPCL ના પરિણામો પણ બુધવારે જાહેર થવાના છે, જે રોકાણકારો માટે એક મહત્વપૂર્ણ વળાંક બની શકે છે.