રાજકોટમાં સોના-ચાંદીના વેપારીઓ પર તોલમાપ ખાતાની તવાઇ: 12 જવેલર્સ સામે કેસ નોંધાયા,34 હજારની ફી વસૂલાઇ
રાજકોટમાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા ગ્રાહકોના હિતની રક્ષા કરવા અને વેપારમાં પારદર્શિતા જાળવવાના હેતુથી સોના-ચાંદીની દુકાનો અને જ્વેલરી શો-રૂમ પર વિશેષ આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાઇ હતી.
આ ઝુંબેશ દરમિયાન રાજકોટ શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલા સોના-ચાંદીના વેપારીઓ અને જ્વેલરી શો-રૂમની તોલમાપ તંત્ર દ્વારા અચાનક તપાસ કરવામાં આવી હતી. તપાસમાં અનેક એકમોમાં કાયદા મુજબ ફરજિયાત ચકાસણી અને મુદ્રાંકન વગર વજનકાંટાનો ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું હતું. આ કાર્યવાહીમાં રાજકોટના વિવિધ વેપારીઓ સામે 12 પ્રોસિક્યુશન કેસ નોંધવામાં આવ્યા હતા. કાયદેસર કાર્યવાહી કરીને વેપારીઓ પાસેથી કુલ રૂ. 34,000 જેટલી માંડવાળ ફી વસૂલવામાં આવી હતી.
આ પણ વાંચો :સોમનાથમાં PM મોદીના હસ્તે મહાઅભિષેક અને મહાભસ્મ આરતી થશે: વડાપ્રધાન ‘સોમનાથ ગાથા’ ઉપર નો ડ્રોન શો નિહાળશે
આ તપાસ દરમિયાન મુખ્યત્વે જે ગેરરીતિઓ સામે આવી હતી તેમાં ચકાસણી અને મુદ્રાંકન વગરના વજનકાંટાનો ઉપયોગ.વજનકાંટાની ચકાસણી અર્થે પ્રમાણિત બુલિયન વજનો વસાવેલ ન હતાં.વજનકાંટાનું કાનૂની પ્રમાણપત્ર પ્રદર્શિત ન હતું કરાયું વગેરેનો સમાવેશ થતો હતો. આ તમામ બાબતો કાનૂની માપવિજ્ઞાન અધિનિયમ અને નિયમોનો ભંગ ગણાતા હોવાને કારણે વેપારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.
