વો ભી ક્યા દિન થે…165 રૂા.માં મારા લગ્નના દાગીના બની ગયા હતા,વડીલો યાદ કરે છે સસ્તા સોનાની ક્ષણો
વર્ષ 1950 જ્યારે 10 ગ્રામ સોનું માત્ર 99 રૂપિયામાં મળતું હતું, એ વાત આજની જનરેશનને સપના જેવી લાગે છે. એક સમય એવો હતો જ્યારે સોનું શાકભાજીના ભાવે ખરીદાતું અને આજે એ જ સોનું સામાન્ય માણસ માટે સ્વપ્ન સમાન બની ગયું છે. વડીલોએ જે સોનું બે ડિજિટમાં ખરીદ કર્યું છે જે આજે 6 આકડાઓમાં ફેરવાઈ ગયુ છે,ભાવ એટલા ઊંચા કે સોનું હાથમાં નહીં, ચર્ચામાં જ રહે. સમય બદલાયો, મૂલ્ય બદલાયું અને સોનાની સફર જમીન પરથી સીધી આસમાને પહોંચી ગઈ છે.એક સમય એવો હતો જ્યારે સોનું પરિવારની આર્થિક હાડમારીમાં પણ સાથે ચાલતું હતું. જરૂર પડે ત્યારે ગીરવે મૂકી કામ લાગતું, લગ્ન-પ્રસંગે ગૌરવથી પહેરાતું અને દીકરીના ભવિષ્ય માટે સાચવી રખાતું.. 10 ગ્રામ સોનું લેવાનો વિચાર પણ હવે યોજના, બચત અને સંઘર્ષ સાથે જોડાઈ ગયો છે. સમય સાથે ચલણ બદલાયું, જીવનની ગતિ બદલાઈ અને અર્થતંત્રનું સ્વરૂપ બદલાયું. પણ સૌથી વધુ બદલાયું છે તો સોનાની પહોંચ. જે સોનું ક્યારેય ઘરનું અભિન્ન અંગ હતું, આજે એ આંકડાઓ, બજારભાવ અને રેકોર્ડબે્રક સપાટીઓ સુધી સીમિત થઈ ગયું છે.
સોનું સદાબહાર રોકાણ છે,સમયે એ સાબિત કર્યું છે : હરીશ સોની (પ્રેમજી વાલજી જવેલર્સ)
રાજકોટનાં પ્રતિષ્ઠિત પ્રેમજી વાલજી જવેલર્સના હરીશભાઈ સોની પોતાના વર્ષોના અનુભવના આધારે જણાવે છે કે, સોનું હંમેશાં સદાબહાર રહ્યું છે અને દરેક સમયગાળામાં પોતાને શ્રેષ્ઠ રોકાણ તરીકે સાબિત કરતું આવ્યું છે. હરીશભાઈ કહે છે કે એક સમય એવો પણ હતો જ્યારે સોનાનો ભાવ તોલા દીઠ 7,000થી 10,000 રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો. તે સમયે બજારમાં રીતસર ઉહાપોહ મચી ગયો હતો અને લોકોને લાગ્યું હતું કે ભાવ અસહ્ય બની ગયા છે. તેમ છતાં સમય જતા લોકોએ આ ભાવોને પચાવી લીધા અને સોનું ફરી એકવાર વિશ્વસનીય રોકાણ બની રહ્યું. આજે જ્યારે સોનાના ભાવ એક લાખ રૂપિયાને પાર કરી ગયા છે, ત્યારે પણ એ જ પરિસ્થિતિ ફરી સામે આવી છે, પરંતુ ઇતિહાસ એ વાત સાબિત કરે છે કે સોનું લાંબા ગાળે હંમેશાં લાભદાયી રહ્યું છે. ભૂતકાળની યાદોને તાજી કરતા હરીશભાઈ સોની જણાવે છે કે અગાઉ ઘરનું મકાન થયા બાદ લોકો પોતાની બચત મુખ્યત્વે સોનામાં જ રોકાણ કરતા હતા. તે સમયમાં બચતના વિકલ્પો ખૂબ જ મર્યાદિત હતા અને સોનું જ સંકટના સમયમાં સાચો સાથીદાર બનતું હતું. વર્તમાન પરિસ્થિતિ અંગે તેઓ કહે છે કે સોનાના ભાવમાં ભારે વધારાને કારણે સામાન્ય લોકોની ખરીદીની ક્ષમતા ઘટી છે. અગાઉ જ્યાં લોકો 100 ગ્રામ સોનાની ખરીદી કરતા હતા, ત્યાં હવે સરેરાશ 40 ગ્રામ સુધીની ખરીદી પર જ સંતોષ માનવો પડી રહ્યો છે. જોકે દાગીનાની ખરીદીમાં ઘટાડો થયો હોવા છતાં, લોકો સોનાને સુરક્ષિત રોકાણ તરીકે જોવાનું ચાલુ રાખે છે અને ઇન્વેસ્ટમેન્ટ માટે આજે પણ સોનું શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.હરીશભાઈ સોની અંતમાં ઉમેરે છે કે ભાવમાં ઉતાર-ચઢાવ આવતો રહેશે, પરંતુ વિશ્વાસ, સુરક્ષા અને મૂલ્યની દૃષ્ટિએ સોનું હંમેશાં લોકોની પ્રથમ પસંદગી રહ્યું છે અને આવનારા સમયમાં પણ એ જ સ્થાન જાળવી રાખશે.
સોનું એક દિવસ આટલું અમૂલ્ય બની જશે તેવી કલ્પના ન હતી : હેમાબેન કોઠારી (ગૃહિણી)
સિનિયર સિટીઝન હેમાબેન કોઠારી કહે છે કે મારા લગ્ન થયાં ત્યારે સોનું 165 રૂ.માં એક તોલુ મળતું હતું.અમારા સમયમાં સોનું વૈભવ નહીં, પણ વિશ્વાસ હતું. જ્યારે 10 ગ્રામ સોનું સહેલાઈથી ખરીદી શકાય તેમ હતું ત્યારે અમે થોડી-થોડી બચત કરીને સોનું લેતા. કોઈએ કલ્પના નહોતી કરી કે એ જ સોનું એક દિવસ આટલું અમૂલ્ય બની જશે. આજે ભાવ જોઈને સંતોષ થાય છે કે એ સમયની સમજદારી આજે પરિવાર માટે મજબૂત આધાર બની છે. મેં તો મારી દીકરી, વહુ અને બંને પૌત્રી માટે શુદ્ધ સોનું સાચવીને રાખ્યું છે અને એ લોકોને પણ એ જ સલાહ આપું છે તમે બચત કરીને સોનું ખરીદ કરો.
સ્ત્રીધન તરીકે સાચવેલું સોનું બની ગયું સંકટનો સહારો : ભાનુબેન કોટેચા (ગૃહિણી)
સ્ત્રીધન તરીકે સાચવેલું સોનું આજે મારા સંકટનો સહારો બની ગયો છે તેમ કહેતાં ભાનુબેન કોટેચા કહે છે કે, લગ્ન સમયે મળેલું કે તહેવારમાં ખરીદેલું સોનું અમે પહેરવા કરતાં સાચવી રાખતા હતા. સચવાયેલું સોનું જરૂર પડે ત્યારે કામ આવે એવી માનસિકતા રાખતા હતા. પરંતુ આજે જ્યારે સોનાના ભાવની ચર્ચા થાય છે ત્યારે ગર્વ થાય છે કે એ સ્ત્રીધન માત્ર લાગણી નહીં, પણ મૂલ્યની દૃષ્ટિએ પણ અમૂલ્ય સાબિત થયું છે.સોનું હંમેશને માટે વિશ્વાસનું પ્રતિક રહેશે. રૂપિયો બદલાય, ભાવ વધે, પરંતુ સોનાની કદર ક્યારેય ઓછી થવાની નથી.
એ સમયે મારી બાએ ભારેખમ હાર કરાવી આપ્યો હવે તો ક્નયાને કરિયાવરમાં કંચન આપવું કલ્પના : હંસાબેન લુણાગરિયા (ગૃહિણી)
હંસાબેન લુણાગરિયા સસ્તાઈના જમાનાનાં સ્મરણને યાદ કરતાં કહે છે કે, મારા લગ્ન સમયે મારી બા એ 5 તોલાનો ભારેખમ હાર કરાવી દીધો હતો,આજે તો દીકરીને કરિયાવરમાં કંચન આપવું કલ્પના અને ગજા બહારની વાત થઈ છે.એ સમયે મને સોનાનો ભાવ તો બહુ યાદ નથી પણ ત્યારે દીકરીઓને કરિયાવરમાં સોનુ આપવામાં આવતું,આજે મારી દીકરીનાં લગ્નમાં ભારે દાગીના આપતા પહેલા 100 વખત વિચારવું પડે. હવે તો ભાવ ઘટે એવી કોઈ આશા પણ નથી.
અમારા સમયે સોનું વૈભવ નહીં પણ સુરક્ષાનું રોકાણ ગણાતું : પ્રભાબેન જાદવ (ગૃહિણી)
89 વર્ષીય પ્રભાબેન જાદવનાં મત મુજબ ત્યારે કોઈએ વિચાર્યું ન હતું કે સોનું આટલું મોંઘું થશે. બસ, સ્ત્રીધન તરીકે કે દીકરી માટે રાખી દેતા. વધુ સોનું લઈ શકાયું નહીં, એનો અફસોસ થાય છે. એ સમયે કમાણી મર્યાદિત હતી, ઘર ચલાવવું જ મોટો પડકાર હતો. સોનું પછી લઈશું એવું વિચારીને સમય પસાર થયો. આજે ભાવ આસમાને છે. અમે એવા સમયમાં મોટા થયા જ્યાં સોનું વૈભવનું નહીં, સુરક્ષાનું પ્રતીક હતું. ત્યારે 10 ગ્રામ સોનું સો રૂપિયાની આસપાસ મળતું, ઘરમાં થોડી બચત થાય એટલે માતા સોનાની બંગડી કે નાની ચેઇન લઈ લેતા. એ દાગીનાં શોખ માટે નહીં, પણ આવનારા સમય માટે સાચવીને રાખવામાં આવતાં.
આજની પેઢી માટે સોનું ઇન્વેસ્ટમેન્ટ, અમારા માટે વડીલોની યાદો : નિર્મલાબેન રાઠોડ (ગૃહિણી)
નિર્મલાબેનનાં અભિપ્રાય મુજબ, સોનું માત્ર ચમકદાર ધાતુ નહોતું, એ પરિવારની ઇજ્જત અને સુરક્ષાનું પ્રતીક હતું. કપરા સમયમાં એ જ સોનું કામ આવતું. આજે વધેલા ભાવને લીધે સોનું હાથમાં નહીં, ગણતરીમાં જ રહે છે. સમય બદલાયો છે, પણ સોના સાથે જોડાયેલી લાગણી પહેલાં જેવી રહી નથી. હવે એની યાદો િંકમતી છે. આજની પેઢી માટે સોનું રોકાણ હશે, પણ અમારા માટે એ સ્મૃતિ છે. અમે જોયું છે કે નોટબંધી, મંદી, મોંઘવારી બધામાં સોનુંં સંભાળ બની રહ્યું. આજે ભાવ ઊંચા લાગે, પણ ભવિષ્યમાં એ ઓછા જ લાગશે. એટલે જ વડીલો કહેતા કે સોનામાં મૂકેલા પૈસા કદી નિરાશ નથી કરતા…
