રાજકોટમાં બન્યુ 25 ફૂટ ઉંચું સાળંગપુર મંદિર : આજથી હનુમાન કથાનો થશે ભક્તિમય પ્રારંભ: 3 હજાર સ્વયંસેવકો સેવા આપશે, 5 લાખ પ્રસાદની કીટ કરાઈ તૈયાર
રાજકોટના આંગણે આગામી 27 ડિસેમ્બર 2025થી 2 જાન્યુઆરી 2026 દરમિયાન ઐતિહાસિક અને આધ્યાત્મિક મહોત્સવ `શ્રી હનુમાન ચાલીસા યુવા કથા’નું આયોજન કરવામાં આવ્યું છે. કથામાં એક સાથે 50,000થી વધુ ભક્તો બેસીને કથા સાંભળી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. તેમજ કથા ગ્રાઉન્ડમાં ખાસ સાળંગપુર થીમનું 52 ફૂટ ઊંચું મંદિર પણ ઊભું કરવામાં આવ્યું છે.
આ કથા કોઈ ટ્રસ્ટ કે સંસ્થા દ્વારા નહીં પણ સમગ્ર રાજકોટવાસીઓ દ્વારા થઈ રહી છે. આ કથા 27 ડિસેમ્બર થી બે જાન્યુઆરી સુધી રાત્રે 7:30 થી 11:30 કલાક સુધી. પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામીના મુખેથી હનુમાનજીના જીવન ચરિત્રનું રસપાન કરાવવામાં આવશે.
પાંચ લાખ પ્રસાદની કીટ તૈયાર કરાઈ
કથા સાંભળવા આવતા તમામ લોકોને પ્રસાદ મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. યુવા કથા સમિતિ દ્વારા પાંચ લાખ જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે સાથે કથા સાંભળવા આવતા તમામ લોકોને જગ્યા પર જ પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
આ પણ વાંચો :જૂના કાટમાળનો ‘હિસાબ’ આપ્યા બાદ જ નવું બાંધકામ થઇ શકશે! રાજકોટના તત્કાલિન કમિશનર આનંદ પટેલે બનાવેલા નિયમનું પાલન આખરે શરૂ કરાયું
પોથી યાત્રામાં 551 પોથી, હાથી, ઘોડા, વિન્ટેજ કાર, નાસિક ઢોલ, અઘોરી નૃત્ય, બાહુબલી હનુમાન જમાવશે આકર્ષણ
કથાના પ્રારંભ પૂર્વે 27 ડિસેમ્બર 2025, શનિવારે બપોરે 2:00 કલાકે વિરાણી હાઈસ્કૂલ મેદાનથી અતિ ભવ્ય અને દિવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પોથીયાત્રામાં હાથી,ઘોડા,વિન્ટેજ કાર,નાસિક ઢોલ,અઘોરી નૃત્ય, બાહુબલી હનુમાન,થાર જીપ, વિન્ટેજ કાર અને બુલેટ સવારોનું આકર્ષણ રહેશે . સાથે નાશિકના ઢોલ-નગારા અને ભારતીય સાંસ્કૃતિક નૃત્યોની ઝલક જામશે. હાથીની અંબાડી પોથીયાત્રાની શોભા વધારશે. બાહુબલી હનુમાનજીની વેશભૂષામાં સેવકો દર્શનને પાત્ર બનશે. 551 બહેનો મસ્તક પર રામચરિતમાનસની પોથીઓ લઇ યાત્રામાં જોડાશે. આ પોથી યાત્રા વિરાણી હાઈસ્કૂલ મેદાનથી શરૂ થઈ યાજ્ઞિક રોડ, ઈમ્પિરિયલ હોટલ થઈને , જિલ્લા પંચાયત ચોક અને કિશાનપરા ચોક થઈને રેસકોર્સ ગ્રાઉન્ડમાં પ્રવેશ પામશે. ડી.જે. અને બેન્ડવાજાના તાલે “જય શ્રી રામ”, “જય હનુમાન”, “જય બજરંગબલી”ના ગગનભેદી નાદ સાથે સમગ્ર શહેર ભક્તિમય બની જશે.
2-જાન્યુઆરી ના દિવસે દાદાને ભવ્ય અન્નકૂટ ધરાશે
તારીખ 2-જાન્યુઆરીના રોજ હનુમાન દાદા ને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે. શહેરના બહેનો પોતાના ઘરેથી વાનગીઓ તૈયાર કરી દાદાને ધરાવશે. આ તમામ વાનગીઓ સ્વયં સેવક ભાઈઓ તથા બહેનો અન્નકૂટ સ્વરૂપે શણગારશે અને પ્રસાદ સ્વરૂપે ભાવિકોને વિતરણ કરવામાં આવશે.
31 ડિસેમ્બરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી
151 કિલો કેક, 108 કિલો પુષ્પવર્ષા, ભવ્ય અન્નકૂટ તથા ફૂલ-ફુગ્ગાથી સભામંડપને શોભાવવામાં આવશે. 31મી ડિસેમ્બરની રાત્રે પાશ્ચાત્ય સંસ્કૃતિના બદલે હનુમાન દાદાની આરાધના સાથે યુવાનો નવા વર્ષને વધાવશે તેવું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 31 ડિસેમ્બર ના રોજ મોટી સંખ્યામાં રાજકોટ વાસીઓ ઉમટશે. દાદાના જન્મદિવસને વધાવવા અત્યારથી યુવાઓ થનગની રહ્યા છે. હનુમાન ચાલીસા યુવા કથા દરરોજ સાંજે 7:30 થી રાત્રે 11:30 કલાક દરમિયાન યોજાશે. રાષ્ટ્રભાવના જાગૃત કરવા કથાનો પ્રારંભ રાષ્ટ્રગીત જન ગણ મનથી અને પૂર્ણાહૂતિ હનુમાનજી મહારાજ ની આરતી કરવામાં આવશે. વ્યાસપીઠની એક બાજુએ ધર્મ ધ્વજ લહેરાશે અને બીજી બાજુએ રાષ્ટ્ર ધ્વજ ફરકશે.
ત્રણ હજાર જેટલા સ્વયંસેવકો સેવા આપશે
બે થી ત્રણ હજાર જેટલા જેટલા સ્વયંસેવકો રાત-દિવસ ભાઈઓ તથા બહેનો સેવામાં કાર્યરત રહેશે. તન મન ધન થી દાદા ના સેવા ભાવમાં હજારો ભક્તો દિવ્યતા અનુભવી રહ્યા છે. કથા શ્રવણ માટે આવતા ભક્તો ને કોઈ અડચણ ન પડે તે માટે સ્વયંસેવકો દિવસ રાત એક કરી રહ્યા છે.
દરરોજ કથા પૂર્વે જામશે સનાતન ધર્મની ઝાંખી
રેસકોર્ષ ગ્રાઉન્ડમાં દરરોજ કથા પૂર્વે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં જયપુરની પ્રખ્યાત નાટ્ય ટીમ દ્વારા સનાતન ધર્મની અદભુત ઝાંખી રજુ કરશે. સાથે જ ભજન કીર્તનની રંગત જામશે. 60થી વધુ કલાના કસબીઓ અદભુત પ્રસ્તુતિ કરી લોકોને અભિભૂત કરશે.
